કરોડપતિ છતાં 35 લાખનું દેવું! કોણ છે ભજનલાલ શર્મા જેમને ભાજપે આપ્યું રાજસ્થાનનું શાસન?

ભજનલાલ શર્મા રાજસ્થાનના નવા મુખ્યમંત્રી બનશે. ભાજપે તેમને રાજ્યની કમાન સોંપી છે. તેઓ સંઘ અને સંગઠન બંનેના નજીકના ગણાય છે. મોટા દિગ્ગજોને પાછળ છોડીને તેમણે રાજસ્થાનના સીએમની ખુરશી હાંસલ કરી છે.

Share:

હાઈલાઇટ્સ

  • ભાજપે તેમને સર્વાનુમતે ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કર્યા
  • શર્માએ CMની રેસમાં ઘણા મજબૂત લોકોને પાછળ છોડી દીધા

ભજનલાલ શર્મા રાજસ્થાનના આગામી મુખ્યમંત્રી હશે. ભાજપે તેમને સર્વાનુમતે ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કર્યા છે. ભજનલાલ શર્મા જયપુરની સાંગાનેર વિધાનસભાથી પ્રથમ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેઓ રાજસ્થાનમાં ભાજપના મહાસચિવ છે. તેમણે મુખ્યમંત્રીની રેસમાં ઘણા મજબૂત લોકોને પાછળ છોડી દીધા છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતાઓની હાજરીમાં તેમના નામની જાહેરાત કરવામાં આવી હતી. આવો જાણીએ, કોણ છે ભજનલાલ શર્મા જેમને ભાજપે રાજસ્થાનનું શાસન આપ્યું છે.

કરોડપતિ છતા દેવું!
પહેલીવાર સાંગાનેર વિધાનસભા સીટ પરથી ધારાસભ્ય જીતીને રાજસ્થાનના નવા સીએમ બનેલા ભજન લાલ શર્માએ સાંગાનેરથી ચૂંટણી જીતી છે. તેમની નેટવર્થ વિશે વાત કરીએ તો, તેઓ કરોડપતિ પણ છે અને તેમની કુલ સંપત્તિ 1,46,56,666 રૂપિયા છે, જ્યારે દેવું રૂપિયા 35 લાખ છે. વિધાનસભા ચૂંટણીમાં આપવામાં આવેલી સંપત્તિની વિગતો સાથે સંબંધિત એફિડેવિટ મુજબ, રાજસ્થાનના નવા સીએમ ભજન લાલ શર્માની કુલ સંપત્તિમાંથી 1,15,000 રૂપિયા રોકડમાં છે, જ્યારે વિવિધ બેંકોમાં ખાતાઓમાં લગભગ 11 લાખ રૂપિયા જમા છે. તેમની પત્નીના નામે 1.50 લાખ રૂપિયા રોકડા છે અને બેંકોમાં 10,000 રૂપિયા જમા છે.

ભાજપે 2023ની વિધાનસભા ચૂંટણીમાં ધારાસભ્ય અશોક લોહાટીની ટિકિટ રદ કરીને ભજનલાલ શર્માને આપી હતી. ભજનલાલ શર્માએ કોંગ્રેસના પુષ્પેન્દ્ર ભારદ્વાજને 48 હજારથી વધુ મતોથી હરાવ્યા હતા. તેઓ ભરતપુરના રહેવાસી છે. જોકે, તેમનું નિવાસસ્થાન જયપુરના જવાહર સર્કલ ખાતે છે. જ્યારે તેઓ સાંગાનેરથી ચૂંટણી લડી રહ્યા હતા ત્યારે કોંગ્રેસ તેમના પર બહારના વ્યક્તિ હોવાનો આરોપ પણ લગાવી રહી હતી. એ બીજી વાત છે કે આ પછી પણ ભજનલાલ શર્મા સાંગાનેરમાં જંગી સરસાઈથી જીત્યા. સાંગાનેર બેઠક ભાજપનો ગઢ માનવામાં આવે છે.

ભજનલાલ શર્મા સંઘ અને સંગઠન બંનેના નજીકના ગણાય છે. રાજસ્થાનમાં સામાન્ય વર્ગના મજબૂત ચહેરા તરીકે તેમને મુખ્યમંત્રી પદની રેસમાં ગણવામાં આવી રહ્યા હતા. જો કે તેમને રાજસ્થાનની કમાન સોંપવામાં આવશે તેવું કોઈ પણ દાવા સાથે કહી શક્યું ન હતું.

શર્મા વિરુદ્ધ જયપુરમાં કેસ ચાલી રહ્યો છે. આ કેસ IPCની કલમ 353, 149 હેઠળ નોંધાયેલો છે. આ કેસમાં શર્મા સામે 4 ડિસેમ્બર 2015ના રોજ આરોપ ઘડવામાં આવ્યા હતા. રાજસ્થાનના નવા મુખ્યમંત્રીના નામને લઈને ઘણી ચર્ચાઓ ચાલી રહી હતી. માનવામાં આવતું હતું કે મધ્યપ્રદેશના મોહન યાદવની જેમ ભાજપ મુખ્યમંત્રી તરીકે નવા નામની જાહેરાત કરી શકે છે. ભાજપે ફરી એકવાર ભજનલાલ શર્માને ચૂંટીને બધાને ચોંકાવી દીધા છે.