અયોધ્યાની મસ્જિદની આધારશિલા મક્કાના ઈમામ મૂકશેઃ આ ભારતની સૌથી મોટી મસ્જિદ હશે!

તાજ મહેલને પણ ઝાંખો પાડે તેવી મસ્જિદ બનાવાશે

Share:

હાઈલાઇટ્સ

  • સાંજની નમાજ સાથે જ મસ્જિદમાં રાખેલા ફૂવારા જીવંત થઈ ઉઠશે
  • તમામ ધર્મોના લોકો શાંતિ અને સદભાવ માટે આ સ્મારકને જોવા માટે આવશે

અયોધ્યામાં બની રહેલી મસ્જિદ 'મોહમ્મદ બિન અબ્દુલ્લા'ને લઈને એક નવી માહિતી સામે આવી છે કે નવી મસ્જિદના નિર્માણનો પાયો મક્કાના ઈમામ રાખશે. અયોધ્યામાં બાબરી મસ્જિદની જગ્યાએ એક અલગ સ્થાન પર પ્રસ્તાવિત મસ્જિદ મહોમ્મદ બિન અબ્દુલ્લાની આધારશિલા ઈમામ-એ-હરમ અથવા મક્કાના કાબામાં મસ્જિદ પરિસરમાં નમાજ પઢાવતા ઈમામ દ્વારા મૂકવામાં આવશે. આ મસ્જિદનું નિર્માણ અયોધ્યાથી 25 કિલોમીટર દૂર ધન્નીપૂરમાં એ ભૂખંડ પર કરવામાં આવી રહ્યું છે કે જેની જમીન યુપી સરકારે અયોધ્યા વિવાદમાં સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર મુસ્લિમ પક્ષને આપી હતી. 

મુંબઈ સ્થિત ભાજપના નેતા અને મસ્જિદ વિકાસ સમિતિના અધ્યક્ષ હાજી અરાફાત શેખે કહ્યું કે, અયોધ્યામાં નવી મસ્જિદ કે જે ભારતની સૌથી મોટી મસ્જિદ હશે, ત્યાં દુનિયાનું સૌથી મોટું કુરાન પણ હશે. આ 21 ફૂટ ઉંચી અને 36 ફૂટ પહોળી હશે. હાલમાં જ દેશની તમામ મસ્જિદોના સંગઠન ઓલ ઈન્ડિયા રાબતા-એ-મસ્જિદ (AIRM)એ ઉત્તર પ્રદેશના અયોધ્યા જિલ્લાના ધન્નીપુરમાં પ્રસ્તાવિત મસ્જિદનું નામ 'મુહમ્મદ બિન અબ્દુલ્લા મસ્જિદ' રાખવાનો નિર્ણય કર્યો હતો.

ધન્નીપુર મસ્જિદ સાઇટ સદીઓ જૂની બાબરી મસ્જિદની મૂળ જગ્યાથી લગભગ 22 કિમી દૂર છે. બાબરી મસ્જિદ 6 ડિસેમ્બર 1992ના રોજ તોડી પાડવામાં આવી હતી, હવે આ જગ્યાએ ભવ્ય ભગવાન રામ મંદિરનું નિર્માણ પૂર્ણ થવાનું છે. હાજી અરાફાત શેખે જણાવ્યું હતું કે નવેમ્બર 2019 માં સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી ફાળવવામાં આવેલી જગ્યા પર નવી મસ્જિદ બનાવવામાં આવશે તે ભારતની સૌથી મોટી મસ્જિદ બનવાનું વચન આપે છે. હાજી અરાફાત શેખ અનુસાર, આ મસ્જિદમાં 5000 પુરૂષો અને 4000 મહિલાઓ સહિત 9000 શ્રદ્ધાળુ એક સાથે નમાજ અદા કરી શકશે. 

શેખે કહ્યું કે, મસ્જિદ સિવાય પરિસરમાં એક કેન્સર હોસ્પિટલ, શાળા અને કોલેજ, એક સંગ્રહાલય અને એક પુસ્તકાલય તેમજ સંપૂર્ણ શાકાહારી રસોઈઘર પણ હશે. અહીંયા આવનારા લોકોને ફ્રીમાં ભોજન આપવામાં આવશે. શેખે દાવો કર્યો કે, આની સુંદરતા તાજ મહેલને પણ ઝાંખો પાડે એવી હશે. તેમણે કહ્યું કે, જ્યારે સાંજ પડશે ત્યારે સાંજની નમાજ સાથે જ મસ્જિદમાં રાખેલા ફૂવારા જીવંત થઈ ઉઠશે. આ મસ્જિદ તાજ મહેલથી પણ વધારે સુંદર હશે અને તમામ ધર્મોના લોકો શાંતિ અને સદભાવ માટે આ સ્મારકને જોવા માટે આવશે.