મહિલાનો પીછો કરવો અને તેને હેરાન કરવી તેની પવિત્રતાને ભંગ કરતો IPC 354નો ગુનો નોંતરતો નથી: હાઈકોર્ટ

વર્ધામાં જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ (JMFC) કોર્ટ દ્વારા સાત વર્ષ પહેલા દોષિત ઠરેલા વ્યક્તિને રાહત આપતાં હાઈકોર્ટે આ ટિપ્પણી કરી છે.

Share:

હાઈલાઇટ્સ

  • મેજિસ્ટ્રેટ અને સેશન્સ કોર્ટે ચુકાદો યથાવત રાખતા મામલો હાઈકોર્ટમાં ગયો હતો
  • બોમ્બે હાઈકોર્ટેની નાગપુર બેન્ચે અરજદારને રાહત આપતા આ ટિપ્પણી કરી છે

બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેંચે કહ્યું છે કે, મહિલાનો પીછો કરવો, તેની સાથે દુર્વ્યવહાર કરવો અને તેને ધક્કો મારવો એ IPCની કલમ 354 હેઠળ તેની પવિત્રતાને ભંગ કરતો નથી. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, હાઈકોર્ટે વર્ધામાં જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ (JMFC) કોર્ટ દ્વારા સાત વર્ષ પહેલા દોષિત ઠરેલા વ્યક્તિને રાહત આપતાં આ ટિપ્પણી કરી હતી.

Rajendra Shukla
અમદાવાદના જાણિતા એડવોકેટ અને માનવ અઘિકારો માટે લડતાં ડો. રાજેન્દ્ર શુ્ક્લાએ જણાવ્યું કે, જ્યારે સતામણીનો ગુનાહિત ઈરાદોના હોય અને સામાન્ય વિખવાદ હોય એમાં પીછો કરવો એ સ્ત્રીની પવિત્રનો ભંગ નથી. Social Media

જસ્ટિસ અનિલ પાનસરેએ વર્ધાના 36 વર્ષીય મજૂરને નિર્દોષ જાહેર કરતા કહ્યું કે, 'ફરિયાદીનો પીછો કરવો અને તેની સાથે દુર્વ્યવહાર કરવો કદાચ હેરાન કરનારું કૃત્યુ હોઈ શકે છે, પરંતુ ચોક્કસપણે મહિલાની પવિત્રતાને ઠેસ પહોંચાડશે નહીં.'

કૉલેજની એક વિદ્યાર્થિનીએ તે આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેમાં આરોપ લગાવ્યો હતો કે, આરોપી બે વખત તેની પાછળ ગયો હતો અને તેની સાથે દુર્વ્યવહાર કર્યો હતો. એકવાર, જ્યારે તે બજારમાં જઈ રહી હતી, ત્યારે આરોપી સાયકલ પર તેની પાછળ ગયો અને ધક્કો મારી દીધો.

ફરિયાદ બાદ મામલો કોર્ટમાં જતાં મેજિસ્ટ્રેટ કોર્ટે 9 મે, 2016ના રોજ આરોપીને દોષિત ઠેરવ્યો હતો અને તેને બે વર્ષની સખત કેદની સજા અને 2000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. ત્યારબાદ આરોપીએ સેશન્સ કોર્ટનો સંપર્ક કર્યો હતો, પરંતુ કોર્ટે 10 જુલાઈ, 2023ના રોજ તેની અપીલ ફગાવી દીધી હતી અને મેજિસ્ટ્રેટ કોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો હતો.

હાઈકોર્ટના ન્યાયાધીશે કહ્યું, એવું નથી કે અરજદારે વિદ્યાર્થિનીને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો હોય અથવા તેના શરીરના કોઈ ચોક્કસ ભાગને ધક્કો માર્યો હોય જેનાથી તેની સ્થિતિ શરમજનક બની હોય. પીડિતાએ તેના શરીરના કોઈપણ ભાગ સાથે સંપર્ક વિશે પણ કહ્યું નથી. માત્ર એટલા માટે કે સાયકલ ચલાવી રહેલા અરજદારે તેને ધક્કો માર્યો, મારા મતે આ એક એવું કૃત્ય ન કહી શકાય જે વિદ્યાર્થિનીની પવિત્રતાને આઘાત પહોંચાડી શકે.

શું છે IPC-354?
354 A:
આ કલમ હેઠળ કોઈ વ્યક્તિ કોઈ મહિલાનો શારીરિક સ્પર્શ કરે છે, કોઈ જાતીય માંગણી કરે છે, 'સેક્સ્યુઅલ કલર્ડ રિમાર્ક' કરે છે અથવા તો મરજી વગર પૉર્ન બતાવે છે તો તેના માટે ત્રણ વર્ષ સુધીની સજા, દંડ અથવા તો બંનેની જોગવાઈ છે.

354 B: જો કોઈ પુરૂષ કોઈ મહિલાના જબરદસ્તીથી કપડાં ઊતરાવે છે અથવા તો એવું કરવાની કોશિશ કરે છે તો આવું કરવા બદલ ત્રણથી સાત વર્ષની સજા અને દંડની જોગવાઈ છે.

354 C: મહિલાના કોઈ નિજી કૃત્યને જોવું, તેમની તસવીરો લેવી અને પ્રસારિત કરવી એ અપરાધ છે. તેના માટે ઓછામાં ઓછી એકથી ત્રણ વર્ષની સજાની જોગવાઈ છે. ફરીથી આવો અપરાધ કરવાને કારણે આ સજા ત્રણથી સાત વર્ષની થઈ શકે છે અને દંડમાં પણ વધારો થાય છે.

354 D: પ્રથમ વખત દંડ સાથે સજાને ત્રણ વર્ષ સુધી વધારી શકાય છે. બીજા વખત ગુના માટે દંડ સાથે પાંચ વર્ષ સુધીની સજા થઈ શકે છે.