ભાજપ VS કોંગ્રેસ: કયા રાજ્યમાં કોની સરકાર? ક્યાંક તો બંનેમાંથી એક પાર્ટી પણ નથી

રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસે સત્તા ગુમાવતા જ દેશના નક્શામાં ભાજપનો ભગવો વધુ લહેરાઈ રહ્યો છે. આમ હવે દેશના મોટાભાગના રાજ્યોમાં ભાજપ અથવા ભાજપ ગઠબંધનની સરકાર છે, જ્યારે કર્ણાટક, તેલંગાણા અને હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસની તેમજ બિહાર, ઝારખંડ અને તમિલનાડુમાં કોંગ્રેસ ગઠબંધનની સરકાર છે. ચોંકાવનારી વાત તો એ છે કે, દેશના 8 રાજ્ય એવા છે, જ્યાં ભાજપ-કોંગ્રેસ બંનેમાંથી કોઈની સરકાર નથી.

Share:

હાઈલાઇટ્સ

  • ચૂંટણી પરિણામો બાદ હવે રાજસ્થાન-છત્તીસગઢમાં ભાજપની સરકાર
  • કોંગ્રેસ હવે દેશમાં માત્ર 3 રાજ્યોમાં સત્તા પર, 3માં ગઠબંધનની સરકાર

રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, અને તેલંગાણા વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં કોની સરકાર બનશે તેનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે.ત્રણેય રાજ્યોમાં બહુમત સાથે જીત થતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને જનતા-જનાર્દનનો હૃદયથી આભાર વ્યક્ત કર્યો છે, સાથે જ દિલ્હી ભાજપ હેડક્વાર્ટર ખાતે કાર્યકર્તાઓને સંબોધન પણ કરવાના છે.

ઉલ્લેખનીય છે કે, બે મુખ્ય પક્ષો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજ્યોમાં વર્ચસ્વ માટેના આ ચૂંટણી જંગમાં પરિણામો 3-1થી ભાજપની તરફેણમાં આવ્યા છે. ભગવા પાર્ટીએ પ્રચંડ બહુમતી સાથે માત્ર એમપીમાં સત્તા જાળવી રાખી નથી પરંતુ કોંગ્રેસ પાસેથી રાજસ્થાન અને છત્તીસગઢ પણ છીનવી લીધું છે. આ જીત પછી દેશના નક્શા પર ભગવો રંગ વધુ દેખાઈ રહ્યો છે જ્યારે કોંગ્રેસ સંકોચાઈ ગઈ છે. ચાલો અમે તમને જણાવીએ કે, ક્યા રાજ્યમાં કોની તેમજ ક્યાં રાજ્યોમાં ગઠબંધનની સરકાર છે?

દેશના 28 રાજ્યો અને વિધાનસભાવાળા 2 કેન્દ્રશાસિત પ્રદેશો સહિત હવે 16 રાજ્યો એવા છે જ્યાં ભાજપ અથવા તેના સહયોગી NDA સત્તામાં છે. હવે ભાજપ પાસે 12 રાજ્યોમાં મુખ્યમંત્રી હશે. આ વિધાનસભા ચૂંટણીના પરિણામો પહેલા 7 રાજ્યો એવા હતા જ્યાં કોંગ્રેસ સત્તામાં હતી અથવા પાર્ટી ત્યાં સત્તામાં હતી. પરંતુ હવે આ સંખ્યા ઘટીને 6 પર આવી ગઈ છે. આ સિવાય 8 એવા રાજ્યો છે જ્યાં ભાજપ કે કોંગ્રેસ સત્તામાં જ નથી.

એવા રાજ્ય જ્યાં ભાજપની સરકાર

4 રાજ્યોના ચૂંટણી પરિણામો આવ્યા બાદ હવે મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, યુપી, ઉત્તરાખંડ, ગુજરાત, ગોવા, આસામ, અરુણાચલ પ્રદેશ, મણિપુર અને ત્રિપુરામાં ભાજપની સરકાર છે.

એવા રાજ્ય જ્યાં ભાજપ ગઠબંધનની સરકાર

ભાજપ ગઠબંધન એનડીએ 5 રાજ્યોમાં સત્તા પર છે. જેમાં મહારાષ્ટ્ર, હરિયાણા મેઘાલય, સિક્કિમ અને નાગાલેન્ડનો સમાવેશ થાય છે. આ રીતે, વિધાનસભા ધરાવતા કુલ 30 રાજ્યોમાંથી 17માં ભાજપની સરકાર છે અથવા તેની ગઠબંધન સરકાર છે. ખાસ વાત એ છે કે ગઠબંધન ધરાવતા રાજ્ય હરિયાણામાં મુખ્યમંત્રી ભાજપના જ છે. બાકીના 4 રાજ્યોમાં ભાજપના મુખ્યમંત્રીઓ નથી. મહારાષ્ટ્રમાં શિવસેનાના એકનાથ શિંદે, મેઘાલયના એનપીપીના કોરાનાદ સંગમા, સિક્કિમમાં સિક્કિમ ક્રાંતિકારી મોરચાના પ્રેમ સિંહ તમાંગ અને નાગાલેન્ડના નેશનાલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટીના નેફ્યૂ રિયોમાં સીએમ પદ પર છે.

એવા રાજ્ય જ્યાં કોંગ્રેસની સત્તા

કર્ણાટક, હિમાચલ પ્રદેશ, તેલંગાણામાં કોંગ્રેસ સત્તા પર છે. જો કે, તાજેતરમાં થયેલી 4 રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓમાં પાર્ટીએ રાજસ્થાન અને છત્તીસગઢમાં સત્તા ગુમાવી છે.

એવા રાજ્ય જ્યાં કોંગ્રેસ ગઠબંધનની સરકાર

દેશના બિહાર, ઝારખંડ અને તમિલનાડુ એવા રાજ્ય છે જ્યાં કોંગ્રેસની ગઠબંધનની સરકાર સત્તા પર છે.

એવા રાજ્ય જ્યાં કોંગ્રેસ-ભાજપમાંથી એકેય સત્તા પર નથી

દેશમાં કુલ 8 રાજ્યો એવા છે જ્યાં ભાજપ અને કોંગ્રેસ સિવાયની પાર્ટીઓ સત્તામાં છે. જેમાં પંજાબ, દિલ્હી, ઓડિશા, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ, કેરળ, મિઝોરમ* (સોમવારે પરિણામ જાહેર થશે) અને પુડુચેરીનો સમાવેશ થાય છે.