Jaipur Gangrape: ઉત્તર પ્રદેશથી જયપુર આવી રહેલી એક બસમાં 20 વર્ષીય યુવતી સાથે ગેંગરેપની ઘટના બની હતી. બસના બે ડ્રાઈવરોએ કથિત રીતે યુવતી પર ગેંગરેપ કરતા સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે. પોલીસે જણાવ્યું કે, શનિવાર અને રવિવારની રાત વચ્ચે આ ઘટના બની હતી. એક ખાનગી બસ ઉત્તર પ્રદેશની જયપુર આવી રહી હતી. આ દરમિયાન યુવતી કેબિનમાં બેસી હતી. ત્યારે આરોપી બસ ડ્રાઈવર આરીફ અને લલિતે તેનો ગેંગરેપ કર્યો હતો.
આરોપીની ધરપકડ
જયપુરના કાનોતા પોલીસ સ્ટેશનના અધિકારી ભગવાન મીણાએ જણાવ્યું કે, આરોપી આરીફને ઝડપી પાડવામાં આવ્યો છે. જ્યારે લલિત ફરાર છે. બસમાં બહુ ઓછા મુસાફરો હતા. એ સમયે યુવતી કેબિનમાં બેસી હતી. આ ઘટના બની તો યુવતીએ બૂમાબૂમ કરી. એટલે યાત્રીઓ સતર્ક થઈ ગયા અને બસ ઉભી રખાવી હતી. જે બાદ લલિત ભાગી ગયો હતો. જ્યારે આરીફને પોલીસ હવાલે કરવામાં આવ્યો હતો.
ખાનગી બસમાં ગેંગરેપ
પોલીસ અધિકારીએ જણાવ્યું કે, શનિવારની રાત્રે યુવતી કાનપુરથી જયપુર આવવા માટે રવાના થઈ હતી. તે તેના મામાના ઘરેથી નીકળી હતી. આ દરમિયાન બસમાં ઘટના બની હતી. ત્યારે પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે અને પીડિતાની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. તો ફરાર થયેલા આરોપી લલિતને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.