હવે ટૂંકા વસ્ત્રો પહેરીને ગોવાના મંદિરોમાં નહીં જઈ શકાયઃ નવા વર્ષથી લાગુ કરાશે ડ્રેસ કોડ

મંદિરના વહિવટી તંત્ર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે કે, મંદિર એ ફેશન દર્શાવવાની જગ્યા નથી

Share:

હાઈલાઇટ્સ

  • જે લોકો મંદિરમાં અયોગ્ય કપડા પહેરીને આવે છે તેમને મંદિર સમિતિ દ્વારા છાતી, પેટ અને પગને ઢાંકવા માટે કપડુ આપવામાં આવશે
  • મંદિરોમાં કોઈ ટુરિસ્ટ મર્યાદાનો ભંગ થાય એવા કપડા પહેરીને નહીં આવી શકે

મંદિરોમાં દર્શન દરમિયાન ભક્તોએ કેવા પ્રકારના કપડા પહેરવા જોઈએ તેને લઈને કેટલાય મંદિરો ખૂબજ ઉદાર છે. જો કે, કેટલીક જગ્યાએ આ બાબતે વિવાદ પણ થઈ જાય છે. ત્યારે હવે ગોવાના મંદિરોમાં 1 જાન્યુઆરી 2024 થી તિર્થયાત્રીઓ માટે ડ્રેસ કોડ લાગુ કરી દેવામાં આવશે. ગોવાના મંદિર પ્રબંધનોએ આ મામલે થોડા કડક થવાનો નિર્ણય કર્યો છે. મંદિરના વહિવટી તંત્ર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે કે, મંદિર એ ફેશન દર્શાવવાની જગ્યા નથી. અહીંયા કોઈ ટુરિસ્ટ મર્યાદાનો ભંગ થાય એવા કપડા પહેરીને નહીં આવી શકે. એટલે હવે ટૂંકા વસ્ત્રો પહેરીને કોઈને પણ મંદિરમાં પ્રવેશ અપાશે નહીં. 

આ પ્રકારના કપડા હવે મંદિરમાં નહીં પહેરી શકાય 

ગેવાના શ્રી રામનાથ દેવસ્થાન પોંડાએ કહ્યું છે કે, મંદિરની પવિત્રતા અને સન્માનને જાળવી રાખવા માટે 1 જાન્યુઆરી 2024 થી મંદિરમાં આવનારા તમામ યાત્રીઓ માટે એક પ્રોપર ડ્રેસ કોડ લાગુ કરવામાં આવશએ. શોર્ટ્સ, મિની સ્કર્ટ, મિડી, સ્લીવલેસ ટોપ, લો-રાઈઝ જીન્સ અને નાની ટી-શર્ટ પહેરીને આવનારા લોકોને મંદિરમાં પ્રવેશ નહીં આપવામાં આવે. ટૂંકમાં મંદિરમાં હવે ટૂંકા વસ્ત્રો પહેરીને નહીં જઈ શકાય. ઉલ્લેખનીય છે કે, ગોવા એક વિશ્વપ્રસિદ્ધ પર્યટન સ્થળ છે અને અહીંયા કેટલાય પર્યટકો ટૂંકા કપડા પહેરીને મંદિરોમાં આવે છે. ગોવાના જાણીતા શ્રી મંગેશ દેવસ્થાને જાહેરાત કરી છે કે, નવા વર્ષથી ખૂબજ કડક ડ્રેસ કોડ લાગુ કરી દેવામાં આવશે. એટલે ભક્તોએ યોગ્ય પ્રકારના મર્યાદા જળવાય એવા જ કપડા પહેરીને મંદિરમાં આવવું જોઈએ. 

મંદિર સમિતિ પણ આપશે કપડા 

હવે જે લોકો મંદિરમાં અયોગ્ય કપડા પહેરીને આવે છે તેમને મંદિર સમિતિ દ્વારા છાતી, પેટ અને પગને ઢાંકવા માટે કપડુ આપવામાં આવશે. એટલે દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓને દર્શન માટે કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે.