શું ચાઈનીઝ સૈન્ય ગુજરાતના દરિયા કિનારા સુધી પહોંચી ગયા છે? સામે આવી જહાજોની તસવીર

ચીને ભારતના ગુજરાત કિનારે અરબી સમુદ્રમાં આંટાફેરા શરૂ કર્યા હોવાનું ભારતીય નૌકાદળના સૂત્રોએ જણાવ્યું છે.

Share:

હાઈલાઇટ્સ

  • ચીન ગુજરાત અને મુંબઈના દરિયાકાંઠે આક્રામક બન્યું છે
  • અરબી સમુદ્રમાં સેંકડો ચાઈનીઝ જહાજના આંટાફેરા શરૂ

ભારતે યુનાઈટેડ નેશન્સ (UN)ને ગુજરાત અને મુંબઈના દરિયાકાંઠે અરબી સમુદ્રમાં તેના વિશિષ્ટ આર્થિક ક્ષેત્ર (EEZ)ને વર્તમાન 200 નોટિકલ માઈલની સીમાથી 500 નોટિકલ માઈલ સુધી વિસ્તારવા માટે અરજી કરી છે ત્યારે કટ્ટર હરીફ ચીન ગુજરાત અને મુંબઈના દરિયાકાંઠે આક્રમક બની રહ્યું છે. ભારતીય નૌકાદળના નજીકના સૂત્રોએ જણાવ્યા અનુસાર ભારતના દરિયાઈ અને સંરક્ષણ નિષ્ણાતો ચિંતિત છે, કારણ કે ગુજરાત અને મુંબઈના દરિયાકિનારાની નજીક અરબી સમુદ્રમાં સેંકડો ચાઈનીઝ જહાજના આંટાફેરા શરૂ થઈ ગયા છે.

નિષ્ણાતો કહે છે કે, આમાંના કેટલાક જહાજો સબમરીનના સ્થાનથી લઈને ગુપ્ત પાઇપલાઇન્સ અને બંદરો પરની પ્રવૃત્તિઓનો કોઈપણ ડેટા એકત્રિત કરી શકે છે. મીડિયા રિપોર્ટ અનુસાર 3 ડિસેમ્બરના રોજ ભારતની દરિયાઈ સીમાની બહાર ચીની જહાજોના સ્થાનની એક તસવીર સામે આવી હતી. ચિત્રમાં દેખાતા આ ચીની જહાજો 200 નોટિકલ માઈલ સુધી પહોંચ્યા છે, જ્યાં ભારતનું વર્તમાન EEZ સમાપ્ત થાય છે. તેમજ જહાજો ગુજરાત અને મુંબઈના દરિયાકાંઠેથી 500 નોટિકલ માઈલ EEZ સીમાની અંદર છે, જેના પર ભારતે 6,000 પાનાના કાંપ અને વૈજ્ઞાનિક પુરાવાના આધારે યુએનમાં પોતાનો દાવો રજૂ કર્યો છે.

મેરીટાઈમ નિષ્ણાતો કહે છે કે અરબી સમુદ્રમાં ચીનની પ્રવૃત્તિ દક્ષિણ ચીન સમુદ્રમાં તેની 'ગ્રે ઝોન' પ્રવૃત્તિનો સબસેટ છે, જ્યાં તેણે પ્રથમ વખત વિવાદિત પાણીમાં અવારનવાર હુમલાઓ કરીને શરૂઆત કરી હતી અને દાદાગીરી કરવા અને પોતાનું વર્ચસ્વ વ્યક્ત કરવાના હેતુથી પડોશી દેશો સાથે વારંવાર ઝઘડા તેમજ પ્રાદેશિક દાવાઓ દાખવવા માટે ધીમે ધીમે તેની હાજરી ઊભી કરી હતી.