Cyclone Michaung: વાવાઝોડા 'મિચોંગ'ની આંધ્ર પ્રદેશમાં દસ્તક, ચેન્નાઈ ડૂબ્યું અને 5નાં મોત

Cyclone Michaung: સાયક્લોન મિચોંગ આંધ્ર પ્રદેશની નજીક પહોંચ્યું છે. ગમે ત્યારે આ સાયક્લોન લેન્ડફોલ થઈ શકે છે. તો સાયક્લોનના કારણે 80 વર્ષમાં ક્યારેય ન પડ્યો હોય એવો ધોધમાર વરસાદ પણ વરસ્યો છે. ચેન્નાઈમાં 5 લોકોનાં મોત થયા છે.

Share:

હાઈલાઇટ્સ

  • સાયક્લોન મિચોંગે દસ્તક આપતા મૂશળધાર વરસાદ પડી રહ્યો છે.
  • 80 વર્ષમાં ક્યારેય ન જોયો હોય એવો વરસાદ પડ્યો છે.
  • અનેક વિસ્તારોમાં અંધારપટ છવાઈ ગયો છે. ઈન્ટરનેટ પણ બંધ છે.

ચેન્નાઈઃ સાયક્લોન મિચોંગ આંધ્ર પ્રદેશની ખૂબ જ નજીક પહોંચ્યું છે. મિચોંગ વાવાઝોડુ ગમે ત્યારે તટીય વિસ્તારમાં ત્રાટકી શકે છે. સાયક્લોન મિચોંગના કારણે છેલ્લાં 80 વર્ષમાં ક્યારેય ન પડ્યો હોય એવો ધોધમાર વરસાદ ખાબક્યો છે. મિચોંગ સાયક્લોને સ્કૂલ, ઓફિસો, એરપોર્ટ, ટ્રેન, ઈન્ટરનેટ સહિતની સેવા ખોરવી નાખી છે. વીજળી ગુલ થતા અનેક વિસ્તારોમાં અંધારપટ છવાયો છે. એરપોર્ટમાં પણ પાણી ભરાઈ ગયા છે. રન વે પણ દેખાતા નથી. સાયક્લોનના કારણે હજુ પણ મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે. ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને હોર્ડિંગ્સ તથા અનેક મોટા મોટા વૃક્ષો ધરાશાયી થયા છે. ચેન્નાઈ શહેરમાં તો જ્યાં નજર કરો ત્યાં માત્ર પાણીને પાણી જ જોવા મળી રહ્યું છે. આખુ ચેન્નાઈ શહેર ડૂબી ગયું છે અને પાંચ લોકોનાં મોત નીપજ્યા છે. 

સાયક્લોનની ઝડપ કેટલી?
હવામાન વિભાગે રેડ અલર્ટ પણ જાહેર કરી દીધું છે. સાયક્લોન મિચોંગ તમિલનાડુ, ઓડિશા, આંધ્ર પ્રદેશ અને બંગાળના તટીય  વિસ્તારોમાં ત્રાટકશે. આ દરમિયાન પવનની સ્પીડ 100 કિમી પ્રતિ કલાકની આસપાસ રહી શકે છે. આ વિસ્તારોમાં મૂશળધાર વરસાદ પડવાની પણ વકી છે. બીજી તરફ, સાયક્લોનના પગલે તટીય વિસ્તારોમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. 

આંધ્ર પ્રદેશના 8 જિલ્લાઓમાં અલર્ટ
ચેન્નાઈમાં મૂશળધાર વરસાદ થઈ રહ્યો છે. જેના કારણે 12 ફ્લાઈટ્સ રદ્દ કરી દેવામાં આવી છે. આ સિવાય અનેક ટ્રેનો પણ રદ્દ કરી દેવામાં આવી છે. સ્કૂલોમાં પણ રજા આપી દેવામાં આવી છે. ચેન્નાઈમાં ભારે વરસાદના કારણે પાંચ લોકોનાં મોત થઈ ચૂક્યા છે. વિનાશકારી ચક્રવાતની અસર જોતા તિરુપતિ, નેલ્લોર, પ્રકાશમ, બાપટલા, કૃષ્ણા, પશ્ચિમ ગોદાવરી, કોનસીમા અને કાકાનાડા એમ 8 જિલ્લામાં અલર્ટ જાહેર કર્યુ છે.  

જ્યાં જુઓ ત્યાં તબાહી 
વિનાશકારી વાવાઝોડુ આગળ વધી રહ્યું છે. જેના કારણે મશૂળધાર વરસાદ વરસી રહ્યો છે અને ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. અનેક જગ્યાએ રસ્તા પરના વૃક્ષો ઉખડી ગયા છે. રસ્તા પર લગાવવામાં આવેલા વીજળીના થાંભલાઓ પણ ધરાશાયી થઈ ગયા છે. જ્યાં જુઓ ત્યાં તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. પરિસ્થિતિ સામે લડવા માટે એનડીઆરએફ એને એસડીઆરએફ પણ તૈનાત કરી દેવામાં આવી છે.