Amreli: ધારીમાં ભાજપના અગ્રણી મહિલા નેતાની પાડોશી સાથેની તકરારમાં હત્યાથી હડકંપ

મધુબેન જોશીના પુત્ર પર કાર ચડાવી દેવા પ્રયત્ન થયા બાદ ઠપકો આપવા ગયા તે સમયે 3 લોકોએ હુમલો કરી દીધો હતો

Courtesy: Image: Twitter

Share:

 

Amreli: અમરેલીમાં ભાજપના અગ્રણી મહિલા નેતાની હત્યાને લઈ ચકચાર મચી છે. ભાજપના પૂર્વ મંત્રી અને ધારી તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય રહી ચૂકેલા મધુબેન જોશીની હત્યા કરવામાં આવી છે. આ ઘટના દરમિયાન મધુબેનના પુત્ર અને તેમના બહેનના પુત્ર પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ભાજપના નેતા મધુબેનનું મોત થયું છે. 

 

દિવાળી સમયે ફટાકડા ફોડવા બાબતે પાડોશી પરિવાર સાથે બોલાચાલી થયા બાદ ભાઈબીજનાં દિવસે અમરેલી (Amreli)માં ભાજપના અગ્રણી મહિલા નેતા પુત્રને કારથી કચડી નાખવાનો પ્રયાસ કરવામાં આવતા તે વાતનો ઠપકો આપવા ગયા હતા. તે સમયે 18થી 22 વર્ષના 3 પાડોશી યુવાનોએ તલવારથી જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં મધુબેન જોશીના પુત્ર અને એક સંબંધીને પણ ઈજા થઈ હતી.

મહિલા આગેવાનની હત્યા બાદ Amreliમાં હડકંપ

અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ અને ધારી તાલુકા પંચાયતનાં પૂર્વ સદસ્ય સહિતના હોદ્દા પર કામ કરી ચૂકેલા ધારીનાં મહિલા આગેવાન મધુબેન જોશીને પાડોશમાં રહેતા મહેતા પરિવાર સાથે છેલ્લા ઘણા સમયથી માથાકૂટ ચાલતી હતી. દિવાળીના દિવસે ફટાકડા ફોડવા બાબતે બંને પરિવારો વચ્ચે બોલાચાલી થઈ હતી પણ બાદમાં મામલો થાળે પડી ગયો હતો.

 

જો કે 3 દિવસ બાદ ભાઈબીજના રોજ મહિલા અગ્રણી મધુબેનના નાના પુત્ર રવિભાઈ કે જેઓ એડવોકેટ છે, તેઓ બાઈક પર જઈ રહ્યા હતા ત્યારે પાડોશી પરિવારે તેમને કારથી કચડી નાખવાનો પ્રયત્ન કર્યો હતો. 

 

તલવારથી કરાયો ઘાતકી હુમલો

પરિણામે બપોરના સમયે અમરેલી (Amreli) ભાજપના મહિલા અગ્રણી મધુબેન અને તેમના પુત્ર રવિભાઈ તથા એક સંબંધી પાડોશી પરિવારને ઠપકો આપવા માટે તેમના ઘરે ગયા હતાં. ત્યારે અચાનક જ પાડોશી પરિવારનાં 3 યુવાનો ઋષિક પરેશભાઈ મહેતા (ઉ.વ. 22), જયઓમ હિતેશભાઈ મહેતા (ઉ.વ. 20) અને હરિઓમ હિતેષભાઈ મહેતા (ઉ.વ. 18) તથા અન્ય એક શખ્સે ઉશ્કેરાઈ જઈને તલવારથી ઘાતકી હુમલો કર્યો હતો. 

 

તલવારનો જોરદાર ઘા લાગતા મધુબેન જોશીનો એક હાથ કપાઈ ગયો હતો. તથા ગંભીર ઈજાઓનાં કારણે તેમનું મોત નિપજતાં સમગ્ર બનાવ હત્યામાં પલ્ટાયો હતો. ઘાતકી હુમલામાં તેમના પુત્ર રવિભાઈ અને સાથે રહેલા સંબંધીને પણ ઈજા પહોંચી હતી. આ ઘટના બાદ અમરેલીમાં ભારે હડકંપ મચી ગયો છે. 

 

પોલીસે હુમલાખોર હરિઓમ મહેતાની ધરપકડ કરી હતી જ્યારે ઝપાઝપીના કારણે ઘાયલ થયેલા જયઓમ અને ઋષિકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાથી પોલીસે તેમની અટકાયત માટે હોસ્પિટલમાં જાપ્તો ગોઠવી ફરિયાદને લઈ આગળની કાર્યવાહી આરંભી છે. 

રાજકારણમાં ગરમાવો

ધારીમાં ભાજપના મહિલા આગેવાન મધુબેન જોશીની હત્યાને લઈ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આક્ષેપબાજી ચાલી રહી છે. પ્રદેશ કોંગ્રેસ મહિલા પ્રમુખ જેનીબેન ઠુંમરે ભાજપ સરકાર કાયદો-વ્યવસ્થા અને સ્ત્રીઓની સુરક્ષા જાળવવામાં નિષ્ફળ ગયાનો આક્ષેપ કર્યો હતો. જ્યારે પૂર્વ કોંગી ધારાસભ્ય વીરજી ઠુંમરે અમરેલી જિલ્લામાં ચાલતી ગેરકાનૂની પ્રવૃત્તિઓ સામે આંગળી ચીંધી હતી.