શું કોંગ્રેસ પાસે ચૂંટણી લડવાના પૈસા ખૂટ્યા? પાર્ટીએ ક્રાઉડ ફંડિંગ અભિયાનની કરી જાહેરાત!

અભિયાનને અધિકારીક રીતે 18 ડિસેમ્બરના રોજ નવી દિલ્હીમાં કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા શરૂ કરવામાં આવશે. 

Share:

હાઈલાઇટ્સ

  • છેલ્લા કેટલાક વર્ષોમાં કોંગ્રેસના કોર્પોરેટ ફંડિંગમાં થયો ઘટાડો
  • કોંગ્રેસના નેતા-પદાધિકારીઓને ઓછામાં ઓછા 1380 રૂપીયાનું દાન કરવા માટે કહેવામાં આવ્યું

ભારતની સૌથી જૂની રાજકીય પાર્ટી કોંગ્રેસે 18 ડિસેમ્બરના રોજ એક ક્રાઉડફંડિંગ અભિયાનની જાહેરાત કરી છે. એટલે, સરળ ભાષામાં એવું કહી શકાય કે, કોંગ્રેસે હવે ભારતના લોકો પાસેથી દાન માંગવાની યોજના બનાવી છે. આ અભિયાનને ‘ડોનેટ ફોર દેશ’ નામ આપવામાં આવ્યું છે. પાર્ટીએ કહ્યું કે, આ પહેલ 1920-21 માં મહાત્મા ગાંધીના ઐતિહાસિક ‘તિલક સ્વરાજ ફંડ’ થી પ્રેરીત છે. આજે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધીત કરતા કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલ અને અજય માકને આ જાહેરાત કરી છે. 

અજય માકને કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીના 138 વર્ષ પૂરા થવા પર અમે દેશવાસીઓને અપીલ કરીએ છીએ કે તેઓ કોંગ્રેસને મજબૂત કરવા માટે કોંગ્રેસના ખાતામાં  ₹138, ₹1,380, ₹13,800 ની રકમ જમા કરાવે, જેથી કોંગ્રેસ આવનારા સમયમાં વધુ સારા ભારત માટે કામ કરી શકીએ. અભિયાનને અધિકારીક રીતે 18 ડિસેમ્બરના રોજ નવી દિલ્હીમાં કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા શરૂ કરવામાં આવશે. 

જિલ્લા કોંગ્રેસ કમિટી, પ્રદેશ કોંગ્રેસ કમિટી અને અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના પદાધિકારીઓને ઓછામાં ઓછા 1380 રૂપીયાનું દાન કરવા માટે કહેવામાં આવ્યું છે. કોંગ્રેસે જણાવ્યું કે, આ રણનૈતિક દ્રષ્ટીકોણથી વધુ સારા ભારતના અમારા દ્રષ્ટીકોણની સફળતા સુનિશ્ચિત કરશે. 

આમ આદમી પાર્ટીના મોડલ પર આધારિત છે આ અભિયાન 
કોંગ્રેસની આ પહેલ આમ આદમી પાર્ટીના ઓનલાઈન ક્રાઉડફંડિંગ મોડલ પર આધારિત છે. આ જાહેરાત ત્યારે કરવામાં આવી છે જ્યારે પાર્ટી આર્થિક સંકટનો સામનો કરી રહી છે. 2023 માં પાર્ટીએ ભાજપની 6,046.81 કરોડ રૂપીયાની તુલનામાં 805.68 કરોડ રૂપીયાની સંપત્તિની જાહેરાત કરી હતી. છેલ્લા કેટલાય વર્ષોમાં પાર્ટીના કોર્પોરેટ ફંડિંગમાં ઘટાડો જોવા મળ્યો છે. 

અજય માકને કહ્યું કે, આ અભિયાન અંતર્ગત પાર્ટીના કાર્યકર્તાઓ ઘરે-ઘરે જઈને પ્રત્યેક બુથના ઓછામાં ઓછા 10 ઘરને કવર કરશે. તેમણે કહ્યું કે, દાનદાતાઓની ઉંમર 18 વર્ષથી વધારે હોવી જોઈએ અને તે ભારતના નાગરિક હોવા જોઈએ.