Meta કંપનીના આ કામને 'દાદ' આપવી પડેઃ આત્મહત્યા કરવા જતા ઉત્તરાખંડના યુવકનો જીવ બચાવ્યો!

આ શખ્સની માનસિક સ્થિતિ સારી ન હોવાના કારણે અસમંજસમાં આવીને તેણે આત્મહત્યા કરવાની વાત ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી

Share:

ઘણીવાર આપણે સાંભળતા હોઈએ છીએ કે, સોશિયલ મીડિયા પર સમય વિતાવનારા લોકો ફ્રેન્ડ્સ અને ફેમિલીથી દૂર હોવાના કારણે એકલતા અનુભવતા હોય છે અને એટલે તણાવમાં આવી જાય છે. તણાવમાં આવીને કેટલાક લોકો એવા પગલા ભરી લે છે કે, જેના કારણે જિંદગી સંકટમાં પડી જાય છે. પરંતુ ઉત્તરાખંડથી એક એવો મામલો સામે આવ્યો છે કે જેમાં સોશિયલ મીડિયાએ ડિપ્રેશનમાં રહેલા યુવકને આત્મહત્યા કરતા બચાવી લીધો. સારી બાબત એ છે કે, હવે કાઉન્સિલિંગ બાદ આ યુવક સાજો થયો છે. 

મામલો ઉત્તરાખંડના ઉધમસિંહ નગર જિલ્લાનો છે. અહીંયા ડિપ્રેશનમાં ચાલ્યા ગયેલા એક શખ્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર આત્મહત્યાની એક જાણકારી પોસ્ટ કરી હતી. બાદમાં ઈન્ટરનેટ પર સોશિયલ મીડિયા કંપની META એલર્ટ મોડમાં આવી ગઈ અને META ની કેલિફોર્નીયા સ્થિત ઓફિસથી સીધી જ આ જાણકારી ઉત્તરાખંડ પોલીસને આપવામાં આવી. આ ઘટના ઉધમસિંહ નગરની હોવાથી તુરંત જ ઉધમસિંહ નગરના એએસપીને સંપર્ક કરવામાં આવ્યો. એએસપી દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરતા આ યુવક પાસે પોલીસ મદદ પહોંચાડવામાં આવી. 

યુવક પાસે પહોંચેલી પોલીસની ટીમને ઘટના સ્થળે પહોંચીને ખ્યાલ આવ્યો કે, યુવક દ્વારા આત્મહત્યાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હતો. આ શખ્સની માનસિક સ્થિતિ સારી ન હોવાના કારણે અસમંજસમાં આવીને તેણે આત્મહત્યા કરવાની વાત ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી. બાદમાં પોલીસ દ્વારા આ વ્યક્તિને સમજાવવામાં આવ્યો અને યુવકનું કાઉન્સિલીંગ કરીને તેના મગજમાંથી આત્મહત્યાના વિચારો કાઢી નાંખવાના પ્રયત્નો કરવામાં આવ્યા. બાદમાં આ શખ્સને તેના પરિજનોને સોંપી દેવામાં આવ્યો. ઉત્તરાખંડ પોલીસે META કંપનીનો આભાર માન્યો છે. 

હકીકતમાં ઉત્તરાખંડ પોલીસે ફેસબુકના નોડલ અધિકારી સાથે સંપર્ક કરીને નાયબ પોલીસ અધીક્ષક અંકુશ મિશ્રાને એસટીએફના નોડલ અધિકારી બનાવ્યા છે. આ ક્રમમાં રાજ્યમાં કોઈપણ વ્યક્તિની આત્મહત્યાની ફરિયાદ અથવા આત્મહત્યાનો પ્રયાસ સંબંધિત સૂચના ઓનલાઈન માધ્યમથી પ્રાપ્ત થયા છે તો તેની સૂચના મેટા કંપની તુરંત જ કેલિફોર્નિયાથી કોલ અને મેઈલ કરીને નાયબ પોલીસ અધીક્ષકને આપે છે. 
 

Tags :