BharatPe fraud: અશનીર ગ્રોવર અને તેમના પત્ની માધુરી જૈનને અમેરિકા જતા અટકાવાયા

ગ્રોવરે પોસ્ટમાં લખ્યું કે, FIR નોંધાયા પછી હું 4 વખત વિદેશ જઈ આવ્યો છું, પણ ક્યારેય કોઈ સમસ્યા નડી નહોતી

Courtesy: Image: Twitter

Share:

 

BharatPe fraud: ફિનટેક ફર્મ ભારતપેના ફાઉન્ડર અશનીર ગ્રોવરને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. જાણવા મળ્યા મુજબ અશનીર ગ્રોવર અને તેમના પત્ની માધુરી જૈનને ભારતપે ફ્રોડ (BharatPe fraud) કેસને લઈ દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર અટકાવવામાં આવ્યા હતા. તેઓ પત્ની સાથે ન્યૂયોર્ક જઈ રહ્યા હતા ત્યારે એરપોર્ટ ઓથોરિટીએ તેમને દેશની બહાર જતા અટકાવ્યા તેને લઈ મામલો ગરમાયો છે. 

BharatPe fraud કેસને લઈ લુકઆઉટ સર્ક્યુલર

દિલ્હી પોલીસની આર્થિક ગુનાની તપાસ કરતી શાખા દ્વારા ભારતપેના ફાઉન્ડર અશનીર ગ્રોવર અને તેમના પત્ની સામે લુકઆઉટ સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યું છે. આ કારણે જ દિલ્હી એરપોર્ટ પરથી તેમને દેશ છોડીને બહાર જતા અટકાવવામાં આવ્યા હતા અને પરત મોકલી દેવાયા હતા. 

શું છે સમગ્ર કેસ?

દિલ્હી પોલીસની આર્થિક ગુનાની શાખા એવી ફરિયાદોમાં તપાસ કરી રહી છે કે, ગ્રોવર અને તેમના પરિવાર દ્વારા કથિતપણે સંચાલિત બોગસ માનવ સંસાધન કન્સલ્ટન્સી કંપનીઓને ભારતપે કંપની દ્વારા ગેરકાયદેસર રીતે પેમેન્ટ કરવામાં આવ્યું છે. ગયા જૂન મહિનામાં EoW વિભાગે પૈસાના કથિત દુરુપયોગ બદલ ભારતપે સંચાલિત રેઝિલિયંટ ઈનોવેશન પ્રા.લિ. કંપનીને રૂપિયા 81.3 કરોડનું નુકસાન પહોંચાડવાના આરોપમાં ગ્રોવર દંપતી તથા તેમના પરિવારના અન્ય અમુક સભ્યો વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી હતી.

 

આ મામલો હિતોનાં ટકરાવનો છે. ભારતપેના સંચાલનમાં આર્થિક ગેરરીતિ થયાનું આર્થિક ગુના શાખાની તપાસમાં માલુમ પડ્યું હોવાનો અહેવાલ છે. ગ્રોવરના પરિવાર સાથે સંકળાયેલી 8 એચ.આર. કન્સલ્ટન્સી કંપનીઓએ બંધ કરી દેવાયેલા બેન્ક ખાતાઓ સાથેના ખોટા બિલ આપ્યા હતા જે સંભવિત છેતરપિંડી સૂચવે છે. 

તપાસ પરથી માલુમ પડ્યું છે કે, આ અલગ અલગ કંપનીઓ (કે સંસ્થાઓએ) સમાન રજિસ્ટર્ડ સરનામું શેર કર્યું હતું જેનાથી એમની કાયદેસરતા અને સ્વતંત્રતા વિશે ચિંતા ઊભી થઈ છે. આ સંભવિત રીતે હિતોના ટકરાવનો મામલો સૂચવે છે.

અશનીર ગ્રોવરની ટ્વિટ

અશનીર ગ્રોવરે ભારતપે ફ્રોડ (BharatPe fraud) કેસના અનુસંધાને બનેલી તાજેતરની ઘટના બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક વિસ્તૃત સંદેશો લખ્યો હતો. તેમાં લખ્યું છે કે, "ગયા મે મહિનામાં એફઆઈઆર નોંધવામાં આવી હતી, પરંતુ તે પછી અમને EoW વિભાગ તરફથી કોઈ સમન્સ મોકલવામાં આવ્યું નથી. 

 

દિલ્હી એરપોર્ટ પરથી ઘેર પાછા ફર્યાના 7 કલાક પછી પણ કોઈ સમન્સ કે સંદેશો મળ્યો નથી. હું 16-23 નવેમ્બર સુધી અમેરિકા જતો હતો. ઈમિગ્રેશન ખાતે અધિકારીઓએ અમને કહ્યું કે સાહેબ LOC ઈશ્યૂ કરવામાં આવ્યું છે. અમારે EoW સાથે ચેક કરવું પડશે."

 

વધુમાં લખ્યું હતું કે, મને આશ્ચર્ય એ વાતનું છે કે મે મહિનામાં એફઆઈઆર નોંધવામાં આવી તે પછી હું 4 વખત વિદેશ જઈ આવ્યો છું, પણ ક્યારેય કોઈ સમસ્યા નડી નહોતી.