છત્તીસગઢના નવા CMના નામ પર લાગી મહોર, કોણ છે આદિવાસી નેતા વિષ્ણુદેવ સાય?

છત્તીસગઢના નવા સીએમ વિષ્ણુદેવ સાય હશે. ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Share:

હાઈલાઇટ્સ

  • છત્તીસગઢના આગામી મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાય હશે
  • બેઠકમાં ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરાયા છે

છત્તીસગઢમાં મુખ્યમંત્રીને લઈને સસ્પેન્સનો અંત આવ્યો છે. કુંકરી વિધાનસભા બેઠકના ધારાસભ્ય વિષ્ણુદેવ સાયને રાજ્યના મુખ્યમંત્રી જાહેર કરવામાં આવ્યા છે. વિષ્ણુ દેવ સાય તેમની સાદગી માટે પ્રખ્યાત છે. સાયને સીએમ બનાવીને ભાજપે આદિવાસી મતદારોને રીઝવવાનો પ્રયાસ કર્યો છે. વિષ્ણુદેવ સાયની સાથે છત્તીસગઢના લગભગ 7 નેતાઓ સીએમ પદની રેસમાં હતા, પરંતુ બધાને પાછળ છોડીને સત્તાની કમાન વિષ્ણુદેવ સાયને સોંપવામાં આવી છે. સાય પણ પીએમ મોદી અને અમિત શાહની નજીક હોવાનું કહેવાય છે.

અમિત શાહે છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીની કમાન સંભાળી હતી. અમિત મશાહે કુંકરીમાં જનસભાને સંબોધી હતી. આ દરમિયાન અમિત શાહે કહ્યું હતું કે વિષ્ણુદેવ સાયને કુંકરીથી ધારાસભ્ય બનાવો, હું તેમને મોટો માણસ બનાવીશ. વિષ્ણુ દેવ સાયને હવે રાજ્યના મુખ્યમંત્રી જાહેર કરવામાં આવ્યા છે.

વિષ્ણુદેવ સાય રાયગઢ લોકસભા સીટથી સાંસદ પણ રહી ચૂક્યા છે. સાય 2014થી 2019 સુધી મોદી કેબિનેટમાં મંત્રી હતા. તેમની પાસે સ્ટીલ અને માઈન્સ વિભાગની જવાબદારી હતી. વિષ્ણુ દેવ સાય છત્તીસગઢ ભાજપના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે.

કેવી રીતે મળી જવાબદારી?
સીએમ પદની રેસમાં રમણ સિંહ, રેણુકા સિંહ, અરુણ સાવ, ઓપી ચૌધરી સહિત ઘણા મોટા દાવેદારો હતા. પરંતુ સુરગુજા વિભાગમાંથી આવેલા વિષ્ણુદેવ સાયએ બધાને પાછળ છોડી દીધા. એવું કહેવામાં આવી રહ્યું છે કે 32 ટકા આદિવાસી વસ્તીને પહોંચી વળવા માટે ભાજપે આદિવાસી મુખ્યમંત્રી બનાવ્યા છે. આ સાથે વિષ્ણુદેવ સાયની સાદગી રાજ્યમાં ચર્ચાનો વિષય બની છે.

ઉલ્લેખનીય છે કે, છત્તીસગઢમાં ભાજપ સરકારને પૂર્ણ બહુમતી મળી છે. વિધાનસભા ચૂંટણીના પરિણામો 3 ડિસેમ્બરે આવ્યા હતા. ભાજપે 54 બેઠકો જીતી હતી. આ સાથે જ સત્તાધારી કોંગ્રેસને 35 બેઠકો મળી છે.