પ્રેમાંધ પ્રેમિકાનો પ્રેમી પર એસિડ હુમલો

આ ઘટનામાં પ્રેમી યુવક ભયંકર રીતે દાઝી ગયો છે અને અત્યારે તે હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે.

Share:

હાઈલાઇટ્સ

  • એસિડ એટેકના કારણે યુવકની આંખોને સૌથી વધારે નુકસાન થયું
  • પોલીસે આરોપી પ્રેમિકાની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે

એકતરફી પ્રેમમાં કોઈ “પ્રેમી”એ ભાન ભૂલીને પ્રેમિકા પર એસિડથી હુમલો કર્યો હોય તેવી અનેક ઘટનાઓ સામે આવી છે. પરંતુ બિહારના વૈશાલીમાં એક એવી ભયાનક ઘટના સામે આવી છે કે જેના વિશે જાણીને ભલભલા વિચારતા થઈ જાય. અહીંયા એક પ્રેમિકાએ પોતાના પ્રેમી ઉપર એસિડ એટેક કરાવ્યો છે. આ ઘટનામાં પ્રેમી યુવક ભયંકર રીતે દાઝી ગયો છે અને અત્યારે તે હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. આ ઘટના વૈશાલીના પાતેપુર ક્ષેત્રના સિમરવાડા ગામની છે. 

પ્રાપ્ત થતી વિગતો અનુસાર, પ્રેમી યુવકની તબિયત અત્યારે નાજુક છે. આરોપ છે કે, યુવક પર એસિડ એટેક કરનારા લોકોમાં આ પ્રેમી યુવતીનો પણ સમાવેશ થાય છે. આ સમગ્ર મામલે પોલીસને જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી શરૂ કરી છે. વૈશાલીના એસપી રવિ રંજન કુમારે જણાવ્યું કે પીડિતા અને આરોપી મહિલા સરિતા કુમારી બંને છેલ્લા પાંચ મહિનાથી રિલેશનશિપમાં હતા. પીડિત પ્રેમીએ પોતાના નિવેદનમાં ખુલાસો કર્યો હતો કે તે સરિતાના ઘરેથી નીકળવા જતો હતો ત્યારે હુમલો થયો હતો.

પીડિત પ્રેમીના નિવેદન બાદ આરોપી પ્રેમિકા સરીતાની અટકાયત કરવામાં આવી છે. પ્રાપ્ત થતી વિગતો અનુસાર, સરીતા ત્રણ બાળકોની માતા છે અને તે થોડા સમય પહેલા તેના પતિથી અલગ થઈ ગઈ હતી. સરીતાને જ્યારે ખબર પડી કે તેના પ્રેમીના લગ્ન અન્ય સ્ત્રી સાથે થવાના છે, ત્યારે સરીતાને આ વાત ગમી નહોતી અને એટલે જ તેણે પોતાના પ્રેમી પર હુમલો કર્યો હતો. 

યુવકની સારવાર કરી રહેલા ડોક્ટર્સે જણાવ્યું કે, એસિડ એટેકના કારણે યુવકની આંખોને સૌથી વધારે નુકસાન થયું છે. આ સિવાય આ યુવક ગળાના ભાગે પણ ગંભીર રીતે દાઝી ગયો છે. અત્યારે હાલ યુવકની હાલત ગંભીર છે.