CM Bhupendra Patel: વાયબ્રન્ટ સમિટ પહેલા 26 નવેમ્બરથી જાપાન અને સિંગાપોરના એક સપ્તાહનાં પ્રવાસે જશે

ઔદ્યોગિક-આર્થિક વિકાસ માટે અગ્રણીઓ સાથે વન-ટુ-વન બેઠકો કરશે

Courtesy: Image: Twitter

Share:

 

CM Bhupendra Patel: વાયબ્રન્ટ સમિટ પહેલા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel)ના નેતૃત્વમાં એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ 26 નવેમ્બરથી 2 ડિસેમ્બર દરમિયાન જાપાન અને સિંગાપોરની મુલાકાત લેશે. વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીની વિઝનરી લીડરશીપમાં યોજાઈ રહેલી વાઈબ્રન્‍ટ સમિટ 2024માં ગુજરાત અને જાપાન વચ્ચે ઔદ્યોગિક-આર્થિક વિકાસની ભાગીદારીની નવી ક્ષિતિજો વિસ્તારવાના પ્રયાસના ભાગરૂપે આ પ્રવાસ રહેશે.

 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) સિંગાપોરમાં ઈન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની મુલાકાત કરશે. ટોક્યોમાં ગુજરાતી સમાજના લોકો સાથે પણ તેઓ મુલાકાત કરશે. ટોક્યોના ગવર્નર તેમજ JBICના ગવર્નરની સાથે પણ તેઓ મુલાકાત કરશે. 

 

મુખ્યમંત્રી જાપાનમાં ઉદ્યોગકારો સાથે વન ટુ વન બેઠક કરશે. તે સિવાય ટોક્યોની ઈમ્પિરિયલ હોટલ ખાતે રોડ શૉ યોજશે. 30 નવેમ્બરે કોબેના ગવર્નર અને મેયરની મુલાકાત લેશે. પહેલી ડિસેમ્બરે સિંગાપોર સરકારના અધિકારીઓ સાથે બેઠક કરશે. જીઆઈડીસીના મેનેજિંગ ડિરેક્ટર રાહુલ ગુપ્તાએ મુખ્યમંત્રીના જાપાન પ્રવાસ અંગેની વિસ્તૃત વિગતો આપી હતી.

CM Bhupendra Patelનો આ જાપાન પ્રવાસ મદદરૂપ બનશે

તેમણે કહ્યું હતું કે ગુજરાતને ઉદ્યોગ, વેપાર અને ઉત્પાદન ક્ષેત્રે રોકાણકારો માટે ગ્લોબલ ડેસ્ટીનેશન બનાવનારી વાઈબ્રન્‍ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી એડીશન આગામી જાન્યુઆરી 2024માં યોજાવાની છે. જાપાન 2009થી આ વાઈબ્રન્‍ટ સમિટમાં પાર્ટનર રહ્યું છે ત્યારે જાપાનનાં સહયોગને વ્યાપક ફલક પર વિસ્તારવામાં મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલ (CM Bhupendra Patel)નો આ જાપાન પ્રવાસ મદદરૂપ બનશે.

 

તેમણે વધુમાં કહ્યું હતું કે મુખ્યમંત્રી અને ગુજરાતનું ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ 26 નવેમ્બરના રોજ ટોક્યોમાં વસતા ગુજરાતી સમાજના લોકો સાથેની મુલાકાતથી તેમના જાપાન-સિંગાપોર પ્રવાસની શરૂઆત કરશે. મુખ્યમંત્રી ગુજરાતી સમાજના લોકો સાથે વાતચીત કરશે અને જાપાનના વિકાસમાં તેમના યોગદાન અંગે જાણકારી મેળવશે. 27 નવેમ્બરના રોજ મુખ્યમંત્રી અને ગુજરાતનું પ્રતિનિધિમંડળ જાપાનના ટોક્યો ખાતે એમ્બેસીની ટૂંકી મુલાકાત લેશે.

 

મુખ્યમંત્રી અને પ્રતિનિધિમંડળ જાપાનના ઉદ્યોગો તેમજ જાપાનીઝ સંસ્થાઓની મુલાકાત લેશે તથા પરસ્પર સહયોગના ક્ષેત્રો વિકસાવવા માટે પરામર્શ કરશે. ત્યારબાદ તેઓ JETROના પ્રેસિડેન્ટ, ટોક્યોના ગવર્નર તેમજ JBICના ગવર્નરની પણ મુલાકાત લેશે. 27 નવેમ્બરની સાંજે મુખ્યમંત્રી અને ગુજરાત પ્રતિનિધિમંડળ જાપાનમાં ભારતના રાજદૂત શ્રીયુત સીબી જ્યોર્જ દ્વારા ઈન્ડિયા હાઉસ ખાતે આયોજિત ડિનરમાં જોડાશે.

 

જાપાનમાં વસતા ગુજરાતી સમુદાયના સમારોહમાં ભાગ લેશે

30 નવેમ્બરના રોજ મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલ (CM Bhupendra Patel) કોબેના ગવર્નર અને મેયરની મુલાકાત લેશે. ત્યારબાદ મુખ્યમંત્રી અને ગુજરાતનું પ્રતિનિધિમંડળ જાપાનમાં વસતા ગુજરાતી સમાજના લોકો સાથેના ભોજન સમારોહમાં જોડાશે અને જાપાનમાં વિવિધ ક્ષેત્રે ભારતીય તથા ગુજરાતી સમુદાયનાં લોકોના યોગદાન અંગે ચર્ચા કરશે. ત્યારબાદ તેઓ ત્યાંથી સિંગાપોર જવા રવાના થશે.

 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) સિંગાપોર સરકારના અધિકારીઓ સાથે વન-ટુ-વન બેઠકો કરશે. 2 ડિસેમ્બરના રોજ તેઓ સિંગાપોરમાં વિવિધ સાઈટ્સ વિઝિટ કરીને સિંગાપોરથી અમદાવાદ પરત આવવા રવાના થશે.