Delhi Pollution: દિવાળીના 3 દિવસ બાદ પણ સ્થિતિ ગંભીર, ભાજપ સમર્થકો પર ફટાકડા ફોડવાનો આક્ષેપ

ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ અને સુપ્રીમ કોર્ટના આકરા આદેશ છતા દિલ્હીમાં મોટા પ્રમાણમાં ફટાકડા ફોડવામાં આવ્યા

Courtesy: Image: Twitter

Share:

 

Delhi Pollution: સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના જણાવ્યા અનુસાર બુધવારે સમગ્ર દિલ્હીમાં હવાની ગુણવત્તા ગંભીર શ્રેણીમાં યથાવત રહી હતી. આ સાથે જ હવાની ગુણવત્તા દર્શાવતો સૂચકઆંક  AQI આનંદ વિહારમાં 430, આરકે પુરમમાં 417, પંજાબી બાગમાં 423 અને જહાંગીરપુરીમાં 428ને સ્પર્શ્યો હતો.

 

દિવાળી પર ફટાકડા ફોડવાથી વાતાવરણ વધુ ગંભીર બન્યું હતું અને દિવાળીના ત્રણ દિવસ પછી પણ રાષ્ટ્રીય રાજધાનીમાં લોકો ગંભીર શ્રેણીની હવાની ગુણવત્તામાંથી રાહત અનુભવે તેવી શક્યતા નથી. પ્રકાશના તહેવાર પર ફટાકડા ફોડવાથી ફેલાયેલા ધુમાડાએ સમગ્ર દિલ્હીને બાનમાં લીધું હતું. 

Delhi Pollution ઘટાડવા સરકાર સજાગ

દિલ્હીના શ્રમ મંત્રી રાજ કુમાર આનંદે મંગળવારના રોજ જોન્ટી બોર્ડર વિસ્તારમાં વાયુ પ્રદૂષણને અંકુશમાં લેવાના પગલાના અમલીકરણને લઈ જમીની સ્થિતિની સમીક્ષા કરી હતી.

 

 તેમણે જણાવ્યું હતું કે, દિવાળી પછી દિલ્હીમાં પ્રદૂષણમાં વધારો થયો છે. આપણે દિલ્હીમાં પ્રદૂષણ (Delhi Pollution)નું સ્તર ઘટાડવું છે અને અમારી સરકાર તેના માટે સતત કામ કરી રહી છે. અમે સ્થાનિકોને સહકાર આપવા કહ્યું છે.

પ્રતિબંધ છતાં ફટાકડા ફોડવામાં આવ્યા

રાજધાની દિલ્હી અને આસપાસના રાજ્યોમાં પ્રદૂષણ ખૂબ જ જીવલેણ સાબીત થઈ રહ્યું છે. રાજ્ય સરકારે ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ મુક્યો હોવા છતા અને સુપ્રીમ કોર્ટના આકરા આદેશ છતા દિલ્હીમાં મોટા પ્રમાણમાં ફટાકડા ફોડવામાં આવ્યા હતા. આ કારણે દિલ્હીમાં પ્રદૂષણ (Delhi Pollution) ચરમસીમાએ પહોંચ્યું છે અને રાજધાની ગેસ ચેમ્બરમાં ફેરવાઈ ગઈ હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. 

 

પરિસ્થિતિ એટલી કફોડી છે કે સરકારે લોકોને સલાહ આપી છે કે તેઓ જ્યાં સુધી સ્થિતિ કાબૂમાં ના આવે ત્યાં સુધી ઘરની બહાર નીકળવાનું ટાળે. દિલ્હી સરકારે ગર્ભવતી મહિલાઓ, ગંભીર બીમારીના દર્દીઓ, બાળકો અને વૃદ્ધોને વધુ સતર્ક રહેવાની સલાહ આપી છે. દિલ્હી સરકારની એડવાઈઝરીમાં જણાવવામાં આવ્યું છે કે, લોકોએ જે વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા હોય અને જ્યાં વધુ પ્રદૂષણ હોય ત્યાં જવાનું ટાળવું જોઈએ. 

 

એટલુ જ નહીં દિલ્હીમાં પ્રદૂષણ (Delhi Pollution)ના કારણે લોકોને સવારની વોક પર, એક્સરસાઈઝ કરવા કે દોડવા ન જવાની સલાહ આપવામાં આવી છે. સાંજે અને સવારે પ્રદૂષણની સ્થિતિ વધુ ભયાનક સ્તરે પહોંચતી હોવાથી આ સમયગાળા દરમિયાન વધુ સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. 

ભાજપ સમર્થકોએ ફટાકડા ફોડવાનો આક્ષેપ

બીજી તરફ દિલ્હીમાં મોટા પાયે ફટાકડા ફોડવા પાછળ દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે ભાજપને જવાબદાર ઠેરવ્યું હતું, અને દાવો કર્યો હતો કે જાણી જોઈને ભાજપના સમર્થકો અને નેતાઓએ ફટાકડા ફોડયા છે. જ્યારે ટીએમસીના નેતા સાકેત ગોખલેએ દાવો કર્યો હતો કે ભાજપના નેતાઓએ સુપ્રીમ કોર્ટના પ્રતિબંધનો ભંગ કર્યો અને ફટાકડા ફોડયા. આ સાથે જ તેમણે દિલ્હી પોલીસ પાસેથી ફટાકડા ફોડનારા સામે કાર્યવાહીના ડેટા પણ માગ્યા હતા.