રેવંત રેડ્ડી બન્યા તેલંગાણાના નવા CM, 10 મંત્રીઓએ પણ લીધા શપથ, કોણ-કોણ રહ્યું હાજર?

તેલંગાણામાં કોંગ્રેસને જંગી જીત મળી છે. 2013માં તેલંગાણાની રચના બાદ પાર્ટી પહેલીવાર સરકાર બનાવવામાં સફળ રહી હતી. તેલંગાણામાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ રેવંત રેડ્ડીએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા.

Share:

હાઈલાઇટ્સ

  • ભટ્ટી વિક્રમાર્ક બન્યા ડેપ્યુટી સીએમ, 10 ધારાસભ્ય પણ કેબિનેટમાં સામેલ
  • સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન સહિત અનેક કોંગી દિગ્ગજો હાજર રહ્યા હતા

કોંગ્રેસના નેતા રેવંત રેડ્ડી તેલંગાણાના નવા મુખ્યમંત્રી બન્યા છે. હૈદરાબાદના એલબી સ્ટેડિયમમાં આયોજિત ભવ્ય કાર્યક્રમમાં તેલંગાણાના રાજ્યપાલ ટી સુંદરરાજને તેમને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. રેવંત રેડ્ડી સિવાય 10 વધુ ધારાસભ્યોએ મંત્રી તરીકે શપથ લીધા. તેમાંથી ભટ્ટી વિક્રમાર્કને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે. આ કાર્યક્રમમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયા, ડેપ્યુટી સીએમ ડી શિવકુમાર સહિત કોંગ્રેસના ઘણા નેતાઓ હાજર રહ્યા હતા. પીએમ મોદીએ ટ્વીટ કરીને રેવંત રેડ્ડીને સીએમ બનવા પર અભિનંદન પાઠવ્યા છે.

રેવંત રેડ્ડી પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ છે. તેઓ તેલંગાણાના બીજા સીએમ હશે. 2013માં તેલંગાણાની રચના બાદ કોંગ્રેસ પહેલીવાર અહીં સત્તામાં આવી છે. અત્યાર સુધી માત્ર ચંદ્રશેખર રાવ (KCR) જ બે વખત સીએમ બન્યા છે. જોકે આ વખતે તેઓ હેટ્રિક ફટકારાવાથી ચૂકી ગયા હતા.

56 વર્ષીય રેવન્ત રેડ્ડીએ એલબી સ્ટેડિયમમાં સીએમ તરીકે શપથ લીધા. શપથ ગ્રહણ કાર્યક્રમમાં લગભગ એક લાખ લોકોએ ભાગ લીધો હતો. શપથ લેતા પહેલા રેવંત રેડ્ડી ખુલ્લી જીપમાં સોનિયા ગાંધી સાથે સ્ટેડિયમ પહોંચ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, તેલંગાણામાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો જંગી વિજય થયો છે. પાર્ટીએ અહીં 119માંથી 64 બેઠકો જીતી છે. જ્યારે BRS 39 સુધી મર્યાદિત હતી. જ્યારે ભાજપે 8 બેઠકો જીતી છે.