ઓરિસ્સાથી ઝડપાયો નકલી PMO અધિકારી: 7 રાજ્યોની યુવતીઓ સાથે કર્યા છે લગ્ન

આ શખ્સ કેરળ અને પાકિસ્તાનના કેટલાક સંદિગ્ધ વ્યક્તિઓ સાથે પણ જોડાયેલો હોવાના આરોપ છે

Share:

હાઈલાઇટ્સ

  • આ વ્યક્તિ મૂળ જમ્મૂ-કાશ્મીરના કુપવાડા જિલ્લાનો રહેવાસી છે
  • રાષ્ટ્રવિરોધી તત્વો સાથે સંપર્ક રાખવાના આરોપમાં પોલીસે બુખારીની ધરપકડ કરી

ગુજરાતના કિરણ પટેલે પોતાને વડાપ્રધાન કચેરીના અધિકારી તરીકે ઓળખ આપીને અસંખ્ય લોકો સાથે છેતરપીંડી કયાંનું હજૂ લોકો સ્મરણપટ પરથી વિસરાયુ નથી ત્યારે આવા અન્ય એક કિરણ પટેલની ઓરિસ્સા પોલીસે ધરપકડ કરી છે. ઓરિસ્સા પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ STF દ્વારા એક નકલી PMO અધિકારીની ધરપકડ કરવામાં આવી છે. આ વ્યક્તિની ઓળખ સૈયદ ઈશાન બુખારી તરીકે થઈ છે. પોતાને ન્યુરો સ્પેશિયાલિસ્ટ ડોક્ટર તરીકે ઓળખાવતો બુખારી પોતાની ઓળખાણ સેનાના ડોક્ટર, PMO ના અધિકારી, અને NIA ના મોટા અધિકારીના નજીકના વ્યક્તિ તરીકે ઓળખાણ આપતો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, આ વ્યક્તિ મૂળ જમ્મૂ-કાશ્મીરના કુપવાડા જિલ્લાનો રહેવાસી છે અને દેશ વિરોધી ગતિવધિઓમાં જોડાયેલો હોઈ શકે છે. ચોંકાવનારી વાત એ છે કે, આ વ્યક્તિએ કાશ્મીર સિવાય, દેશના બીજા 6-7 રાજ્યોમાં પણ લગ્ન કર્યા છે.

ઓડિશા પોલીસ અનુસાર, બુખારી પર ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને ઓરિસ્સાની યુવતીઓ સાથે લગ્ન કરવાનો આરોપ છે. અલગ-અલગ વેબસાઈટ અને એપ પર સક્રિય રહેતા બુખારી પર ફ્રોડના ગંભીર આરોપો લાગ્યા છે. પોલીસ અનુસાર, આ શખ્સે જે યુવતી સાથે લગ્ન કર્યા તેને પોતાની ઓળખ ડોક્ટર તરીકે આપી હતી. કેટલીય યુવતીઓ સાથે રોમેન્ટીક સંબંધ રાખનારા બુખારીએ તેમને કહ્યું હતું કે, મારી પાસે ડોક્ટરીની ઈન્ટરનેશનલ ડિગ્રી છે.

આ વ્યક્તિ પાસેથી 100થી પણ વધારે ગંભીર દસ્તાવેજો મળી આવ્યા છે. બુખારી કેટલાય સંદિગ્ધ લોકોના સંપર્કમાં પણ રહ્યો હતો. આ શખ્સ કેરળ અને પાકિસ્તાનના કેટલાક સંદિગ્ધ વ્યક્તિઓ સાથે પણ જોડાયેલો હોવાના આરોપ છે.

મૂળ જમ્મુ-કાશ્મીરના બુખારીની ધરપકડ ધર્મશાળાથી કરવામાં આવી છે. ખોટી ઓળખ, છેતરપિંડી અને રાષ્ટ્રવિરોધી તત્વો સાથે સંપર્ક રાખવાના આરોપમાં પોલીસે બુખારીની ધરપકડ કરી છે.

મહત્વનું છે કે, આ પહેલા પણ ગુજરાતના કિરણ પટેલ નામના એક ભેજાબાજે પોતાને PMO અધિકારી ગણાવી અનેક કાંડ કર્યા હતા. કિરણ પટેલે વડાપ્રધાન કાર્યાલયમાં અધિકારી તરીકે ફરજ બજાવતો હોવાની ઓળખાણ આપીને ઘણા લોકો સાથે છેતરપિંડી કરી હતી સાથે જ કિરણ પટેલ કેટલાક મહિનાઓ સુધી કાશ્મીરમાં ઝેડ પ્લ્સ સિક્યોરિટી સાથે ફરતો હતો. આ ઉપરાંત સ્થાનિક વેપારીઓ સાથે પણ ઉચ્ચ અધિકારી તરીકેની ઓળખ આપીને ઠગાઇ કરી હતી. મહાઠગ કિરણ પટેલની પત્ની માલિની સામે પણ બંગલો પચાવી પાડવા અને છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવી હતી.

Tags :