UP: હિસ્ટ્રીશીટર નીકળ્યો હોમગાર્ડ જવાન, 19 વર્ષથી પોલીસને આ રીતે બનાવતો હતો મૂર્ખ

દેવરીયામાં પોલીસ દ્વારા ગુનેગારો માટે અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ અભિયાનમાં ચોંકાવનારો ખુલાસો થયો. એક હોમગાર્ડ જવાન જ હિસ્ટ્રીશીટર નીકળ્યો હતો. જે બાદ સમગ્ર પોલીસબેડામાં હાહાકાર મચી ગયો છે.

Share:

હાઈલાઇટ્સ

  • હોમગાર્ડ જવાન પોલીસમાં નોકરી કરી રહ્યો હતો અને કોઈને ખબર ન પડી
  • 19 વર્ષથી તે પોલીસખાતામાં નોકરી કરતો હતો, ગાડી ચલાવતો હતો
  • હિસ્ટ્રીશીટર નીકળતા પોલીસબેડામાં મચી ગયો ખળભળાટ

દેવરીયાઃ યુપીના દેવરીયામાં પોલીસવાળાઓને એક શખસ છેલ્લાં 19 વર્ષથી છેતરી રહ્યો હતો અને કોઈને ગંધ પણ ન આવી. અહીં એક હિસ્ટ્રીશીટર હોમગાર્ડ પોલીસની ડાયલ ગાડી 112 ચલાવી રહ્યો હતો. જ્યારે આ વાતનો ખુલાસો થયો તો પોલીસબેડામાં હડકંપ મચી ગયો હતો. જે બાદ તાત્કાલિક આ હોમગાર્ડના જવાનને હટાવી દેવામાં આવ્યો હતો. આ મામલે તપાસ પણ સોંપી દેવામાં આવી છે. પોલીસ દ્વારા ગુનેગારો માટે અભિયાન ચલાવવામાં આવ્યું હતું. ત્યારે પોલીસ સમક્ષ આ વાતનો ચોંકાવનારો ખુલાસો થયો હતો. 

19 વર્ષથી કરી રહ્યો હતો નોકરી 
પોલીસ દ્વારા ચલાવવામાં આવેલા અભિયાનમાં હોમગાર્ડનો જવાન જ હિસ્ટ્રીશીટર નીકળ્યો હતો. આ હોમગાર્ડ જવાનનું નામ કમલેશ યાદવ છે. જે છલ્લાં 19 વર્ષથી પોલીસમાં નોકરી કરી રહ્યો હતો. તેની ક્રાઈમ કુંડળી વિશે પોલીસખાતાને કાનો કાન પણ જાણ ન થઈ. જ્યારે આ વાતની જાણ એસપી સંકલ્પ શર્માને થઈ તો તેઓએ તાત્કાલિક ધોરણે આ હિસ્ટ્રીશીટરને નોકરીમાંથી હટાવી દીધો હતો. સાથે જ તપાસ પણ કરવામાં આવી રહી છે. 

પોલીસને ગંધ પણ ન આવી 
આરોપી 19 વર્ષથી પોલીસખાતામાં નોકરી કરી રહ્યો હતો. તેમ છતા પોલીસને આ વાતની જાણ ન થઈ કે આ એક હિસ્ટ્રીશીટર છે. આ વાતનો ખુલાસો ત્યારે થયો કે જિલ્લા પોલીસ દ્વારા પોલીસ સ્ટેશનોમાં અભિયાન ચલાવવામાં આવ્યું હતું. જેમાં હિસ્ટ્રીશીટર્સનું ફિજિકલ વેરિફિકેશન કરવાનું હતું. આ સ્થિતિમાં પોલીસકર્મીઓ તમામ હિસ્ટ્રીશીટર્સની શોધખોળ કરવા લાગ્યા. આ દરમિયાન હોમગાર્ડનો અસલી ચહેરો સામે આવી ગયો. 

આવા ગંભીર ગુનાઓમાં સામેલ 
આરોપી કમલેશ કરજહા ગામનો રહેવાસી છે. તેના પર બરહજ પોલીસ સ્ટેશનમાં અનેક ગુનાઓ નોંધાયેલા છે. જેમાં હત્યાનો પ્રયાસ અને અપહરણ જેવા ગંભીર ગુનાઓ પણ સામેલ છે. તે 2004થી હોમગાર્ડ તરીકે નોકરી કરી રહ્યો હતો. પરંતુ તેની વિરદ્ધમાં 2005માં ગુનાઓ નોંધાયા હતા. કમલેશની હિસ્ટ્રરીશીટ 2006માં ખોલવામાં આવી હતી. ત્યારે હવે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.