Deepfake Video Case: રશ્મિકા મંદાનાનો વીડિયો અપલોડ કરવા મામલે બિહારના યુવકની પુછપરછ

હાલ જે યુવકની પુછપરછ કરવામાં આવી રહી છે તેણે પોતે ઈન્સ્ટાગ્રામ પરથી તે વીડિયો ડાઉનલોડ કર્યો હોવાની માહિતી આપી

Courtesy: Image: Twitter

Share:

 

Deepfake Video Case: થોડા સમય પહેલા સોશિયલ મીડિયામાં સાઉથની ચુલબુલી અભિનેત્રી રશ્મિકા મંદાનાનો એક વીડિયો ખૂબ જ વાયરલ થયો હતો અને રશ્મિકાના ડીપફેક વીડિયો કેસે (Deepfake Video Case) ભારે ચર્ચા જગાવી હતી. ત્યારે આ મામલે દિલ્હી પોલીસે બિહારના 19 વર્ષના એક યુવકની પુછપરછ હાથ ધરી છે. 

Deepfake Video Case મામલે પુછપરછ

રશ્મિકા મંદાનાનો ડીપફેક વીડિયો વાયરલ થયા બાદ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના દુરૂપયોગને લઈ ભારે ચિંતા વ્યાપી હતી અને સરકાર પણ આ મામલે સક્રિય બની હતી. ત્યારે દિલ્હી પોલીસે આ મામલે બિહારના એક 19 વર્ષીય યુવકની પુછપરછ હાથ ધરી છે. 

 

પોલીસને એવી શંકા છે કે, તે યુવકે સૌથી પહેલા પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ વીડિયો અપલોડ કર્યો હતો અને ત્યાર બાદ તે વીડિયો અન્ય પ્લેટફોર્મ્સ પર વ્યાપકપણે શેર થયો હતો. 

રશ્મિકાના કેસમાં હજુ કોઈ ધરપકડ નહીં

દિલ્હી પોલીસના કહેવા પ્રમાણે અભિનેત્રી રશ્મિકા મંદાનાના ડીપફેક વીડિયો કેસ (Deepfake Video Case)માં હજુ સુધી કોઈ વ્યક્તિની ધરપકડ નથી કરવામાં આવી. હાલ જે યુવકની પુછપરછ કરવામાં આવી રહી છે તેણે પોતે ઈન્સ્ટાગ્રામ પરથી તે વીડિયો ડાઉનલોડ કર્યો હોવાની માહિતી આપી હતી.

 

બિહારના વતની યુવકને IFSO યુનિટ સમક્ષ હાજર થવા અને તેનો મોબાઈલ ફોન લાવવા માટે કહેવામાં આવ્યું હતું. આ મોબાઈલ ફોનનો ઉપયોગ તેના દ્વારા કરવામાં આવેલા દાવા પ્રમાણે વીડિયો અપલોડ કરવા માટે કરવામાં આવ્યો હતો. એફઆઈઆર નોંધ્યા પછી તરત જ IFSO યુનિટે પણ મેટાને પત્ર લખીને આરોપીને ઓળખવા માટે URL અને અન્ય વિગતો મેળવી હતી.

જારા પટેલના સ્થાને રશ્મિકાનું મોઢું એડિટ કરાયું

વાયરલ થયેલી ક્લિપમાં જોઈ શકાય છે કે, બ્લેક કલરના ડીપ નેકવાળા ટાઈટ જીમવેરમાં રશ્મિકા લિફ્ટમાં પ્રવેશી રહી છે. જોકે તે એક એડિટેડ વીડિયો છે. ત્યારે આ પ્રકારનો એડિટેડ બોલ્ડ વીડિયો વાયરલ થવાથી રશ્મિકાના ચાહકો નારાજ થઈ ગયા છે. 

 

હકીકતમાં વીડિયોમાં જારા પટેલના સ્થાને રશ્મિકાનું મોઢું એડિટ કરવામાં આવ્યું છે. એક યુઝરે વીડિયો પોસ્ટ કરીને લખ્યું હતું કે, ભારતમાં ડીપફેકનો સામનો કરવા માટે કાયદાકીય અને રેગ્યુલેટરી ફ્રેમવર્કની જરૂર છે.

સરકાર એક્શનમાં

ડીપફેક વીડિયો કેસ (Deep Fake Video Case)ની ગંભીરતા સામે આવ્યા બાદ ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયે સોશિયલ મીડિયા કંપનીઓ માટે એડવાઈઝરી જારી કરીને વર્તમાન એડવાઈઝરીની યાદ અપાવી હતી. સરકારે કંપનીઓને IT ઈન્ટરમીડિયેટ નિયમોનું કડકાઈથી પાલન કરવા જણાવ્યું હતું. આવુ કરવા પર 3 વર્ષ સુધીની કેદ અને 1 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.