બોગસ દસ્તાવેજ કે પાસપોર્ટ સાંભળ્યું હશે, મોરબીમાં તો આખેઆખું ટોલનાકા જ બોગસ નીકળ્યું

વાંકાનેરના બોગસ ટોલનાકા મામલે સિટી પોલીસે અમરશી પટેલ, રવિરાજસિંહ ઝાલા, હરવિજયસિંહ ઝાલા, ધર્મેન્દ્ર ઝાલા અને યુવરાજસિંહ ઝાલા સામે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share:

હાઈલાઇટ્સ

  • મોરબી-વાંકાનેર વઘાસિયા બોગસ ટોલનાકાનો પર્દાફાશ
  • વ્હાઇટ હાઉસ સિરામીક કંપની અંગે મોટો ખુલાસો થયો
  • સમગ્ર કાંડમાં પાટીદાર અગ્રણીના પુત્રનું નામ પણ સામેલ
  • પોલીસ દ્વારા અત્યાર સુધી કુલ 6 લોકો સામે ગુનો નોંધાયો
  • દોઢ વર્ષથી ચાલતા બોગસ ટોલનાકા અંગે સરકાર અજાણ

મોરબી: ગુજરાતમાં બોગસ દસ્તાવેજ અને બોગસ પાસપોર્ટ બનાવીને પૈસા પડાવવાના અનેક કિસ્સાઓ તમે સાંભળ્યા હશે, પરંતુ શું તમે રોડ પર બનેલું ટોલનાકું જ બોગસ હોય તેવું સાંભળ્યું છે. ગુજરાતના મોરબી જિલ્લાના વાંકાનેરમાં આવા જ એક બોગસ ટોલનાકાનો પર્દાફાશ થયો છે. પૈસા કમાવવાની લાલચમાં કેટલાક બાહુબલીઓએ ભેગા મળીને ગેરકાયદેસર ટોલનાકું ઉભું કરી દીધું હતું. આ મામલે પોલીસે આરોપીઓ સામે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે જ ફરિયાદી બનીને નોંધાવી FIR

પ્રાપ્ત માહિતી અનુસાર, સમગ્ર કૌભાંડ મામલે વઘાસિયા ટોલનાકા કર્મીએ ફરિયાદ ન કરતા પોલીસે જ ખુદ ફરિયાદી બનીને ફરિયાદ નોંધાવી છે. બોગસ ટોલનાકા કૌભાંડમાં અમરશી પટેલ, રવિરાજસિંહ ઝાલા, હરવિજયસિંહ ઝાલા, ધર્મેન્દ્ર ઝાલા, યુવરાજસિંહ ઝાલા સામે સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

દોઢ વર્ષથી ચાલતું હતું બોગસ ટોલનાકું

મીડિયા રિપોર્ટ અનુસાર બામણબોર-કચ્છ નેશનલ હાઈવે પર વાંકાનેર નજીક વઘાસિયા ટોલ પ્લાઝા પાસે ખાનગી માલિકીની જમીનમાંથી રસ્તો બનાવી કેટલાક લોકોએ છેલ્લા દોઢ વર્ષથી પોતાનું ટોલનાકું ઊભું કર્યું હતું, અને કોઈને આ વાતની જાણ જ ના થઈ.

મહિને લાખોની ઉઘરાણી અને સરકાર અજાણ

છેલ્લા દોઢ વર્ષથી પોલીસ અને સરકારી અધિકારીઓને પણ મુર્ખ બનાવીને જમીન માલિકો મહિને લાખો રૂપિયા ઉઘરાવી રહ્યા હતા. મીડિયા રિપોર્ટ અનુસાર આરોપીઓમાં વ્હાઇટ હાઉસ સીરામીક કંપનીના માલિક અમરશી પટેલનું પણ નામ છે.

દિગ્ગજ પાટીદાર અગ્રણીનો દીકરો પણ સામેલ

આ સમગ્ર કૌભાંડમાં પાટીદાર સમાજના અગ્રણી જેરામ પટેલના દીકરા અમરશીનું નામ પણ ફરિયાદમાં સામેલ છે. બોગસ ટોલનાકા અંગે ગુજરાત ભાજપ પ્રવક્તા ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગેરકાયદેસર ટોલનાકા કૌભાંડમાં સંડોવાયેલા આરોપીઓને છોડવામાં આવશે નહીં.

પોલીસ કરી રહી છે તપાસ

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ વઘાસીયા ટોલનાકા પરથી રોજની હજારો-લાખો રૂપિયાની આવક થતી હતી. એટલું જ નહીં, અન્ય જગ્યાએ પણ આવી જ રીતે ગેરકાયદેસર ટોલનાકા ચાલુ હોવાની વિગતો સામે આવી છે. જો કે, તે પોલીસ તપાષનો વિષય છે. આ સમગ્ર કૌભાંડમાં પોલીસ તપાસ દરમિયાન અન્ય મોટા માથાઓના નામ પણ ખૂલે તેવી શક્યતા હાલ લાગી રહી છે.

Tags :