Deep Fake: કેન્દ્રીય મંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મની જવાબદારી અંગે કરી મહત્વની વાત

ભારત સરકાર હવે દેશમાં ડીપફેકથી લડવા માટે એક મહત્વની યોજના લાગુ કરવાનો વિચાર કરી રહી છે

Courtesy: Twitter

Share:

Deep Fake: કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને સૂચના પ્રૌદ્યોગિકી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું હતું કે, ઈન્ટરનેટ સુરક્ષા અને ડીપફેક (Deep Fake)ના પ્રસારને રોકવાની જવાબદારી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સની છે. તેમણે પોતાની સામગ્રીને ભારતીય કાયદા પ્રમાણે વિનિયમિત કરવી પડશે. 


Deep Fake કેસ બાદ કેન્દ્ર સતર્ક

કેન્દ્ર એ તાજેતરમાં જ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)ના ઉપયોગથી તૈયાર કરવામાં આવેલા ડીપફેકના કેસમાં થઈ રહેલા વધારાને અનુલક્ષીને એક બેઠક યોજી હતી અને તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ માટે સૂચન બહાર પાડ્યા હતા. રાજીવ ચંદ્રશેખરે રવિવારના રોજ જણાવ્યું હતું કે, ગત 24 નવેમ્બરના રોજ તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ સાથે વિસ્તૃત બેઠક યોજી હતી. તેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે, વર્તમાન કાયદા અંતર્ગત સુરક્ષિત ઈન્ટરનેટ અને ડીપફેકના પ્રસારને રોકવાની જવાબદારી તેમની જ છે. 

તેમણે જણાવ્યું કે, ડીપફેક (Deep Fake)ના પ્રસારને રોકવા માટે પૂરતા પગલાં નહીં લેવાય તો અમે સતર્ક બનીશું. તેમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મને મળેલા સુરક્ષિત હાર્બરને પાછું લેવાની સાથે તેમના સામે કાયદાકીય કાર્યવાહીનો પણ સમાવેશ થાય છે. 


વડાપ્રધાનનો ડીપફેક વીડિયો

ડીપફેક દુનિયાભરમાં વધી રહેલી એક મોટી સમસ્યા બની ચૂક્યું છે, કારણ કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સની શક્તિ હવે ઈન્ટરનેટ યુઝર માટે સરળતાથી ઉપલબ્ધ છે. તાજેતરમાં વડાપ્રધાન મોદીએ આ સમસ્યા પર પોતાનો મત વ્યક્ત કરી પોતાનો ગરબા ગાતા અને નૃત્ય કરતો ડીપફેક વીડિયો વાયરલ થઈ રહ્યો હોવા અંગે પણ વાત કરી હતી. 

ભારત સરકાર હવે દેશમાં ડીપફેકથી લડવા માટે એક મહત્વની યોજના લાગુ કરવાનો વિચાર કરી રહી છે. ભારતના આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવના કહેવા પ્રમાણે આગામી ગણતરીના દિવસોમાં જ આ પ્લાન તૈયાર થઈ જશે.


અશ્વિની વૈષ્ણવે કહી મહત્વની વાત

ભારતના આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે એક બેઠક દરમિયાન કહ્યું હતું કે, સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ કંપનીઓના મુખ્ય પ્રતિનિધિઓ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટેક્નોલોજી ક્ષેત્રમાં પ્રોફેસરો સાથે એક બેઠક કરી છે. બેઠકનો એજન્ડા તે નિયમોને જાણવાનો હતો જે તર્કહીન ડીપફેક (Deep Fake)ને નિયંત્રિત કરવા માટે જરૂરી હશે. સરકાર આ મામલે ચાર મુખ્ય ઉદ્દેશ્યો પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. ડીપફેક અને ખોટી માહિતીની ઓળખ કરવી, આ પ્રસારને રોકવા, ડીપફેકને રિપોર્ટ કરવા માટે પ્લેટફોર્મ અને અંતમાં વિષય અંગે સાર્વજનિક જાગરુકતા પેદા કરવી.

મહત્વનું છે કે, ડીપફેકનો મુદ્દે ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે સાઉથની લોકપ્રિય અભિનેત્રી રશ્મિકા મંદાનાનો એક ડીપફેક વીડિયો ઈન્ટરનેટ પર સામે આવ્યો. આ વીડિયોએ સમગ્ર દેશમાં સુરક્ષાને લઈને અલર્ટ કર્યા હતા.