ચેન્નઈમાં આવેલા ભારે વરસાદે સર્જી આફતઃ લોકોના જીવન ચક્રમાં જાણે બ્રેક લાગી ગઈ!

તમિલનાડુએ સમગ્ર રાજ્યમાં થયેલા નુકસાન માટે કેન્દ્ર સરકાર પાસેથી રૂ. 5,060 કરોડની વચગાળાની રાહત માંગી છે.

Share:


ઠંડીની સીઝનમાં આવેલા તોફાન મિચોંગે તમિલનાડુની રાજધાની ચેન્નઈની સાથે કેટલાય અન્ય જિલ્લાઓમાં તબાહી મચાવી છે. ચેન્નઈમાં વરસાદ સાથે જોડાયેલી અનેક દુર્ઘટનાઓમાં અત્યારસુધીમાં 17 લોકોના મોત થયા છે. આ સિવાય કરોડો રૂપીયાની સંપત્તિનું નુકસાન પણ થયું છે. એરપોર્ટથી લઈને રેલવે સ્ટેશન સુધી દરેક જગ્યાએ પાણીના કારણે લોકો હાલાકી ભોગવી રહ્યા છે. આ ચક્રવાતના કારણે તમિલનાડુ અને પોંડુચેરીમાં ભારે વરસાદ થયો છે.

તમિલનાડુએ સમગ્ર રાજ્યમાં થયેલા નુકસાન માટે કેન્દ્ર સરકાર પાસેથી રૂ. 5,060 કરોડની વચગાળાની રાહત માંગી છે. એક સત્તાવાર રીલિઝ અનુસાર, મુખ્યમંત્રી એમકે સ્ટાલિને આ સંબંધમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે અને આ પત્ર ડીએમકે સાંસદ ટીઆર બાલુ વડાપ્રધાનને સોંપશે.

કુલ નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે સર્વેક્ષણ ચાલી રહ્યું છે અને ટૂંક સમયમાં વિગતવાર અહેવાલ તૈયાર કરવામાં આવશે, એમ રિલીઝમાં જણાવાયું છે. પત્રમાં, સ્ટાલિને ચેન્નાઈ, ચેંગલપેટ, તિરુવલ્લુર અને કાંચીપુરમના ઉત્તરી જિલ્લાઓમાં ચક્રવાત મિચોંગના કારણે થયેલા “અભૂતપૂર્વ” વરસાદને કારણે થયેલા નુકસાનની યાદી આપી છે. રિલીઝમાં જણાવાયું છે કે, “ખાસ કરીને, ચેન્નઈ કોર્પોરેશન હેઠળના વિસ્તારોમાં નુકસાન વધારે ગંભીર છે. “રસ્તાઓ, પુલ અને જાહેર ઇમારતો જેવી માળખાકીય સુવિધાઓને ભારે નુકસાન થયું છે,” સ્ટાલિને કેન્દ્રને નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે કેન્દ્રીય ટીમ મોકલવાની પણ વિનંતી કરી છે.

દક્ષિણ તમિલનાડુના કેટલાય વિસ્તારોમાં હજી સામાન્યથી ભારે વરસાદ થવાની શક્યતાઓ છે. તો કન્યાકુમારી, તિરુનેલવેલી, થૂથુકુડી અને તેનકાસી જેવા ક્ષેત્રોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતાઓ છએ. મંગળવારના રોજ દક્ષિણ તમિલનાડુના કેટલાક સ્થાનો, ઉત્તરી તમિલનાડુ, પોંડુચેરી, અને કરાઈકલમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો હતો. બુધવારથી લઈને શનિવાર સુધી તમિલનાડુ, પોંડુચેરી અને કરાઈકલ તેમજ ચેન્નઈમાં મધ્યમ વરસાદ થવાની શક્યતાઓ છે.

ચક્રવાત નજીક આવતાં જ છેલ્લાં બે દિવસમાં ઊંચા મોજાં દક્ષિણ કિનારે અથડાયાં હતા, અનેક ગામડાંમાં પાણીમાં ગરકાવ થયા છે અને તમામ વાહનવ્યવહાર અટકી ગયો હતો, જેનાથી લગભગ 3,90,000 લોકોના જીવનને અસર થઈ છે. વાવાઝોડુ મિચોંગ મંગળવારે નેલ્લોર અને કાવલી વચ્ચે આંધ્રપ્રદેશમાં લેન્ડફોલ કર્યું હોવાથી, તમિલનાડુમાં ચેન્નઈમાં અવિરત વરસાદ પડ્યો હતો, વરસાદ સંબંધિત ઘટનાઓમાં મૃત્યુઆંક 17 થયો હતો. ચક્રવાત હવે ભારતના મધ્ય દરિયાકાંઠાના આંધ્ર પ્રદેશ પર ઊંડા ડિપ્રેશનમાં નબળુ પડ્યુ છે. હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું હતું.

Tags :