ફરી ડરાવી રહ્યો છે Coronavirus: દેશમાં છેલ્લા 24 કલાકમાં 335 નવા કેસ મળ્યા, 5નાં મોત

ભારતમાં રવિવારે કોરોના વાયરસના 335 નવા કેસ નોંધાયા હતા. આ પછી, સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા વધીને 1,701 થઈ ગઈ છે.

Share:

હાઈલાઇટ્સ

  • કેરળમાં કોરોના સંક્રમણને કારણે ચાર લોકોના મોત થયા
  • ઉત્તર પ્રદેશમાં એક વ્યક્તિએ કોવિડથી જીવ ગુમાવ્યો છે

ભારતમાં ફરી એકવાર કોરોનાના કેસ વધી રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, રવિવારે કોવિડ-19ના 335 નવા દર્દીઓ મળી આવ્યા હતા. આ સાથે સક્રિય કેસની સંખ્યા વધીને 1,701 થઈ ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ, કોરોના સંક્રમણને કારણે એક દિવસમાં 5 લોકોએ જીવ ગુમાવ્યો છે. જેમાંથી 4 દર્દી કેરળના અને એક ઉત્તર પ્રદેશનો હતો. જણાવી દઈએ કે, કેરળમાં કોરોનાના નવા સબ-વેરિઅન્ટ JN.1ના કેસ નોંધાયા છે.

દેશમાં કુલ કોવિડ કેસલોડ 4.50 કરોડ હતો. સંક્રમણમાંથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 4.46 કરોડ થઈ ગઈ છે. આરોગ્ય મંત્રાલયનું કહેવું છે કે રાષ્ટ્રીય રિકવરી રેટ 98.81 ટકા હોવાનો અંદાજ છે. જ્યારે કોવિડ-19ને કારણે અત્યાર સુધીમાં 5,33,316 લોકોના મોત થયા છે અને આ કેસમાં મૃત્યુદર 1.19 ટકા છે.

રસીકરણ વિશે વાત કરીએ તો, સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઇટ પર ઉપલબ્ધ ડેટા અનુસાર, દેશમાં અત્યાર સુધીમાં કોવિડ -19 રસીના 220.67 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. કેરળમાં કોવિડ સબ-વેરિઅન્ટ JN.1 ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR)ના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે કેરળની 79 વર્ષીય મહિલામાં COVID-19 સબ-વેરિઅન્ટ JN.1 નો કેસ મળી આવ્યો છે.

ICMRના મહાનિર્દેશક ડૉ. રાજીવ બહલે કહ્યું કે આ કેસ 8 ડિસેમ્બરે દક્ષિણ રાજ્યના તિરુવનંતપુરમ જિલ્લાના કારાકુલમમાંથી RT-PCR પોઝિટિવ સેમ્પલમાં મળી આવ્યો હતો. 'સેમ્પલ 18 નવેમ્બરે RT-PCR પોઝિટિવ હોવાનું જણાયું હતું. મહિલામાં ઈન્ફલ્યુએન્ઝા જેવી બીમારી (ILI)ના હળવા લક્ષણો હતા અને હવે તે કોવિડ-19માંથી સ્વસ્થ થઈ ગઈ છે.' કેરળના આરોગ્ય પ્રધાન વીણા જ્યોર્જે રવિવારે જણાવ્યું હતું કે રાજ્યમાં જોવા મળતો COVID-19 સબ-વેરિયન્ટ JN.1 ચિંતાનું કારણ નથી. નવા વેરિઅન્ટ વિશે મીડિયા સાથે વાત કરતાં તેમણે કહ્યું કે, મહિનાઓ પહેલા સિંગાપોર એરપોર્ટ પર સ્ક્રિનિંગ કરાયેલા ભારતીય પ્રવાસીઓમાં સબ-વેરિઅન્ટ જોવા મળ્યો હતો.

કેરળ દ્વારા જીનોમ સિક્વન્સિંગની ઓળખ કરવામાં આવી છે. ચિંતા કરવાની જરૂર નથી. પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે. જો કે, રાજ્યના આરોગ્ય પ્રધાને લોકોને સતર્ક રહેવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે જે લોકોને અન્ય ગંભીર બીમારીઓ છે તેઓએ વધુ સાવચેત રહેવું જોઈએ.