Ashneer Groverને સોશિયલ મીડિયા પોસ્ટ મામલે 2 લાખનો દંડ, માફી પણ માગવી પડી

અશનીર ગ્રોવરે કંપનીના સિરીઝ ઈ ફંડિંગ રાઉન્ડમાં સમાવિષ્ટ ઈક્વિટી અને સેકન્ડરી કમ્પોનન્ટના ડિસ્ટ્રીબ્યુશન વિશે માહિતી જાહેર કરી હતી

Courtesy: Image: Twitter

Share:

 

Ashneer Grover: દિલ્હી હાઈકોર્ટે ભારતપેના સહ-સ્થાપક અને ભૂતપૂર્વ મેનેજિંગ ડિરેક્ટર અશનીર ગ્રોવર (Ashneer Grover)ને 2 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ભારતપે વિશે અયોગ્ય પોસ્ટ શેર કરવા બદલ કોર્ટે આ દંડ ફટકાર્યો છે. 

 

આ પહેલા અશનીર ગ્રોવરે કોર્ટને ખાતરી આપી હતી કે તે ફરી આવું નહીં કરે. જોકે આ પહેલીવાર નથી કે જ્યારે અશનીર ગ્રોવરે ભારતપે વિરુદ્ધ કંઈક જાહેર કર્યું હોય. 81 કરોડની છેતરપિંડીના આરોપસર ભારતપેમાંથી હાંકી કાઢવામાં આવ્યા ત્યાર બાદ અશનીર ગ્રોવરે કંપની વિરુદ્ધ ઘણી વખત પોસ્ટ કરી હતી.

Ashneer Grover દ્વારા માફી માગવામાં આવી

ભારતપેએ અશનીર ગ્રોવરને કંપની વિરુદ્ધ પોસ્ટ કરવાથી રોકવા માટે કોર્ટમાં અરજી કરી હતી. અશનીર ગ્રોવરે પોતાની પોસ્ટ માટે કોર્ટમાં માફી માગી અને ભવિષ્યમાં આવી પોસ્ટ શેર ન કરવા જણાવ્યું હતુ. આ પછી કોર્ટે અશનીર ગ્રોવર વિરુદ્ધની અરજી ફગાવી દીધી હતી. જોકે કોર્ટમાં પોતાની પોસ્ટ માટે માફી માગ્યા પછી પણ અશનીર ગ્રોવરને 2 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

ગોપનીય માહિતી શેર કરવાનો આરોપ

ગત તારીખ 24 નવેમ્બરના રોજ, ફિનટેક ફર્મ ભારતપેની પેરેન્ટ કંપની, રેઝિલિએન્ટ ઈનોવેશને દિલ્હી હાઈકોર્ટમાં એક નવો કેસ દાખલ કર્યો હતો. જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે, અશનીર ગ્રોવરે (Ashneer Grover) કંપની વિશેની ગુપ્ત માહિતી જાહેર કરી છે. કંપનીએ અશનીર ગ્રોવર સામે પોસ્ટ શેર ન કરવાની માગ કરી હતી. બિઝનેસ રિયાલિટી શો શાર્ક ટેન્ક ઈન્ડિયાના ભૂતપૂર્વ જજે ગયા સપ્તાહ દરમિયાન આ પોસ્ટ કરી હતી. તેમની પોસ્ટમાં અશનીર ગ્રોવરે કંપનીના સિરીઝ ઈ ફંડિંગ રાઉન્ડમાં સમાવિષ્ટ ઈક્વિટી અને સેકન્ડરી કમ્પોનન્ટના ડિસ્ટ્રીબ્યુશન વિશે માહિતી જાહેર કરી હતી.

જાણો અશનીર ગ્રોવરની પોસ્ટ

અશનીર ગ્રોવરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું હતું કે, ટાઈગર ગ્લોબલની આગેવાની હેઠળ અને ડ્રેગનિયર ઈન્વેસ્ટર ગ્રુપ અને અન્યોની ભાગીદારીથી ફંડિંગ રાઉન્ડે 370 મિલિયન ડોલર એકઠા કર્યા અને પરિણામે ભારતપેનું મૂલ્ય 2.86 બિલિયન ડોલર થયું. જો કે આ પછી અશનીર ગ્રોવરે આ પોસ્ટ હટાવી દીધી હતી. કંપનીનો આરોપ છે કે અશનીર ગ્રોવરની આ પોસ્ટ કંપની વિશેની ગોપનીય માહિતી જાહેર કરી રહી છે, જેના માટે કોર્ટે અશનીર ગ્રોવર પર દંડ ફટકાર્યો છે.

EOW દ્વારા ફ્રોડ કેસની તપાસ

નોંધનીય છે કે, અશનીર ગ્રોવર (Ashneer Grover) કથિત છેતરપિંડીના કેસમાં પૂછપરછ માટે દિલ્હી પોલીસની ઈકોનોમિક ઓફેન્સ વિંગ સમક્ષ હાજર થયા હતા. ઈકોનોમિક ઓફેન્સ વિંગ દ્વારા 8 માનવ સંસાધન કન્સલ્ટન્સી ફર્મ્સ અને ગ્રોવરની પત્ની માધુરી જૈનના સંબંધીઓ વચ્ચેની લિંક્સ અને નાણાંની લેવડદેવડની તપાસ ચાલી રહી છે.