China: સાવધાન! ચીનમાં ફેલાઈ રહી છે રહસ્યમય બીમારી, ભારતમાં પણ એલર્ટ જાહેર...

ભારે તાવ સાથે ફેફસાં ફૂલાવી દેતી આ બીમારીના કારણે દરરોજ 7,000 બાળકો હોસ્પિટલ પહોંચી રહ્યાં છે

Courtesy: Twitter

Share:

China: વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા ચીન (China)માંથી શ્વસન સંબંધી બીમારીઓ અને ન્યૂમોનિયાના કેસમાં જોવા મળી રહેલી સંભવિત ચિંતાજનક વૃદ્ધિ વિશે માહિતી આપવાની સત્તાવાર વિનંતી કરવામાં આવી હતી. ત્યાર બાદ ચીની અધિકારીઓએ જણાવ્યું હતું કે, તેમના દેશમાં કોઈ અસામાન્ય કે નવી બીમારી સામે નથી આવી. 


Chinaમાં શ્વસન સંબંધી બીમારીથી ચિંતા

વૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે આ સ્થિતિ પર આકરૂ મોનિટરિંગ રાખવાની જરૂર છે, પરંતુ તેઓ એમ પાકે પાયે નથી કહી શકતા કે ચીનમાં શ્વસન સંબંધી બીમારીઓમાં હાલમાં થઈ રહેલો વધારો કોઈ નવા વૈશ્વિક સંક્રમણના પ્રારંભનો સંકેત છે કે નહીં. જોકે રોગચાળો ફેલાવી શકતા વાઈરસ કે સંક્રમણનો પ્રારંભ સામાન્ય રીતે શ્વાસ સંબંધી બીમારીના અજાણ્યા સ્વરૂપથી જ થાય છે. સાર્સ અને કોવિડ 19, આ બંનેને સૌથી પહેલા અસામાન્ય પ્રકારના ન્યૂમોનિયા તરીકે જ ઓળખવામાં આવ્યા હતા. 

 

બાળકો બની રહ્યા છે ભોગ

ઓગસ્ટ 2023માં ચીને કોરોના લોકડાઉનના 3 વર્ષ બાદ તમામ પ્રતિબંધો હટાવી લીધા હતા. જોકે તેના એક મહિના પછી એટલે કે ઓક્ટોબરમાં જ ચીન (China)માં એક રહસ્યમય બીમારી ફેલાવા લાગી છે. ભારે તાવ સાથે ફેફસાં ફૂલાવી દેતી આ બીમારીના કારણે દરરોજ 7,000 બાળકો હોસ્પિટલ પહોંચી રહ્યાં છે.


ભારત સરકાર એલર્ટ

નિષ્ણાતોના કહેવા પ્રમાણે કોરોનાની જેમ આ રોગ પણ ચેપી છે. તે ચીનના એક શહેરથી બીજા શહેરમાં ફેલાઈ રહ્યો છે. ચીનમાં બાળકોમાં ફેલાયેલી ભેદી બીમારીએ ફરી દુનિયાની ચિંતા વધારી છે. ત્યારે ભારત સરકાર આ મામલે હરકતમાં આવી છે. કેન્દ્ર સરકારે એડવાઈઝરી જાહેર કરીને તમામ રાજ્યોને એલર્ટ રહેવા સૂચના આપી છે. તમામ રાજ્યોને હોસ્પિટલ્સ સહિતની એ વ્યવસ્થા કરી રાખવા સૂચના આપવામાં આવી છે, જેવી કોરોના કાળ દરમિયાન કરવામાં આવી હતી. 

સ્વાસ્થ્ય મંત્રીએ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સાર્વજનિક સ્વાસ્થ્ય કેન્દ્ર અને હોસ્પિટલની તૈયારીઓની સમીક્ષા કરવાની સલાહ આપી દીધી છે. સ્વાસ્થ્ય મંત્રાલય સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે. જેનાથી સંકેત મળે છે કે, કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરુર નથી.


બેક્ટેરિયા અને વાઈરસનું સાથે સંક્રમણ

ચીનની સરકાર આ રોગને રહસ્યમય ન્યૂમોનિયા ગણાવી રહી છે. કેટલાક લોકો તેને વૉકિંગ ન્યૂમોનિયા પણ કહી રહ્યા છે. એક રીતે ચીનમાં ફેલાતી બીમારીને ન્યૂમોનિયા કહેવામાં આવી રહી છે. આ રોગ બેક્ટેરિયલ ચેપ દ્વારા ફેલાય છે. આ બેક્ટેરિયાને માયકો પ્લાઝ્મા ન્યૂમોનિયા બેક્ટેરિયા કહેવામાં આવે છે.

આ બીમારીથી પીડિત બાળકોને જોતાં એવું લાગે છે કે તેમને માયકો પ્લાઝ્મા ન્યૂમોનિયાના કેસ જ નહીં પરંતુ કેટલાક વાઈરલ ઈન્ફેક્શન પણ છે. તેઓ એકસાથે બેક્ટેરિયા અને વાઈરસ બંનેથી સંક્રમિત છે. તેને કો-ઈન્ફેક્શન અથવા ક્રોસ ઈન્ફેક્શન કહેવામાં આવે છે. જો આવું હોય તો તે ખૂબ જ ગંભીર છે કારણ કે આવા ઘણા કિસ્સાઓમાં દવાઓ પણ કામ કરતી નથી.