કેજરીવાલને ફરીથી આવ્યું ED નું તેડુ: 21 ડિસેમ્બરે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા

કેજરીવાલને આ સમન્સ એવા સમયે મોકલ્યું છે કે, જ્યારે કેજરીવાલ 10 દિવસ વિપશ્યના માટે જઈ રહ્યા છે.

Share:

હાઈલાઇટ્સ

  • સીબીઆઈએ 16 એપ્રિલના રોજ CM કેજરીવાલ સાથે આશરે 9 કલાક સુધી પૂછપરછ કરી હતી.
  • દિલ્હીમાં આ મામલે તપાસ અધિકારી સામે રજૂ થયા બાદ ED કેજરીવાલનું નિવેદન નોંધશે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને EDએ પૂછપરછ માટે સમન્સ મોકલ્યું છે. EDએ દિલ્હી લિકર પોલિસીથી જોડાયેલા મની લોન્ડ્રિંગ કેસમાં તેમને 21 ડિસેમ્બરે હાજર થવા માટે કહ્યું છે. આ મામલે કેજરીવાલને EDનું આ બીજું સમન્સ છે. આ પહેલા 2 નવેમ્બરે અરવિંદ કેજરીવાલને પૂછપરછ માટે EDએ નોટિસ મોકલી હતી, પરંતુ તેમણે નોટિસને ગેરકાયદે ગણાવીને પરત લેવાની માંગ કરી હતી. કેજરીવાલ આ દિવસોમાં મધ્યપ્રદેશની વિધાનસભા ચૂંટણીને લઈને રોડ શોમાં સામેલ થયા હતા.

મોટી વાત એ છે કે,ED એ કેજરીવાલને આ સમન્સ એવા સમયે મોકલ્યું છે કે, જ્યારે કેજરીવાલ 10 દિવસ વિપશ્યના માટે જઈ રહ્યા છે. તેઓ 19 ડિસેમ્બરના રોજ વિપશ્યના માટે રવાના થશે. કેજરીવાલ દર વર્ષે 10 દિવસનો વિપશ્યનાનો કોર્સ કરવા માટે જાય છે. આ વર્ષે પણ તેઓ 19 થી 30 સપ્ટેમ્બર સુધી વિપશ્યનામાં જવાના છે.

ઈડીનું બીજું સમન

દિલ્હીમાં થયેલા કથિત શરાબ ગોટાળા મામલે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને ઈડીએ ફરીથી એકવાર સમન્સ મોકલ્યું છે. આ બીજીવાર છે કે જ્યારે ઈડીએ હાજર થવા માટે કેજરીવાલને સમન્સ મોકલ્યું હોય. ઈડીએ સમન્સમાં કેજરીવાલને 21 ડિસેમ્બરે હાજર રહેવા માટે કહ્યું છે. આ પહેલા ગત 2 નવેમ્બરના રોજ ઈડીએ લિકર ગોટાળા મામલે કેજરીવાલને બોલાવ્યા હતા પરંતુ તેઓ ચૂંટણી કાર્યક્રમમાં વ્યસ્ત હોવાના કારણે નહોતા આવ્યા.

ઈડીની ચાર્જશીટમાં કેજરીવાલનું નામ

દિલ્હી લિકર ગોટાળા મામલે બે કેન્દ્રીય તપાસ એજન્સીઓ તપાસ કરી રહી છે. આ મામલે એપ્રિલ મહિનામાં CBI એ દિલ્હીના CM કેજરીવાલને પૂછપરછ માટે બોલાવ્યા હતા. 16 એપ્રિલ બાદ ED એ કેજરીવાલને 2 નવેમ્બરના રોજ પૂછપરછ માટે બોલાવ્યા હતા પણ તેઓ નહોતા ગયા. કેજરીવાલને PMLA અંતર્ગત સમન્સ પાઠવવામાં આવ્યું છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર, દિલ્હીમાં આ મામલે તપાસ અધિકારી સામે રજૂ થયા બાદ ED મુખ્યમંત્રીનું નિવેદન નોંધશે.

ઈડીએ આ મામલે દાખલ પોતાના આરોપપત્રોમાં કેટલીયવાર કેજરીવાલના નામનો ઉલ્લેખ કર્યો છે. સીબીઆઈએ 16 એપ્રિલના રોજ CM કેજરીવાલ સાથે આશરે 9 કલાક સુધી પૂછપરછ કરી હતી.