ભારતે માર્યો માસ્ટર સ્ટ્રોકઃ આતંકી માસ્ટર માઈન્ડ હાફીઝ સઈદ સોંપવા પાકિસ્તાન પર દબાણ

હાફીઝ સઈદ જ્યાં એક વૈશ્વિક આતંકી જાહેર છે, ત્યાં જ પાકિસ્તાનમાં તેની પાર્ટીને ચૂંટણી લડવાની મંજૂરી મળી છે

Share:

હાઈલાઇટ્સ

  • હાફીઝ સઈદ ભારતમાં થયેલા 26/11 ના હુમલાનો માસ્ટરમાઈન્ડ છે
  • ભારતની આ પ્રત્યાર્પણની માંગથી પાકિસ્તાનની સરકાર ભયંકર રીતે ફસાઈ શકે છે

લશ્કરથી લઈને જૈશ જેવા આંતકીઓને આશરો આપતા અને પાળતા પાકિસ્તાન સામે હવે ભારતે એક મોટી માંગ કરી છે. ભારત સરકારે પાકિસ્તાનને કહ્યું છે કે, લશ્કર એ તૈયબાના સંસ્થાપક અને ભારતમાં કેટલાય આતંકી હુમલા કરાવનારા હાફીઝ સઈદને ભારતને સોંપી દેવામાં આવે. ભારતે પાકિસ્તાન સામે હાફીઝ સઈદના પ્રત્યાર્પણની માંગ કરી છે. પાકિસ્તાની મીડિયાએ દાવો કર્યો છે કે, ભારતે કહ્યું છે કે, હાફીઝ સઈદ પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાનો માસ્ટર માઈન્ડ છે. આ મામલે મોદી સરકારે પાકિસ્તાનના વિદેશ મંત્રાલય સામે એક ઔપચારિક આવેદન પણ આપ્યું છે. ભારતની આ માંગને લઈને પાકિસ્તાનની સરકાર હવે ભયંકર રીતે ફસાઈ ગઈ છે. 

ભારતે આ માંગ એવા સમયે કરી છે કે જ્યારે પાકિસ્તાનમાં યોજાનારી આગામી ચૂંટણીમાં હાફીઝ સઈદની પાર્ટીએ દેશની તમામ સીટો પર પોતાના ઉમેદવારો ઉતારવાની જાહેરાત કરી છે. હાફીઝ સઈદ 26/11 ના હુમલાનો માસ્ટરમાઈન્ડ છે. સંયુક્ત રાષ્ટ્રએ પણ હાફીઝ સઈદને આતંકવાદી જાહેર કર્યો છે. ત્યારે ભારતની આ પ્રત્યાર્પણની માંગથી પાકિસ્તાનની સરકાર ભયંકર રીતે ફસાઈ શકે છે. પાકિસ્તાને તાજેતરમાં જ આરોપ લગાવ્યો હતો કે, ભારત તેના દેશમાં ટીટીપીના આતંકી હુમલાઓને વેગ આપી રહ્યું છે. 

હાફીઝ સઈદ જ્યાં એક વૈશ્વિક આતંકી જાહેર છે, ત્યાં જ પાકિસ્તાનમાં તેની પાર્ટીને ચૂંટણી લડવાની મંજૂરી મળી છે. 8 ફેબ્રુઆરી 2024 ના રોજ પાકિસ્તાનમાં થનારી ચૂંટણી માટે હાફીઝ સઈદની પાર્ટીએ પ્રત્યેક રાષ્ટ્રીય અને પ્રાંતીય વિધાનસભા સીટ પર પોતાના ઉમેદવારોને ઉભા રાખ્યા છે. સૌથી મહત્વની વાત એ છે કે, હાફીઝનો દીકરો તલ્હા સઈદ પણ ચૂંટણી લડવા જઈ રહ્યો છે અને તે લાહોર સીટ પરથી ચૂંટણી લડશે તેવી શક્યતાઓ છે. અમેરિકાએ હાફીઝ સઈદ પર 1 કરોડ ડોલરનું ઈનામ જાહેર કર્યું છે. ત્યારે આવામાં ભારતની માંગથી પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય મોરચે ફસાઈ જશે, એ વાત નિશ્ચીત છે.