ટ્રેનો રદ્દ-સ્કૂલો બંધઃ Tamilnadu સહિત ત્રણ રાજ્યો પર વરસાદનું તાંડવ, IMDએ જાહેર કર્યુ અલર્ટ

Tamilnadu Rain: કડકડતી ઠંડી વચ્ચે હવામાન વિભાગે તામિલનાડુ સહિત ત્રણ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા વ્યક્ત કરી છે. બીજી તરફ, પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા થતા દિલ્હી એનસીઆર ઠુઠવાયું છે.

Share:

હાઈલાઇટ્સ

  • તામિલનાડુમાં ભારે વરસાદ બાદ પૂર જેવી સ્થિતિ
  • અનેક ટ્રેનો રદ્દ અને સ્કૂલો પણ બંધ રાખવા આદેશ
  • નાલુમુક્કૂમાં સૌથી વધુ 19 સેમી વરસાદ ખાબક્યો

નવી દિલ્હીઃ દક્ષિણના વિસ્તારો માટે હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે કે, અહીં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે તામિલનાડુ માટે ઓરેન્જ અલર્ટ જારી કર્યુ છે. કેરળ અને લક્ષદ્વીપમાં ભારે વરસાદની શક્યતા પણ વ્યક્ત કરી છે. હવામાન વિભાગની ચેતવણી બાદ સ્ટાલિન સરકારે પ્રભાવિત જિલ્લાઓની સ્કૂલો બંધ રાખવા આદેશ આપ્યો છે. સાથે જ અનેક ટ્રેનો પણ રદ્દ થઈ છે. બીજી તરફ, પહાડી વિસ્તારમાં ભારે હિમવર્ષા થવાથી દિલ્હી એનસીઆર ભારે ઠુઠવાયું છે. 

ઓરેેન્જ અલર્ટ જાહેર
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, 17-18 ડિસેમ્બરના રોજ દક્ષિણ તામિલનાડુમાં ઓરેન્જ અલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. આ પહેલાં રવિવારે કન્યાકુમારી, તિરુનેલવેલી, થૂથુકુડી, તેલકાશી વિસ્તારમાં જોરદાર વરસાદ પડ્યો છે. જેના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. લોકોને પણ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. તામિલનાડુના મોટાભાગના વિસ્તારોમાં હળવો કે ભારે વરસાદ પડી રહ્યો છે. અનેક નીંચાળવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. 

અનેક જિલ્લાઓમાં સ્કૂલો બંધ 
હવામાન વિભાગે કહ્યું છે કે, એક સિસ્ટમ એક્ટિવ થઈ છે અને તે કોમોરિન વિસ્તાર અને આસપાસના વિસ્તારમાં જોવા મળી રહી છે. હવામાન જોતા કન્યાકુમારી, તુતીકોરીન અને તેનકાસીમાં સ્કૂલોમાં રજા આપી દેવામાં આવી છે. પૂર જેવી સ્થિતિ હોવાથી અહીં ખેડૂતોને પાકને નુકસાન થવાની ભીતી છે. કન્યાકુમારી, રામનાથપુરમ, પુદુકોટ્ટઈ, તંજાવુર, તિરુવરુર, નાગાપટ્ટિનમ જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે. તિરુનેલવેલી જિલ્લાના નાલુમુક્કૂમાં સૌથી વધુ 19 સેમી વરસાદ નોંધાયો છે. 

ભારે વરસાદ બાદ અનેક ટ્રેનો રદ્દ 
તામિલનાડુના ચાર જિલ્લામાં ભારે વરસાદ બાદ ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. આ સ્થિતિને જોતા શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવામાં આવી છે. તો કેટલીક ટ્રેનો સંપૂર્ણપણે રદ્દ કરી દેવામાં આવી છે. કારણ કે પૂર આવતા ટ્રેનના પાટા પણ ડૂબી ગયા છે.