હોટલમાં મોડલની ગોળી મારીને હત્યા, લાશને BMWમાં લઈને ફરાર થયો આરોપી, શું છે મામલો?

દિલ્હીને અડીને આવેલા ગુરુગ્રામની એક હોટલમાં મોડલની હત્યાનો મામલો સામે આવ્યો છે. હત્યા કર્યા બાદ આરોપીઓ મૃતદેહને BMWમાં મૂકીને ભાગી ગયા હતા. પોલીસે ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

Share:

હાઈલાઇટ્સ

  • યુવતી મોડલિંગ કરતી હતી. આ ઘટના બાદ વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે
  • આરોપી હત્યા કર્યા બાદ દિવ્યાની લાશને બીએમડબલ્યુમાં લઈને ભાગી ગયો હતો

ગુરુગ્રામની એક હોટલમાં શંકાસ્પદ સંજોગોમાં 27 વર્ષની યુવતીની હત્યાનો મામલો સામે આવ્યો છે. મૃતકની ઓળખ દિવ્યા પહુજા તરીકે થઈ છે. યુવતી મોડલિંગ કરતી હતી. આ ઘટના બાદ વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે. નવાઈની વાત એ છે કે આરોપી દિવ્યાની લાશને બીએમડબલ્યુમાં લઈને ભાગી ગયો હતો. દિવ્યા પહુજા ગેંગસ્ટર સંદીપ ગડોલી એન્કાઉન્ટર કેસમાં પણ મુખ્ય સાક્ષી હતી.

જણાવવામાં આવી રહ્યું છે કે મોડલ દિવ્યા પાહુજા ગુરુગ્રામના બલદેવ નગરની રહેવાસી હતી. આરોપ છે કે હોટલ માલિક અભિજીતે તેના સહયોગીઓ સાથે મળીને દિવ્યાની હત્યા કરી હતી. આ પછી, તેણે મૃતદેહના નિકાલ માટે તેના સહયોગીઓને 10 લાખ રૂપિયા આપ્યા. આ પછી હત્યારા અભિજીતના બે સાથીઓએ મૃતકની લાશને અભિજીતની બ્લુ કલરની BMW DD-03-K-240 કારમાં મૂકી દીધી અને સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.

2 જાન્યુઆરીએ સવારે 4.18 કલાકે અભિજીત એક યુવતી અને અન્ય વ્યક્તિ સાથે હોટલના રિસેપ્શન પર પહોંચ્યો હતો. જ્યાંથી ત્રણેય રૂમ નંબર 111માં ગયા હતા. ત્યારબાદ 2 જાન્યુઆરીએ રાત્રે 10:44 વાગ્યે, અભિજીત અને અન્ય આરોપીઓ દિવ્યાના શરીરને ચાદરમાં લપેટીને ખેંચતા જોવા મળે છે.

BMWમાં સવાર બંને આરોપીઓ દિવ્યાની લાશને ક્યાં લઈ ગયા હતા તે જાણવા ક્રાઈમ બ્રાંચની ઘણી ટીમો પંજાબ અને અન્ય વિસ્તારોમાં દરોડા પાડી રહી છે. જોકે, ગુરુગ્રામ પોલીસ પાસે ઉપલબ્ધ સીસીટીવી ફૂટેજમાં હત્યારા અભિજીત અને અન્ય બે લોકો દેખાઈ રહ્યા છે. છે. મૃતકના પરિવારની ફરિયાદના આધારે ગુરુગ્રામ પોલીસે હોટલ માલિક અભિજીત સિંહ અને અન્ય લોકો વિરુદ્ધ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

તમને જણાવી દઈએ કે દિવ્યા પહુજા ગેંગસ્ટર સંદીપ ગડોલી એન્કાઉન્ટર કેસમાં મુખ્ય સાક્ષી પણ હતી. તેથી, દિવ્યાના પરિવારજનોએ તેની હત્યા પાછળ ગેંગસ્ટર સંદીપ ગડોલીની બહેન સુદેશ કટારિયા અને ગેંગસ્ટરના ભાઈ બ્રહ્મપ્રકાશને જવાબદાર ઠેરવ્યા છે. દિવ્યાના પરિવારે સુદેશ અને બ્રહ્મપ્રકાશ વિરુદ્ધ હત્યાના કાવતરા હેઠળ ફરિયાદ નોંધાવી હતી. આ મામલે ગુરુગ્રામ DCPએ કહ્યું કે, મૃતક દિવ્યા પાહુજાની હત્યામાં સામેલ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ ચાલુ છે.