CM Bhupendra Patelએ ટોકિયોથી બુલેટ ટ્રેનમાં યોકોહામા શહેરની મુલાકાત લીધી

ભુપેન્દ્ર પટેલ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પ્રચાર માટે જાપાન અને સિંગાપોરના સાત દિવસના પ્રવાસે છે

Courtesy: Image: Twitter

Share:

 

CM Bhupendra Patel: વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના પ્રચાર માટે તેમના જાપાન પ્રવાસના બીજા દિવસે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) સોમવારે ટોકિયોથી બુલેટ ટ્રેનમાં યોકોહામા શહેરની મુલાકાત લીધી હતી. મુખ્ય સચિવ રાજકુમાર અને પ્રતિનિધિ મંડળે પણ બુલેટ ટ્રેનની સફર કરી હતી. 

 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) X પર પોસ્ટ કરતાં કહ્યું કે, "મુંબઈ-અમદાવાદ બુુલેટ ટ્રેન પ્રોજેક્ટ જાપાનીઝ ટેક્નોલોજી પ્રભાવિત થઈ પૂરપાટ ઝડપે ચાલી રહ્યું છે. આજે અમે બુલેટ ટ્રેન દ્વારા મુસાફરી કરી ટોક્યોથી યોકોહામા જઈ રહ્યા છીએ."

CM Bhupendra Patelએ યોકોહામા પહોંચીને શેન્કેઈન ગાર્ડનની મુલાકાત લીધી

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ગુજરાતના મુખ્ય સચિવ રાજકુમાર અને પ્રતિનિધિ મંડળ સાથે ટોકિયોથી બુલેટ ટ્રેન મારફત યોકોહામા શહેર જવા રવાના થયા હતા. યોકોહામા પહોંચીને તેમણે પ્રસિદ્ધ શેન્કેઈન ગાર્ડનની મુલાકાત લીધી હતી. યોકોહામા ભારત સાથે ઐતિહાસિક સંબંધો ધરાવતું શહેર છે તે અંગે પણ તેમણે અહીં માહિતી મેળવી હતી.

 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) જાપાન સ્થિત ગુજરાતી-ભારતીય સમુદાયના કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભારતમાં થયેલા આર્થિક, સાંસ્કૃતિક અને સામાજિક વિકાસની રૂપરેખા આપતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ભારત વર્ષ 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનવા તરફ તેજ ગતિથી આગળ વધી રહ્યું છે. ગુજરાત વિવિધ ‘ફ્યુચરિસ્ટિક પોલિસી’ ના અમલ થકી વિકાસને એક નવી દિશા આપવા સજ્જ છે.

 

ત્યારબાદ ભુપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) ટોકિયોના ગવર્નર યુરીકો કોઈકે સાથે મુલાકાત કરી હતી અને તેમને આવતા વર્ષે 10 થી 12 જાન્યુઆરી વચ્ચે યોજાનારી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં આમંત્રણ આપ્યું હતું. 

 

ટોકિયોના ગવર્નર સાથેની તેમની મુલાકાત અંગે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પોસ્ટ કરી, "તેમની સાથે જાપાન અને ગુજરાત વચ્ચે સ્માર્ટ સિટી અને ટકાઉ શહેરી વિકાસના ક્ષેત્રમાં સહકાર માટેની તકો અંગે ચર્ચા કરી. 2007માં ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાપાનની પ્રથમ મુલાકાત અને તે મુલાકાતે જાપાન અને ગુજરાત વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં કેવી રીતે વધારો કર્યો તેની યાદોને પણ યાદ કરી."

 

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) યુરીકો કોઈકેને વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત અને જાપાન વચ્ચેના વેપાર સંબંધોના પરિણામે 350 થી વધુ જાપાનીઝ કંપનીઓ ગુજરાતમાં કાર્યરત છે. તેમણે યુરીકો કોઈકેનું સન્માન પણ કર્યું હતું.

 

ભુપેન્દ્ર પટેલ અને તેમનું પ્રતિનિધિમંડળ જાપાન એક્સટર્નલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (જેટ્રો)ના પ્રમુખ સુસુમુ કટોકાને મળ્યા હતા. નિવેદનમાં જણાવાયું છે કે તેઓએ જેટ્રો અને ગુજરાત વચ્ચે લાંબા સમયથી ચાલતી ભાગીદારીને મજબૂત કરવા અને સેમિકન્ડક્ટર્સ, ગ્રીન ટેક્નોલોજી, મેડિકલ ડિવાઈસ, બલ્ક ડ્રગ્સ, ટેક્સટાઈલ અને સિરામિક્સ જેવા ક્ષેત્રોમાં રોકાણની તકો શોધવાની રીતો પર ચર્ચા કરી હતી.