ભરુચથી લોકસભા ચૂંટણી લડશે ચૈતર વસાવા, ગુજરાત આવેલા કેજરીવાલની જાહેરાત

Arvind Kejriwal Gujarat Visit: 2024 લોકસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ગુજરાતની ભરુચ સીટ પરથી ચૈતર વસાવાને ચૂંટણી મેદાનમાં ઉતારશે. અરવિંદ કેજરીવાલે આ વાતની જાહેરાત કરી છે.

Share:

હાઈલાઇટ્સ

  • આપે ધારાસભ્ય ચૈતર વસાવાને ભરુચના લોકસભાથી ઉમેદવાર જાહેર કર્યા
  • ગુજરાતના પ્રવાસે આવવેલા અરવિંદ કેજરીવાલે જનસભાને સંબોધતા કરી વાત
  • વનકર્મીઓ પર હુમલાના કેસમાં હાલ તેઓ રાજપીપળાની જેલમાં બંધ છે

અમદાવાદઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાલ ગુજરાતની મુલાકાતે છે. આ સમયે અરવિંદ કેજરીવાલે જનસભાને સંબોધી હતી. આ દરમિયાન તેઓએ જાહેરાત કરી કે જેલમાં બંધ ધારાસભ્ય ચૈતર વસાવા ભરુચની સીટ પરથી લોકસભાની ચૂંટણી લડશે. અરવિંદ કેજરીવાલે ભાજપને આદિવાસી વિરોધી ગણાવતા કહ્યું કે, ચૈતર વસાવાને જામીન મળે તો ઠીક છે નહીં તો જેલમાંથી ચૂંટણી લડશે. ભાજપે ગુજરાતમાં આદિવાસી સમુદાય માટે કંઈ કર્યુ નથી. આગામી 30 વર્ષ સુધી તેમ ભાજપને વોટ આપશો તો પણ તે કંઈ નહીં કરે.

જો આવું થયું તો?
ગુજરાત આવેલા કેજરીવાલે આદિવાસી વિસ્તારની ખરાબ સ્કૂલો અને હોસ્પિટલોની સ્થિતિ પર પણ સવાલો ઉઠાવ્યા હતા. રેલીને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પણ સંબોધિત કરી હતી. બીજી તરફ, કોંગ્રેસે દિગ્ગજ નેતા અહેમદ પટેલની દીકરી મુમતાજને આ સીટ પરથી ચૂંટણી લડવા માટે તૈયારી કરી છે. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે ઈન્ડિયા ગઠબંધનમાં આમ આદમી પાર્ટી લડશે કે પછી આ સીટને લઈ બંને પાર્ટીઓમાં વિવાદની સ્થિતિ ઉભી થશે. 

ચૈતર વસાવાને ગણાવ્યા વાઘ
અરવિંદ કેજરીવાલે ભાજપ પર કટાક્ષ કરતા કહ્યું કે, ચૈતર વસાવા વાઘ છે અને ભાજપ તેમને વધારે દિવસો માટે જેલમાં રાખી શકશે નહીં. જેલના તાળા તૂટશે અને ચૈતર વસાવા છૂટશે. ભાજપે તેમને એટલા માટે જેલમાં ધકેલ્યા કારણ કે તેને ડર હતો કે ચૈતર વસાવા આગળ વધી જશે તો આદિવાસી સમાજ આગળ વધી જશે. લોકસભાની ચૂંટણી માટે તમારે લડવું પડશે. જો ચૈતર વસાવાને જામીન ન મળ્યા તો તમે ચૈતર વસાવાના ફોટા લઈને ઘરે ઘરે જજો. તમારે ચૈતર વસાવાને સાથ આપવાનો છે. 

મોટા વકીલ લડશે કેસ 
કેજરીવાલે નેત્રંગની સભામાં ચૈતર વસાવાના જામીન માટે મોટા વકીલોની મદદ લેવાની પણ વાત કરી હતી. કેજરીવાલે કહ્યું કે, જો ભાજપે કોઈ કાવતરું ન કર્યુ તો અમે લોકો દેશના મોટા વકીલોની મદદથી ચૈતર વસાવાને જેલમાંથી બહાર કાઢીશુ. તેઓ પાર્ટી તરફથી લોકસભાની ચૂંટણી લડશે. ભરુચ લોકસભા સીટ છેલ્લાં ત્રણ દાયકાથી ભાજપના કબજા હેઠળ છે. રેલીને પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી, પૂર્વ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા અને મહામંત્રી મનોજ સોરઠિયાએ સંબોધિત કરી હતી.