Imphal Airport: વાયુસેનાએ UFO શોધવા માટે 2 રાફેલ જેટ્સ તૈનાત કરાયા

સંબંધિત એજન્સીઓ વિગતો જાણવાનો પ્રયાસ કરી રહી છે કારણ કે ઈમ્ફાલ એરપોર્ટ પર UFOનો વીડિયો સામે આવ્યો છે

Courtesy: Image: Twitter

Share:

 

Imphal Airport: ઈમ્ફાલના એરપોર્ટ પાસે અનઆઈડેન્ટિફાઈડ ફ્લાઈંગ ઓબ્જેક્ટ (UFO) દેખાયા બાદ દેશભરમાં તેને લઈ ચર્ચા જામી છે. ત્યારે વાયુ સેનાએ તેમને શોધવા માટે 2 રાફેલ ફાઈટર પ્લેન તૈનાત કર્યા છે. આ સિવાય એર ડિફેન્સ સિસ્ટમ પણ તરત જ સક્રિય થઈ ગઈ હતી. જોકે, અત્યાર સુધીની તપાસમાં એરફોર્સને કશું જ હાથ નથી લાગ્યું. 

Imphal Airport 4 કલાક બંધ

મણિપુરના ઈમ્ફાલ એરપોર્ટ વિસ્તારમાં રવિવારે UFO જોવા મળ્યા બાદ હંગામો મચી ગયો હતો. ત્યાર બાદ ઈમ્ફાલ એરપોર્ટ પર એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું જેથી 4 કલાક સુધી એરપોર્ટ બંધ રહ્યું હતું. એલર્ટને પગલે 2 ફ્લાઈટ ડાયવર્ટ કરવામાં આવી હતી અને 3 ફ્લાઈટ મોડી પડી હતી. ઈમ્ફાલના વીર ટિકેન્દ્રજીત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બનેલી આ ઘટના બાદ સુરક્ષા અધિકારીઓ એલર્ટ પર છે.

 

ઈમ્ફાલ એરપોર્ટ (Imphal Airport) પરથી યુએફઓ અંગેની માહિતી મળ્યા બાદ એરફોર્સના ઈસ્ટર્ન કમાન્ડે 2 રાફેલ મોકલ્યા હતા. જોકે તપાસમાં આકાશમાં ક્યાંય કોઈ પદાર્થ દેખાયો નહોતો. પશ્ચિમ બંગાળના હાશિમારા એરબેઝ પર રાફેલ ફાઈટર પ્લેન તૈનાત કરવામાં આવ્યું છે. તે ચીન બોર્ડર પાસે સ્થિત અનેક એરફોર્સ બેઝ પરથી ઉડતું રહે છે.

 

એરફોર્સે 19 નવેમ્બરના રોજ જોવા મળેલા યુએફઓ કેસમાં એર ડિફેન્સ સિસ્ટમને સક્રિય કરવાની પુષ્ટિ પણ કરી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે, યુએફઓના વીડિયો પણ છે જેને સંબંધીત એજન્સીઓ જાણવાનો પ્રયાસ કરી રહી છે. જોકે સંપૂર્ણ તપાસ બાદ ઈમ્ફાલ એરપોર્ટને ફ્લાઈટ ઓપરેશન માટે ક્લિયરન્સ આપવામાં આવ્યું હતું.

રાફેલ દ્વારા તપાસ

સંરક્ષણ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે, ઈમ્ફાલ એરપોર્ટ (Imphal Airport) નજીક UFO વિશે માહિતી મળ્યા બાદ તરત જ નજીકના એરબેઝ પરથી એક રાફેલ ફાઈટર એરક્રાફ્ટને તેની શોધ કરવા માટે મોકલવામાં આવ્યું હતું. 

 

મોર્ડન સેન્સરથી સજ્જ વિમાને UFO શોધવા માટે શંકાસ્પદ વિસ્તાર પર ખૂબ જ નીચી ઉંચાઈએ ઉડાન ભરી હતી પરંતુ ત્યાંથી કોઈ પણ અજાણ્યા વિમાન કે યાન કે પછી કોઈ જાતના પુરાવા મળ્યા નહોતા.

 

પ્રથમ એરક્રાફ્ટ પરત આવ્યા પછી ફરીથી ચેક કરવા માટે અન્ય રાફેલ ફાઈટર એરક્રાફ્ટ મોકલવામાં આવ્યું હતું. તેણે પણ શોધખોળ કરી હતી પરંતુ આજુબાજુ કોઈ પણ જગ્યાએ UFO દેખાયું નહોતું. જોકે ભારતીય વાયુ સેનાના પૂર્વી કમાન્ડે તાત્કાલિક પોતાનું એર ડિફેન્સ રિસ્પોન્સ મિકેનિઝમ ચાલુ કરી દીધું છે. 

 

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સંબંધિત એજન્સીઓ UFOની વિગતો જાણવાનો પ્રયાસ કરી રહી છે કારણ કે ઈમ્ફાલ એરપોર્ટ પર UFOનો વીડિયો સામે આવ્યો છે.