Gujarat: આકાશી આફત, રાજ્યમાં વીજળી પડવાના કારણે 20 લોકોના મોત

વરસાદના કારણે પાકને નુકસાન થવા ઉપરાંત મોરબીના સિરામીક કારખાના પણ બંધ રાખવા પડ્યા

Share:

Gujarat: રાજ્યમાં કમોસમી વરસાદના કારણે અનેક સ્થળોએ વીજળી પડવાની ઘટનાઓ બની હતી. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના અહેવાલ પ્રમાણે વીજળી ત્રાટકવાથી ગુજરાત (Gujarat)માં કુલ 20 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. 

સ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રવિવારે રાજ્યમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો હતો અને અમદાવાદમાં પણ કડાકા-ભડાકા સાથે વરસાદ પડતા પાણી ભરાયા હોવાના અહેવાલો સામે આવ્યા હતા. ત્યારે રાજ્યમાં માવઠા વચ્ચે વીજળી કહેર બનીને ત્રાટકી છે. 


Gujaratમાં કુદરતનો પ્રકોપ

રાજ્યમાં કમોસમી વરસાદના કારણે વીજળી પડવાથી 20 લોકોના મોત નિપજ્યા હોવાની વિગતો મળી રહી છે અને 50થી વધુ પશુના મૃત્યુ થયા છે. આ ઉપરાંત તુવેર, કપાસ, ગુવાર, કાપેલા ડાંગરના પાકને પણ ભારે નુકસાન થયું છે. લગ્નસરાનો પ્રારંભ થયા છે  ત્યાં જ વરસાદ ત્રાટકતાં પાર્ટી પ્લોટમાં લગ્ન લેનારાઓને તાકીદે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની ફરજ પડી હતી.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના અહેવાલ પ્રમાણે દાહોદ જિલ્લામાં 4, ભરૂચમાં 3, તાપીમાં 2 અને અમદાવાદ, અમરેલી, બનાસકાંઠા, બોટાદ, ખેડા, મહેસાણા, પંચમહાલ, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 1-1 વ્યક્તિનું વીજળી ત્રાટકવાના કારણે મોત થયું છે. 


અમિત શાહની પોસ્ટ

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે રવિવારના રોજ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, એક્સ પરથી પોસ્ટ કરીને ગુજરાત (Gujarat)ના વિવિધ શહેરોમાં ખરાબ હવામાન અને વીજળી પડવાથી થયેલા મૃત્યુઓને લઈ દુઃખ વ્યક્ત કર્યું હતું. 

હવામાન વિભાગની આગાહી પ્રમાણે સોમવારે વરસાદની અસર હળવી થશે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના અહેવાલ પ્રમાણે રવિવારે ગુજરાતના 252 પૈકીના 234 તાલુકાઓમાં ભારે વરસાદ પડ્યો હતો. ઉપરાંત રાજ્યના કેટલાક વિસ્તારોમાં કરા પણ પડ્યા હતા. વરસાદના કારણે પાકને નુકસાન થવા ઉપરાંત મોરબીના સિરામીક કારખાના પણ બંધ રાખવા પડ્યા હતા.

 

વીજળી પડતા 20 લોકોના મોત જેમાં 15  લોકોની ઓળખ થઈ

1) સુરતમાં ડુમસના દરિયા કિનારે 17 વર્ષના તરુણનું મોત
2) દાહોદના ઊરાવાણીયા ગામે 35 વર્ષના યુવાનનું મોત, બાળકી ઘાયલ
3) દેવભૂમિ દ્વારકાના ખંભાળિયાના બારા ગામે 11 વર્ષના બાળકનું મોત, યુવાન ઘાયલ
4) સુરેન્દ્રનગરના ચુડાના ભાણેજડા ગામે એકનું મોત
5) તાપીના સોનગઢના ગુંદી ગામે ખેતરમાં કામ કરતી મહિલા અને એકનું મોત, ખાંભાલા ગામે ખેતીકામ કરતા શ્રમિકનું મોત
6) બનાસકાંઠાના પાંથાવાડાના આરખી ગામે યુવાનનું મોત
7) ભરૂચના હાંસોટમાં માછીમારી કરવા ગયેલા દાદી અને પૌત્રનું મોત
8) અમદાવાદના બાવળાના કાવિઠા ગામે યુવાનનું મોત
9) અમદાવાદમાં વિરમગામના નળકાંઠાના કુમારખાણ ગામે ખેડૂતનું મોત
10) અમદાવાદના ધોલેરાના દેવપુરા ગામે યુવાનનું મોત
11) બનાસકાંઠાના વાવના મોરિખાગામે 6 વર્ષની બાળકીનું મોત
12) અમરેલીન જાફરાબાદના રોહિસા ગામે વીજળી પડતા યુવાનનું મોત
13) બોટાદના બરવાળાના હેબતપુરમાં એકનું મોત
14) મહેસાણામાં કડીના શિયાપુરામાં યુવકનું મોત