Vadodara: વડોદરામાં વેપારીને ન્યૂડ કોલ કરી યુવતીએ 3.33 લાખમાં નવડાવ્યા

Vadodara Crime: આજકાલ ગુજરાતમાં ન્યૂડ વીડિયો કોલ કરીને લોકોને ફસાવીને રૂપિયા પડાવવાના ગુનામાં વધારો થયો છે. વડોદરામાં પણ એક વેપારીને યુવતીએ ન્યૂડ વીડિયો કોલ કરીને ફસાવ્યા હતા અને લાખો રુપિયા ખંખેર્યા હતા.

Share:

હાઈલાઇટ્સ

  • વડોદરામાં વેપારીને ફસાવી યુવતીએ લાખો રુપિયા પડાવ્યા.
  • વેપારીને ન્યૂડ વીડિયો કોલ કરીને યુવતીએ ફસાવ્યા હતા.
  • ન્યૂડ વીડિયો કોલ કરીને ધમકી આપીને રુપિયા પડાવ્યા હતા.

Vadodara: મોબાઈલ અને ઈન્ટરનેટના જમાનામાં હવે સાઈબર ક્રાઈમમાં પણ દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને લોકોને ન્યૂડ વીડિયો કોલ કરીને રુપિયા ખંખેરવામાં આવી રહ્યાં છે. ત્યારે આવી જ રીતે વડોદરામાં રહેતા એક વેપારીને યુવતીએ પહેલાં પોતાની વાતોમાં ફસાવ્યા હતા. મોબાઈલ નંબર મેળવીને યુવતીએ ચાલાકીપૂર્વક વેપારીને બાટલીમાં ઉતાર્યા હતા. એ પછી ન્યૂડ વીડિયો કોલ કરીને વેપારી પાસેથી લાખો રુપિયા ખંખેર્યા હતા. આ મામલે વેપારીએ સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

કેવી રીતે બની ઘટના?
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, વડોદરાના હરણી રોડ વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં રહેતા 40 વર્ષીય યુવકે સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવીને આક્ષેપ કર્યા છે કે, ગઈ 28 નવેમ્બરના રોજ તેના મોબાઈલમાં ફેસબુક રિક્વેસ્ટ આવી હતી. આ રિક્વેસ્ટ એક યુવતીની હતી. જે બાદ યુવકે આ ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારી હતી. એ પછી યુવકના મોબાઈલ નંબર પર વોટ્સએપથી એક મેસેજ આવ્યો હતો અને તેણે નામ પણ જણાવ્યું હતું. 

ન્યૂડ કોલ કરી ફસાવ્યો
એ પછી યુવતીએ પોતાની મીઠી મીઠી વાતોમાં યુવકને ભેળવ્યો હતો અને ફસાવ્યો હતો. યુવતીએ યુવકને વોટ્સએપ પર વીડિયો કોલ કરવા જણાવ્યું હતું. બાદમાં યુવતીએ યુવકને વોટ્સએપ વીડિયો કોલ કર્યો હતો. જ્યારે યુવકે આ કોલ ઉપાડ્યો હતો ત્યારે મોબાઈલની સ્ક્રીનનું દ્રશ્ય જોઈને તે ચોંકી ગયો હતો. સામે છેડે યુવતી નગ્ન અવસ્થામાં હતી. 

બ્લેકમેલિંગ શરુ થયું 
બીજી તરફ, યુવક જાણતો નહોતો કે યુવતી તેને ફસાવી રહી છે. આ દરમિયાન યુવતીએ તેના મોબાઈલમાં વીડિયો કોલનું રેકોર્ડિંગ પણ શરુ કરી દીધુ હતુ. જેમાં યુવકની તમામ હરકતો કેદ થઈ ગઈ હતી. આ ન્યૂડ વીડિયો યુવતીએ યુવકને વોટ્સએપ પર મોકલ્યો હતો. બાદમાં તેને બ્લેકમેલ કરવાનું શરુ કર્યુ હતુ. વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને યુવતીએ રુપિયાની માગણી શરુ કરી હતી. 

3.33 લાખ પડાવ્યા
વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને યુવતીએ થોડા થોડા કરીને યુવક પાસેથી રુપિયા 3.33 લાખ પડાવ્યા હતા. યુવકે આ રુપિયા ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા. એ પછી પહેલી ડિસેમ્બરના રોજ યુવક પર એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. અજાણી વ્યક્તિએ પોતાની ઓળખ સીબીઆઈના ઓફિસર તરીકે આપી હતી. બાદમાં વધારે રુપિયાની માગણી કરી હતી. આખરે યુવકે સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવી હતી. ત્યારે પોલીસે પણ ગુનો નોંધીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે, ગુજરાતમાં આવા અનેક કિસ્સાઓ બની ચૂક્યા છે.