મની લોન્ડ્રિંગ કેસમાં મોબાઈલ બનાવતી આ મોટી કંપની સામે EDએ દાખલ કરી ચાર્જશીટ

EDએ મની લોન્ડરિંગ સંબંધિત કેસમાં ચીની નાગરિક ગુઆંગવેન, લાવા ઈન્ટરનેશનલ મોબાઈલના એમડી હરિઓમ રાય, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નીતિન ગર્ગ અને રાજન મલિકની ધરપકડ કરી ચૂકી છે.

Share:

હાઈલાઇટ્સ

  • મની લોન્ડરિંગ કેસમાં ED દ્વારા VIVO સામે ચાર્જશીટ દાખલ
  • 1 લાખ કરોડ રૂપિયા ભારતની બહાર મોકલવાનો આરોપ લાગ્યો

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મની લોન્ડરિંગ કેસની તપાસમાં ચીની ફોન ઉત્પાદક વિવો વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. EDએ વિવો પર પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની ફોજદારી કલમો હેઠળ આરોપ મૂક્યો છે. ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે Vivoએ 2014થી 2021 વચ્ચે ભારતની બહાર 1 લાખ કરોડ રૂપિયા મોકલવા માટે શેલ કંપનીઓનો ઉપયોગ કર્યો હતો.

ઈડીએ ગત ઓક્ટોબરમાં આ કેસમાં લાવા ઈન્ટરનેશનલ કંપનીના એમડી હરિઓમ રાય, ચીની નાગરિક ગુઆંગવેન ઉર્ફે એન્ડ્ર્યુ કુઆંગ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નીતિન ગર્ગ તેમજ રાજન મલિકની ધરપકડ કરી હતી. કેન્દ્રીય એજન્સીએ 2022માં તપાસ શરૂ કરી હતી અને ગયા વર્ષે જુલાઈમાં Vivo-India અને તેની સાથે સંકળાયેલા લોકો પર દરોડા પાડ્યા હતા. જેમાં EDએ ચીનના નાગરિકો અને કેટલીક ભારતીય કંપનીઓને સંડોવતા એક મોટા મની લોન્ડરિંગ રેકેટનો પર્દાફાશ કરવાનો દાવો કર્યો હતો.

દિલ્હીની સ્પેશિયલ કોર્ટ સમક્ષ દાખલ કરાયેલી ચાર્જશીટમાં EDએ હરિઓમ રાય, ગુઆંગવેન કિઆંગ ઉર્ફે એન્ડ્રુ કુઆંગ, નીતિન ગર્ગ અને રાજન મલિકનું નામ ગેરકાયદેસર રીતે ભારતમાંથી વિદેશમાં મોટી રકમ મોકલવા બદલ જાહેર કર્યું છે. EDની તપાસમાં જાણવા મળ્યું છે કે ચાઈનીઝ ફોન નિર્માતાએ 2014માં પ્રવેશ કર્યા બાદ વિવિધ ભારતીય શહેરોમાં 19 વધુ કંપનીઓ સ્થાપી હતી. ચીની નાગરિકો આ કંપનીઓમાં ડિરેક્ટર અથવા શેરધારકો હતા અને તેઓ ભારતમાં Vivo Mobilesની સમગ્ર સપ્લાય ચેઈનને નિયંત્રિત કરતા હતા. ઉલ્લેખનીય છે કે, ઑક્ટોબરમાં દાખલ કરવામાં આવેલી રિમાન્ડ અરજીમાં EDએ આરોપ મૂક્યો હતો કે વિવોએ સમગ્ર દેશમાં ચીન-નિયંત્રિત વિશાળ નેટવર્ક સ્થાપિત કરવા ભારતમાં પ્રવેશ કરીને સરકાર સાથે છેતરપિંડી કરી હતી.

ચાર્જશીટમાં, EDએ 2014 અને 2018 વચ્ચે Vivo દ્વારા FDI નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ મૂક્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ભારતના એફડીઆઈ નિયમોનો લાભ લઈને, વિવોએ 'હોલસેલ કેશ એન્ડ કેરી બિઝનેસ'ની આડમાં તેની માલિકી છુપાવી હતી. ઇડીએ ચાર્જશીટમાં કહ્યું છે કે મની લોન્ડરિંગની તપાસમાં સામે આવ્યું છે કે 2014થી વિવોએ આ ભારતીય બજારોમાં કામગીરી કરવા માટે તેના દ્વારા ભાડે રાખેલી કેટલીક 'ટ્રેડિંગ કંપનીઓ'ને ભારતની બહાર 1 લાખ કરોડ રૂપિયાથી વધુ મોકલ્યા છે, જેથી આ ભારતીય કંપનીઓ વીવો ચાઈનાના નિયંત્રણ હેઠળ છે તે વાત સરકારને ખબર ન પડે.