કોંગ્રેસની હારથી વિપક્ષી એકતાનો ખેલ ખતમ થઈ રહ્યો છે! 2019 જેવા જ થશે હાલ?

તાજેતરમાં થયેલી વિધાનસભાની ચૂંટણીઓમાં તેલંગાણાને છોડી બાકી તમામ રાજ્યોમાં કોંગ્રેસની હારને કારણે વિપક્ષી એકતાનો આખો ખેલ ખતમ થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. કોંગ્રેસ તરફ વિપક્ષી પાર્ટીઓનું વધતું આકર્ષણ એક જ ઝાટકે ખતમ થતું જોવા મળી રહ્યું છે.

Share:

હાઈલાઇટ્સ

  • વિપક્ષી ગઠબંધન I.N.D.I.A.ના નેતાઓની બેઠક મોકૂફ રાખવામાં આવી
  • મમતા બેનર્જી, અખિલેશ યાદવને મીટિંગની ખબર જ નથી, નીતિશ કુમાર બીમાર

નેશનલ ડેસ્ક: વિપક્ષી ગઠબંધન I.N.D.I.A.ના મોટા નેતાઓની આવતીકાલની બેઠક સ્થગિત કરવામાં આવી છે. કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા અનુસાર, વિપક્ષી ગઠબંધન 'I.N.D.I.A'ના કેટલાક ઘટક પક્ષોના મુખ્ય નેતાઓ વચ્ચે સમય ન મળવાને કારણે 6 ડિસેમ્બરે બુધવારે યોજાનારી બેઠક મોકૂફ રાખવામાં આવી હતી. હાલમાં મહાગઠબંધનની 'અનૌપચારિક સંકલન બેઠક' થશે. જેમાં પક્ષોના સંસદીય દળના નેતાઓ સામેલ થશે. અગાઉ, 6 ડિસેમ્બરે યોજાનારી I.N.D.I.A ગઠબંધનની બેઠક પર, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું હતું કે 'મને આ વિશે જાણ નથી અને મારી પાસે ઉત્તર બંગાળ માટે કેટલાક કાર્યક્રમો નક્કી છે.'

બીજી તરફ સમાજવાદી પાર્ટી (SP)ના પ્રવક્તા રાજેન્દ્ર ચૌધરીએ ​​સ્પષ્ટપણે કહ્યું કે, પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવની બુધવારે દિલ્હીમાં યોજાનારી I.N.D.I.A બેઠકમાં હાજરી આપવાની કોઈ યોજના નથી. ચૌધરીએ કહ્યું કે 'રાષ્ટ્રીય અધ્યક્ષનો આવતીકાલે ઈન્ડિયા એલાયન્સની બેઠકમાં હાજરી આપવાનો કોઈ કાર્યક્રમ નથી. પાર્ટીના ચીફ જનરલ સેક્રેટરી પ્રોફેસર રામ ગોપાલ યાદવ અથવા રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા અધિકૃત અન્ય કોઈ નેતા આ બેઠકમાં હાજરી આપશે.' જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું ચાર રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદ અખિલેશ યાદવ માટે બેઠકમાં ન આવવાનું નિશ્ચિત હતું? ત્યારે SP પ્રવક્તાએ જણાવ્યું હતું કે મીટિંગ વિશે અગાઉથી કોઈ માહિતી નહોતી.

ઉલ્લેખનીય છે કે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો વચ્ચે 6 ડિસેમ્બરે દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરે વિરોધ પક્ષોના 'I.N.D.I.A' ગઠબંધનના નેતાઓની બેઠક બોલાવવામાં આવી હતી. તાજેતરની વિધાનસભા ચૂંટણીના પરિણામોની જાહેરાત પછી સપાના વડા અખિલેશ યાદવે સોમવારે કહ્યું હતું કે તેઓ પરિણામોથી નિરાશ નથી. તેમણે આશા વ્યક્ત કરી હતી કે આગામી લોકસભા ચૂંટણીમાં પરિણામો અલગ આવશે. જો કે, સપાના વડાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભાજપ જેવા 'મોટા પક્ષ' સામે લડવા માટે વિરોધ પક્ષોએ ઘણી તૈયારી કરવી પડશે.

2019 જેવા જ થશે વિપક્ષી એકતાના હાલ

વિપક્ષી એકતાના સૂત્રધાર નીતિશ કુમાર એક સપ્તાહથી બીમાર છે. તેઓ કઇ બીમારીથી પીડિત છે તે અંગે હજુ સુધી કોઇ નક્કર માહિતી બહાર આવી નથી, પરંતુ હાલમાં જે રીતે તેઓ સરકારી કામકાજથી દૂર રહ્યા છે તે જોતા લાગે છે કે તેઓ ભાગ્યે જ બેઠકમાં હાજર રહી શકશે. ડૉક્ટરોએ પણ તેમને સારવાર અને આરામની સલાહ આપી છે. નોંધનીય છે કે, ભાજપને સત્તા પરથી હટાવવા માટે વિપક્ષી એકતાના જે પ્રકારનો પ્રયાસ અત્યારે જોવા મળ્યો છે, તેવો જ પ્રયાસ 2019માં પણ કરવામાં આવ્યો હતો. ચંદ્રબાબુ નાયડુ, જેઓ તે સમયે નીતિશની જેમ સીએમ હતા, તેમણે વિપક્ષી એકતાનું નેતૃત્વ કર્યું હતું. પરંતુ ચૂંટણી આવી ત્યાં સુધીમાં વિપક્ષી એકતા તૂટી ગઈ હતી.