Cyclone Midhili નબળું પડીને દબાણ ક્ષેત્રમાં ફેરવાયું વાવાઝોડું, ત્રિપુરા-મિઝોરમમાં વરસાદ નહીં

શુક્રવારના રોજ ત્રિપુરામાં ભારે વરસાદ સાથે તેજ પવન ફુંકાયો હતો અને વિઝેબિલિટી ઘટી ગઈ હતી

Courtesy: Image: Twitter

Share:

 

Cyclone Midhili: વાવાઝોડું મિધિલી હવે નબળું પડી ગયું છે અને તે ઉંડા દબાણના ક્ષેત્રમાં પરિવર્તિત થઈ ગયું છે. આ કારણે શનિવારના રોજ ત્રિપુરા, મિઝોરમમાં વરસાદ નહોતો વરસ્યો. જોકે શુક્રવારના રોજ બંને રાજ્યોમાં ભારે વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, બાંગ્લાદેશના કિનારાને પાર કર્યા બાદ મિધિલી વાવાઝોડું (Cyclone Midhili) નબળું પડ્યું છે અને હાલ તે અગરતલાથી દક્ષિણપૂર્વીય દિશામાં 50 કિમી દરિયામાં સ્થિત છે. 

Cyclone Midhili શનિવારે નબળું પડ્યું

શનિવારના રોજ મિઝોરમમાં આકાશ ખૂબ જ સાફ રહ્યું હતું. ત્રિપુરાના આકાશમાં વાદળ છવાયેલા રહ્યા હતા પરંતુ બપોર સુધી કોઈ વરસાદ નહોતો નોંધાયો. બંને રાજ્યોમાં હજુ સુધી ભારે વરસાદના લીધે કોઈ પણ પ્રકારના નુકસાનના સમાચાર સામે નથી આવ્યા. 

 

પશ્ચિમ બંગાળના 24 પરગણા જિલ્લા અને સુંદરવન વિસ્તારમાં શુક્રવારના રોજ હળવો વરસાદ વરસ્યો હતો પરંતુ શનિવારે બંગાળમાં પણ આકાશ સાફ હતું. જોકે માછીમારોને હજું પણ દરિયામાં માછીમારી કરવા ન ઉતરવાની સલાહ આપવામાં આવી છે. હવામાન વિભાગે મિધિલી વાવાઝોડા (Cyclone Midhili)ના કારણે 17 અને 18 નવેમ્બરના રોજ મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસાદની આગાહી કરી હતી. 

 

આ કારણે ત્રિપુરા સરકારે સાવચેતીના પગલારૂપે શનિવારે તમામ સરકારી કાર્યાલયો, ખાનગી અને સરકારી શાળાઓ અને આંગણવાડી કેન્દ્રોમાં રજા જાહેર કરવાનો આદેશ આપ્યો હતો. મુખ્યમંત્રી માણિક સાહાએ જણાવ્યું હતું કે, રાજ્ય પ્રશાસન કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે. 

 

શુક્રવારના રોજ ત્રિપુરામાં ભારે વરસાદ સાથે તેજ પવન ફુંકાયો હતો અને વિઝેબિલિટી ઘટી ગઈ હતી જેથી વિમાની સેવાઓમાં પણ અડચણ આવી હતી. ખરાબ હવામાનના કારણે અનેક ફ્લાઈટ્સ રદ્દ કરવી પડી હતી પરંતુ શનિવારે વિમાની સેવાઓ રાબેતા મુજબ ચાલુ હતી. 

ગુજરાતનું હવામાન રહેશે શુષ્ક

હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતના તમામ જિલ્લાઓમાં આવનારા 5 દિવસ સુધી હવામાન શુષ્ક જ રહેશે અને રાજ્યમાં વરસાદની કોઈ સંભાવના નથી. નોંધનીય છે કે, રવિવારના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપની ફાઈનલ મેચ રમાવાની છે જેમાં વરસાદ વિઘ્નરૂપ ન બને તેવી આશા સેવાઈ રહી હતી. 

ચોમાસા બાદ સર્જાય છે વાવાઝોડા

બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં ચોમાસા પહેલાં અને ચોમાસા બાદ વાવાઝોડાં સર્જાય છે. આ એક સામાન્ય પેટર્ન છે અને દર વર્ષે બંને દરિયામાં લગભગ સરેરાશ 4થી 5 વાવાઝોડા સર્જાતાં હોય છે. ચોમાસા પહેલાં એપ્રિલ, મે અને જૂન મહિનામાં વાવાઝોડા સર્જાય છે અને ચોમાસા બાદ ઑક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર દરમિયાન વાવાઝોડા સર્જાય છે.