તેલંગાણામાં વિધાનસભા ચૂંટણી હારીને પણ જીતી ગયું ભાજપ, સમજો આંકડાઓનું ગણિત

પાંચ રાજ્યોની ચૂંટણીમાં ભાજપે મધ્યપ્રદેશમાં સરકાર બચાવી છે, જ્યારે છત્તીસગઢ અને રાજસ્થાનમાં કોંગ્રેસ પાસેથી સત્તા છીનવી લીધી છે. હિન્દી બેલ્ટના આ રાજ્યોમાં બીજેપીના પ્રદર્શનને મોદી મેજિકનો ચમત્કાર માનવામાં આવી રહ્યો છે. આ ત્રણેય રાજ્યોની સાથે તેલંગાણામાં પણ કોંગ્રેસ પાર્ટી ચોક્કસપણે સત્તામાં આવી છે, પરંતુ અહીં પણ ભાજપે પોતાની તાકાત વધારી છે.

Share:

હાઈલાઇટ્સ

  • તેલંગાણા વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપ 8 બેઠક જીત્યું
  • પાર્ટીએ 111 સીટો પર ચૂંટણી લડીને લગભગ 14 ટકા વોટ મેળવ્યા

નેશનલ ડેસ્ક: તેલંગાણા વિધાનસભા ચૂંટણીમાં BRSને પછાડીને કોંગ્રેસ સત્તામાં આવી ગઈ છે. કોંગ્રેસે તેલંગાણામાં કુલ 119માંથી 64 બેઠકો જીતી છે અને બહુમતી કરતા વધુ બેઠકો મેળવી છે. તેલંગાણામાં ભાજપનું પ્રદર્શન ભળે નબળું રહ્યું હોય, પરંતુ તેમ છતાં એવું કહેવામાં આવી રહ્યું છે કે તેલંગાણામાં હાર્યા બાદ પણ ભાજપ જીતી ગયું છે. કારણ કે, અહીં ભાજપે 8 બેઠક જીતી છે, જે ભૂતકાળમાં થયેલી ચૂંટણી કરતા વધારે છે. છેલ્લી ચૂંટણીઓમાં જે રીતે ભાજપનો વોટ શેર વધ્યો છે તેને લઈને હવે એવી ચર્ચા છે કે શું ભાજપ દક્ષિણના આ રાજ્યમાં મોટી તાકાત બનવા જઈ રહ્યું છે?

ચૂંટણી હાર્યા બાદ પણ ભાજપને ફાયદો

ચૂંટણી પંચના ડેટા અનુસાર, ભાજપને તાજેતરમાં થયેલી ચૂંટણીમાં 13.90% વોટ મળ્યા છે. આંકડા પર નજર કરીએ તો 2018ની ચૂંટણીમાં ભાજપને 6.98% વોટ મળ્યા હતા. 2014 અને 2009 (આંધ્ર પ્રદેશ)ની અગાઉની ચૂંટણીઓમાં ભાજપને અનુક્રમે 4.13% અને 2.84% મત મળ્યા હતા. આવી સ્થિતિમાં સવાલ એ છે કે શું આગામી થોડા વર્ષોમાં પાર્ટી હવે દક્ષિણના આ રાજ્યમાં મુખ્ય વિપક્ષ બની જશે? આ ઉપરાંત 2024ની લોકસભા ચૂંટણીના દૃષ્ટિકોણથી પણ ભાજપનું આ પ્રદર્શન સારું માનવામાં આવી રહ્યું છે.

Telangana
Telangana

આંકડા અનુસાર તેલંગાણામાં ભાજપે કુલ આઠ બેઠકો જીતી છે. તેમાંથી તેણે છ બેઠકો પર બીઆરએસને હરાવ્યું અને બે બેઠકો પર કોંગ્રેસને હરાવ્યું. આમાં ભાજપે ગોશામહલની બેઠક જાળવી રાખી, જોકે પાર્ટીના વરિષ્ઠ નેતા અને કરીમ નગરના સાંસદ બંડી સંજયને હારનો સામનો કરવો પડ્યો હતો. આટલું જ નહીં, પાર્ટીના વધુ બે સાંસદો, આદિલાબાદના સાંસદ સોયમ બાપુ રાવ અને નિઝામાબાદના સાંસદ અરવિંદ ધર્મપુરીને હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ તેલંગાણામાં પાર્ટીને મળેલી વોટ ટકાવારીએ 2024 અને તેના પછીની ઘણી આશાઓ જગાડી દીધી છે.

ઉલ્લેખનીય છે કે, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં બમ્પર જીત બાદ પીએમ મોદીએ બીજેપી હેડક્વાર્ટર ખાતે કાર્યકરોને સંબોધિત કરતી વખતે તેલંગાણા ચૂંટણીનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે તેઓ ખાસ કરીને તેલંગાણાના લોકો અને ભાજપના કાર્યકરોનો આભાર માને છે. 'તેલંગાણામાં દરેક ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ગ્રાફ વધી રહ્યો છે. હું તેલંગાણાના લોકોને ખાતરી આપું છું કે અમે તમારી સેવા કરવામાં કોઈ કસર છોડીશું નહીં.'

તેલંગાણામાં કોંગ્રેસની જીત સાથે 10 વર્ષથી શાસન કરી રહેલી BRSને સત્તામાંથી બહાર થવું પડ્યું. હાર બાદ ભારતીય રાષ્ટ્રીય સમિતિના વડા કે ચંદ્રશેખર રાવે તેલંગાણાના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે.