G20 virtual Summit: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે G20 વર્ચ્યુઅલ સમિટ (G20 virtual Summit)માં ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે આજના આર્ટીફિશ્યલ ઈન્ટેલિજન્સ (AI)ના યુગમાં ટેકનોલોજીનો ઉપયોગ જવાબદાર રીતે કરવાની જરૂર છે.
સમગ્ર વિશ્વમાં AIના નકારાત્મક ઉપયોગ અંગે ચિંતા વધી રહી છે. તેમણે કહ્યું કે ભારતનો સ્પષ્ટ વિચાર છે કે આપણે AIના વૈશ્વિક રેગ્યુલેશન પર સાથે મળીને કામ કરવું જોઈએ.
પીએમ મોદીએ G20 વર્ચ્યુઅલ સમિટ (G20 virtual Summit)માં કહ્યું હતું કે, "ડીપફેક સમાજ, વ્યક્તિ માટે એટલો જોખમી છે કે આપણે તેની ગંભીરતા સમજીને આગળ વધવું પડશે. તેમણે કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે AI લોકો સુધી પહોંચે પરંતુ તે સમાજ માટે સલામત હોવું જોઈએ. તેમણે કહ્યું હતું કે આ અભિગમ સાથે ભારતમાં આગામી મહિને ગ્લોબલ AI પાર્ટનરશિપ સમિટનું આયોજન કરવામાં આવી રહ્યું છે."
પીએમ મોદીએ કહ્યું કે જ્યારે મેં G20 વર્ચ્યુઅલ સમિટ (G20 virtual Summit)નો પ્રસ્તાવ મુક્યો હતો ત્યારે મને ખ્યાલ ન હતો કે આજે વૈશ્વિક સ્થિતિ કેવી હશે. પશ્ચિમ એશિયા ક્ષેત્રમાં અસ્થિરતા અને અસુરક્ષાની સ્થિતિ આપણા બધા માટે ચિંતાનો વિષય છે. આજે આપણા બધાનું એક સાથે આવવું એ વાતનો સંકેત છે કે આપણે બધા મુદ્દાઓ પ્રત્યે સંવેદનશીલ છીએ અને તેના સમાધાન માટે સાથે ઉભા છીએ.
પીએમ મોદીએ કહ્યું કે અમારું માનવું છે કે આતંકવાદ આપણે બધાને અસ્વીકાર્ય છે. નાગરિકોના મોત ગમે ત્યાં થાય તે નિંદનીય છે. આજે આવેલા બંધકોને છોડવાના સમાચારને આવકારીએ છીએ. માનવીય સહાય સમયસર અને સતત પહોંચે તે આવશ્યક છે.
ઈઝરાયલ અને હમાસ વચ્ચેની લડાઈ કોઈ પણ પ્રકારનું ક્ષેત્રીય સ્વરૂપ ધારણ ન કરે તે પણ જરૂરી છે. 21મી સદીનાં વિશ્વએ આગળ વધતા ગ્લોબલ સાઉથની ચિંતાઓને પ્રાથમિકતા આપવી પડશે. ગ્લોબલ સાઉથના દેશો ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યા છે.
G20 વર્ચ્યુઅલ સમિટ (G20 virtual Summit) પહેલા ભાજપના દિવાળી મિલન કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું હતું કે AIનો ઉપયોગ કરીને ડીપફેક બનાવવું ચિંતાજનક છે. તેમણે કહ્યું હતું કે ડીપફેક ભારત સામે સૌથી મોટો ખતરો છે, તેનાથી અરાજકતા થઈ શકે છે. તેમણે મીડિયાને અપીલ કરી હતી કે તેઓ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને ડીપફેક વિશે લોકોને જાગૃત કરે.
હાલમાં જ સોશિયલ મીડિયા પર અભિનેત્રી રશ્મિકા મંદાનાનો એક ડીપફેક વીડિયો ઈન્ટરનેટ પર ઘણો વાયરલ થયો હતો. આ વીડિયોમાં રશ્મિકાના ચહેરાને અન્ય મહિલાના શરીર પર મોર્ફ કરવામાં આવ્યો હતો. જ્યારે ઓરિજિનલ વીડિયોમાં દેખાતી મહિલા બ્રિટિશ-ઈન્ડિયન અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર ઝારા પટેલ હતી.