Chhath Puja 2023: આતિશીએ કહ્યું- ભાજપવાળાઓ હોબાળો ન કરો, 2 દિવસમાં યમુના સાફ કરી દેવાશે

આતિશીએ યમુનાના દૂષિત પાણીને લઈ યોગી સરકાર પર નિશાન સાધી પ્રદૂષિત પાણી દિલ્હી ન મોકલવા જણાવ્યું

Courtesy: Image: Twitter

Share:

 

Chhath Puja 2023: દિલ્હીમાં છઠ પૂજાની ઉજવણી માટે મહિલાઓ યમુના નદીના ઘાટ પર એકઠી થશે અને ઘાટ પર સૂર્યને અર્ધ્ય આપવાની સાથે સ્નાન-ધ્યાન સહિતની ધાર્મિક વિધિઓ કરશે. યમુના નદી પર હાલ સફેદ ઝેરી ફીણનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે અને છઠ પૂજા (Chhath Puja 2023) પણ નજીક આવી રહી છે. ત્યારે દિલ્હી સરકારના મંત્રી આતિશીએ યમુના નદી પર ફેલાયેલા ઝેરી ફીણને 1-2 દિવસમાં સાફ કરી દેવામાં આવશે તેવી ખાતરી આપી છે. 

 

આમ આદમી પાર્ટીના નેતા આતિશીએ ઉત્તર પ્રદેશ દ્વારા નદીમાં છોડવામાં આવતા દૂષિત પાણી પર રોક લગાવવા માટે પણ જણાવ્યું છે. આપના વરિષ્ઠ નેતાએ અરવિંદ કેજરીવાલની સરકાર દ્વારા છઠ પૂજાને લઈ શ્રદ્ધાળુઓ માટે કરવામાં આવેલી વ્યવસ્થાઓ અંગે પણ માહિતી આપી હતી.

દિલ્હીમાં Chhath Puja 2023ને લઈ ઉત્સાહ

છઠ પૂજાનો તહેવાર દિલ્હીવાસીઓ માટે એક મહત્વનો તહેવાર છે. મોટી સંખ્યામાં પૂર્વીય યુપી અને બિહારના પૂર્વાંચલી લોકો દિલ્હીમાં વસે છે. ત્યારે તેઓ દિલ્હીને પોતાનું ઘર સમજે તે સુનિશ્ચિત કરવા માટે અરવિંદ કેજરીવાલની સરકાર 2015થી દિલ્હીમાં છઠ પૂજા માટે ભવ્ય વ્યવસ્થાઓ કરે છે. 

 

છઠ પૂજાની ઉજવણી પહેલા યમુના નદીમાં ઝેરી ફીણનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે જેના લીધે ભાજપના નેતાઓ સતત દિલ્હી સરકારને ટાર્ગેટ કરી રહ્યા છે. ત્યારે આપના નેતા આતિશીએ ભાજપના નેતાઓને સલાહ આપતા જણાવ્યું હતું કે, તમારે યમુના નદીના દૂષિત પાણીને લઈ હોબાળો મચાવવાની જરૂર નથી. 2 દિવસમાં યમુના નદી પરના ઝેરી ફીણ સંપૂર્ણપણે ગાયબ થઈ જશે. 

 

છઠ પૂજા (Chhath Puja 2023) પહેલા યમુના નદીની સફાઈ મામલે દિલ્હીના મંત્રી આતિશીએ જણાવ્યું હતું કે, ઝેરી ફીણ દૂર કરવા માટે રસાયણો અને એન્ઝાઈમ્સનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. આ પ્રકારે છંટકાવ કરનારી ટીમે કાલે રાતે 10 હોડીઓ દ્વારા કામગીરી કરી હતી અને 2 દિવસમાં ઝેરી ફીણ સંપૂર્ણપણે ગાયબ થઈ જશે. 

યોગી સરકાર પર સાધ્યું નિશાન

આ સિવાય આતિશીએ યમુનાના દૂષિત પાણીને લઈ યોગી સરકાર પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ઉત્તર પ્રદેશ સરકારને વિનંતી કરૂં છું કે, તેઓ પોતાનું દૂષિત પાણી દિલ્હી ન મોકલે. યુપી સિંચાઈ વિભાગના બેરેજમાંથી કાલિંદી કુંજ થઈને દૂષિત પાણી દિલ્હી યમુનામાં આવે છે. હું વિનંતી કરૂં છું કે તેઓ પોતાનું પ્રદૂષિત પાણી દિલ્હી ન મોકલે. 

 

દિલ્હી સરકારમાં મંત્રી આતિશીના કહેવા પ્રમાણે દિલ્હીમાં 1,000 ઘાટ છે જ્યાં છઠ પૂજાને લઈ દિલ્હી સરકાર દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે.