Delhi: રાજધાનીમાં ગુરૂવારે વરસાદની આગાહી, તાપમાન નીચું જવાની શક્યતા

વરસાદને કારણે ઠંડીમાં વધારો થયો છે ત્યારે પંજાબના લોકોને ઝેરી હવાથી રાહત મળશે

Courtesy: Image: Twitter

Share:

 

Delhi: દેશની રાજધાની દિલ્હી (Delhi)માં ઠંડીનો ચમકારો દેખાવાનો શરૂ થઈ ગયો છે. વહેલી સવારે લોકોને ઠંડીનો અનુભવ થવા લાગ્યો છે ત્યારે ઠંડીના ચમકારા વચ્ચે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. વરસાદના કારણે દિલ્હીનું તાપમાન નીચું જવાની શક્યતા છે. 

 

હવામાન વિભાગના અહેવાલ પ્રમાણે ગુરૂવારે દિલ્હીના અનેક વિસ્તારોમાં હળવો વરસાદ વરસે તેવી શક્યતા છે. હવામાન વિભાગના મતે 30મી નવેમ્બરના રોજ દિલ્હીનું ન્યૂનતમ તાપમાન 13 અને મહત્તમ તાપમાન 24 ડિગ્રી નોંધાય તેવી શક્યતા છે. ઉપરાંત આવતીકાલથી દિલ્હીમાં ધુમ્મસનું સામ્રાજ્ય છવાય તેવી પણ શક્યતા જણાઈ રહી છે. 

Delhiના વાતાવરણમાં પલટો

છેલ્લા થોડા દિવસથી હવામાનમાં ફેરફાર નોંધાઈ રહ્યો છે. આજે દિલ્હી-એનસીઆર અને આસપાસના વિસ્તારોમાં ગાઢ ધુમ્મસવાળું વાતાવરણ છે અને ધીમા પવનના કારણે પ્રદૂષણ પણ મુશ્કેલી ઉભી કરી રહ્યું છે. દિલ્હીમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ સ્તર 420 છે તો ગાઝિયાબાદ, નોઈડા, ફરીદાબાદ, ગુરુગ્રામ જેવા શહેરોમાં પણ પ્રદૂષણનું સ્તર 400ની નજીક છે. દરમિયાન હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે. 

 

હવામાન વિભાગનો અંદાજ છે કે ગુરુવારે દિલ્હી-એનસીઆર વાદળછાયું રહેશે અને સાંજ સુધી હળવો વરસાદ થઈ શકે છે. અગાઉ સોમવારે પણ હળવો વરસાદ પડ્યો હતો, જેના કારણે પ્રદૂષણમાં થોડી રાહત મળી હતી. જેના કારણે તાપમાનમાં પણ થોડો વધુ ઘટાડો થઈ શકે છે. 

 

સ્કાયમેટ વેધર અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પંજાબથી હરિયાણા થઈને દિલ્હી (Delhi) સુધી દરિયાઈ સપાટીથી લગભગ 5.8 કિમી ઉપર પશ્ચિમી પવનોના રૂપમાં છે. તે જ સમયે, દક્ષિણ આંદામાન અને તેની પાસે આવેલા દક્ષિણ પૂર્વ બંગાળની ખાડી પર એક લો પ્રેશર વિસ્તાર ઊંડા લો-પ્રેશરમાં પરિવર્તિત થયો છે.  આ દરમિયાન, જમ્મુ-કાશ્મીર, હિમાચલ અને પંજાબમાં નોંધપાત્ર વરસાદ થયો છે અને ખીણના કેટલાક વિસ્તારોમાં હિમવર્ષા પણ થઈ છે.

પંજાબમાં તાપમાનમાં ઘટાડો

પંજાબના ઘણા જિલ્લાઓમાં પણ વરસાદ પડી રહ્યો છે. જેના કારણે ઠંડીએ જોર પકડ્યું છે. હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું હતું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પંજાબમાં હવામાનમાં ફેરફાર થશે. ગઈકાલે પણ પંજાબના ઘણા ભાગોમાં વરસાદ પડ્યો હતો. જેના કારણે રાત્રિના તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી અને દિવસના તાપમાનમાં એકથી બે ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાયો છે.

 

જો કે આગામી 4 દિવસ એટલે કે 1 ડિસેમ્બરથી 4 ડિસેમ્બર સુધી હવામાન શુષ્ક રહેશે. વરસાદ બાદ અનેક જિલ્લાઓમાં ધુમ્મસની શક્યતા છે. હવામાન કેન્દ્ર ચંદીગઢની આગાહી મુજબ, પશ્ચિમ માલવા સિવાય પંજાબના મોટાભાગના જિલ્લાઓ પશ્ચિમી વિક્ષેપથી પ્રભાવિત થશે. હવામાનમાં ફેરફાર અને ધુમ્મસના કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થશે. વરસાદને કારણે ઠંડીમાં વધારો થયો છે, ત્યારે પંજાબના લોકોને ઝેરી હવાથી રાહત મળશે.