BJP AMC Councillor: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિધાનસભાના કોર્પોરેટરે આપ્યું રાજીનામુ

2 વર્ષ પહેલા કોર્પોરેટર મનોજ પટેલે એવો આક્ષેપ કર્યો હતો કે, રખડતા ઢોર પકડવા માટે અધિકારીઓ હપ્તા લે છે

Courtesy: Image: Twitter

Share:

 

BJP AMC Councillor: ગુજરાતના રાજકારણમાં મોટો ભૂકંપ સર્જાયો છે. અમદાવાદના ઘાટલોડિયા વોર્ડના ભાજપના કોર્પોરેટર મનોજ પટેલે અચાનક જ અંગત કારણોસર કોર્પોરેટર તરીકેના પદ પરથી રાજીનામુ આપી દીધું છે. ભાજપના એએમસીના કાઉન્સિલર (BJP AMC Councillor) છેલ્લા પાંચેક મહિનાથી કોર્પોરેશનની સામાન્ય સભામાં પણ ગેરહાજર રહેતા હતા. 

 

ત્યારે મનોજ પટેલે તેમનું કોર્પોરેટર પદ રદ્દ કરવામાં આવે તે પહેલા જ રાજીનામુ ધરી દીધું છે. તેમણે શાસક પક્ષના નેતાને પોતાનું રાજીનામુ મોકલી આપ્યું હતું. 

BJP AMC Councillorનું અચાનક રાજીનામુ

મનોજ પટેલે શાસક પક્ષના નેતાને મોકલેલું રાજીનામુ મ્યુનિસિપલ કમિશનરને સોંપવામાં આવ્યું હતું. મનોજ પટેલનો પરિવાર વિદેશમાં સ્થાયી થયેલો છે અને તેઓ તેમના સાથે જ રહેતા હોવાથી રાજીનામુ આપ્યું હોવાની વિગતો સામે આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મત વિસ્તાર એવા ઘાટલોડિયામાંથી ચૂંટાયેલા કોર્પોરેટર મનોજ પટેલે અચાનક રાજીનામુ ધરી દેતા અનેક પ્રકારની અટકળો ફેલાઈ છે. 

સામાન્ય સભામાં 5 મહિના ગેરહાજરી

કોર્પોરેટર તરીકે ચૂંટાયા બાદ હાલમાં છેલ્લા 5 માસથી તેઓ સતત કોર્પોરેશનની સામાન્ય સભામાં ગેરહાજર રહેતા હતા. નિયમાનુસાર કોઈ કોર્પોરેટર સતત 6 મહિના સુધી સામાન્ય સભામાં ગેરહાજર રહે તો તેમને કોર્પોરેટર પદેથી ડિસ્ક્વોલિફાઈ કરવામાં આવતા હોય છે. 

 

આ કારણે છેલ્લા ઘણાં સમયથી મનોજ પટેલ કોર્પોરેશનની સામાન્ય સભામાં ગેરહાજર રહેતા હોવાથી તેમને પણ આ નિયમની જાણ કરવામાં આવી હતી. ત્યારે પોતાના પર ડિસ્ક્વોલિફાઈ થવાની તલવાર લટકતી હતી, ત્યારે જ તેમણે કોર્પોરેટર પદેથી રાજીનામુ ધરી દીધું છે. 

 

જીપીએમસી એક્ટ પ્રમાણે જો ભાજપના એએમસીના કાઉન્સિલર (BJP AMC Councillor)ને ડિસ્ક્વોલિફાઈ કરવામાં આવે તો છબિ ખરડાઈ શકે તેમ હતી માટે મનોજ પટેલનું રાજીનામુ લેવામાં આવ્યું હોવાનું જણાઈ રહ્યું છે. 

મ્યુનિસિપલ કમિશનરને રાજીનામાનો પત્ર આપ્યો

ઘાટલોડિયાના કાઉન્સિલર મનોજ પટેલે શાસક પક્ષના નેતા ગૌરાંગ પ્રજાપતિને પોતાનું લેખિત રાજીનામુ પહોંચાડ્યું હતું. આ મામલે શહેર ભાજપને પણ જાણ કરી દેવામાં આવી છે. ભાજપ દ્વારા રાજીનામાનો પત્ર મ્યુનિસિપલ કમિશનરને આપવામાં આવ્યો હતો. આમ હવે 192માંથી માત્ર 191 કોર્પોરેટર રહેશે જેમાં ભાજપના 159 કોર્પોરેટર હશે.

અગાઉ વિવાદમાં આવ્યા હતા મનોજ પટેલ

ઘાટલોડિયા વોર્ડના કોર્પોરેટર મનોજ પટેલ અગાઉ પણ વિવાદમાં આવ્યા હતા. 2 વર્ષ પહેલાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ સાથે ઉત્તર પશ્ચિમ ઝોનની ઓફિસે મળેલી સંકલન સમિતિમાં ભાજપના કોર્પોરેટર અને અધિકારીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. તે સમયે કોર્પોરેટર મનોજ પટેલે એવો આક્ષેપ કર્યો હતો કે, રખડતા ઢોર પકડવા માટે અધિકારીઓ હપ્તા લે છે.

 

આ સિવાય ભાઈપુરા બેઠકના કાઉન્સિલર પણ પક્ષની સૂચના પ્રમાણે રાજીનામુ આપે તેવી શક્યતા છે જેથી આગામી એપ્રિલ, મે મહિનામાં બંને બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ શકે છે.

Tags :