આંધ્ર પ્રદેશના તટે Cyclone Michaungનું લેન્ડફોલ શરુ, 90 KMPHની ઝડપે ફૂંકાઈ રહ્યો છે પવન

Cyclone Michaung: સાયક્લોન મિચોંગે આંધ્ર પ્રદેશના તટીય વિસ્તારમાં લેન્ડફોલ થવાનું શરુ કર્યુ છે. બંગાળીની ખાડીમાં આ સાયક્લોન સર્જાયું છે. આંધ્ર પ્રદેશના બાપટલામાં તટ સાથે ટકરાવવાની પ્રક્રિયા શરુ થઈ ચૂકી છે.

Share:

હાઈલાઇટ્સ

  • વાવાઝોડા મિચોંગનું આંધ્ર પ્રદેશ નજીક લેન્ડફોલ શરું
  • હાલ 90 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે
  • વાવાઝોડાના કારણે વિવિધ ઘટનામાં 9 લોકોનાં મોત

આંધ્ર પ્રદેશઃ બંગાળની ખાડીમાં સર્જાયેલું ચક્રવાત મિચોંગ પ્રબળ બન્યું છે. વાવાઝોડાએ આંધ્ર પ્રદેશના બાપટલાના તટીય વિસ્તારમાં લેન્ડફોલ શરુ કરી દીધું છે. જે બાદ અલગ અલગ વિસ્તારોમાં જોરદાર વરસાદ પડી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગે મંગળવારે કહ્યું હતું કે, આંધ્ર પ્રદેશના તટ નજીક મિચોંગની લેન્ડફોલ થવાની પ્રક્રિયા શરુ થઈ ગઈ છે. ત્રણ કલાક સુધી તેની અસર જોવા મળશે. હવામાન વિભાગનું અનુમાન છે કે, આ સિસ્ટમ ઉત્તર તરફ આગળ વધવાની શક્યતા છે. 

90 કિમી પ્રતિ કલાકની ઝડપ
હાલ આ વાવાઝોડુ વિકરાળ બન્યું છે. હાલ પવન 90 કિમી પ્રતિ કલાકની ઝડપથી ફૂંકાઈ રહ્યો છે. આ ઝડપ વધીને 110 કિમી પ્રતિ કલાક થઈ શકે છે. હાલ લેન્ડફોલ થવાની પ્રક્રિયા ચાલુ છે. તામિલનાડુ અને આંધ્ર પ્રદેશના તટીય વિસ્તારો અને પુડુચેરીમાં વરસાદ જોરદાર વરસી રહ્યો છે. વાવાઝોડાના કારણે અત્યાર સુધીમાં બનેલી વિવિધ ઘટનામાં 9 લોકોનાં મોત થઈ ચૂક્યા છે. 

ચેન્નાઈ અસ્તવ્યસ્ત બન્યું
તામિલનાડુની રાજધાની ચેન્નાઈમાં જનજીવન અસ્તવ્યસ્ત બની ગયુ છે. ભારે વરસાદના કારણે ચારેકોર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. રસ્તાઓ પર ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયુ છે. અનેક જગ્યાઓએ વીજળીના થાંભલા, વૃક્ષો ધરાશાયી થયા છે. મહત્વનું છે કે, ઠેર ઠેર પાણી ભરાઈ જતા જનજીવન પણ અસ્તવ્યસ્ત બન્યું છે. તટીય વિસ્તારની આસપાસ રહેતાં લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બીજી તરફ, તંત્ર પણ મુસીબતનો સામનો કરવા માટે તૈયાર છે. 

વરસાદનું રેડ અલર્ટ 
વરસાદના પગલે રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તંત્ર પણ સંપૂર્ણ રીતે અલર્ટ મોડ પર છે. રાજ્યમાં એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે. ચેન્નાઈ શહેરની દશા વણસી છે. ચેન્નાઈના મોટાભાગના વિસ્તારો પાણીથી ભરાઈ ગયા છે. સ્કૂલો, ઓફિસો, ઈન્ટરનેટ, વીજળી સહિતની સેવાઓ પણ બંધ છે.