'નહેરુ ન હોત તો ભારત શ્રીનગર પણ....', કોંગ્રેસનો અમિત શાહને વળતો જવાબ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે ગૃહમાં જમ્મુ-કાશ્મીર પર તત્કાલીન નેહરુ સરકારની ખોટી નીતિઓનો ઉલ્લેખ કર્યો હતો. અમિત શાહના આ નિવેદન પર કોંગ્રેસના નેતાઓ દ્વારા તીખી પ્રતિક્રિયાઓ આવી છે.

Share:

હાઈલાઇટ્સ

  • અમિત શાહે કાશ્મીરને લઈને પૂર્વ વડાપ્રધાન પર ટિપ્પણી કરી
  • કોંગ્રેસે અમિત શાહ પર પ્રહાર કરતો વળતો જવાબ આપ્યો છે

ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ વિરુદ્ધ કરેલી ટિપ્પણીને લઈને કોંગ્રેસે બુધવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પર નિશાન સાધ્યું હતું. શાહે સંસદમાં કહ્યું હતું કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) જવાહરલાલ નહેરુની 'ભૂલ'ના કારણે અસ્તિત્વમાં આવ્યું છે. જો કે, કોંગ્રેસે શાહની ટિપ્પણીને 'ખોટી' ગણાવી છે. શાહે દાવો કર્યો હતો કે જ્યારે ભારતીય સેના જીતી રહી હતી ત્યારે નહેરુએ યુદ્ધવિરામની ઘોષણા કરવાનો નિર્ણય કર્યો હતો. દાવાના જવાબમાં કોંગ્રેસે કહ્યું કે બંને સેનાઓ વચ્ચે સંઘર્ષ વિરામની જરૂર હતી. કોંગ્રેસે એવો પણ દાવો કર્યો હતો કે યુદ્ધવિરામનો નિર્ણય તત્કાલિન આર્મી ચીફની સલાહના આધારે લેવામાં આવ્યો હતો.

કોંગ્રેસના નેતા મનીષ તિવારીએ કહ્યું કે, 'મને ખબર નથી કે ગૃહમંત્રીની માહિતીનો સોર્સ શું છે પરંતુ ઐતિહાસિક રીતે કહીએ તો ભારતના તત્કાલિન વડાપ્રધાનને ભારતીય સેનાના તત્કાલીન કમાન્ડર ઇન ચીફ જનરલ રોય બુચર દ્વારા લશ્કરી સલાહ આપવામાં આવી હતી. સલાહ એ હતી કે પાકિસ્તાન સાથે યુદ્ધ મડાગાંઠ બની ગયું હતું અને તેથી યુદ્ધવિરામ ફરજિયાત બની ગયું હતું. આ નિર્ણય તત્કાલિન નહેરુ કેબિનેટ દ્વારા લેવામાં આવ્યો હતો અને તેમણે એકલાએ લીધો ન હતો, તે કેબિનેટનો નિર્ણય હતો.'

કોંગ્રેસના નેતા પ્રમોદ તિવારીએ પણ કહ્યું કે, જો નહેરુએ બુદ્ધિમતા ન વાપરી હોત તો ભારતે શ્રીનગર ગુમાવ્યું હોત. તેમણે કહ્યું કે, જવાહરલાલ નેહરુને ગાળો આપવી અને ખોટી હકીકતો રજૂ કરવી એ ભાજપની આદત બની ગઈ છે... તમે આજે કંઈ પણ કહી શકો કારણ કે જવાહરલાલ નહેરુ જવાબ આપવા માટે અહીં નથી. જો જવાહરલાલ નહેરુએ તેમની બુદ્ધિમત્તા અને પ્રયત્નો ન વાપર્યા હોત તો આપણી પાસે શ્રીનગર ન હોત.'

આ ઉપરાંત ફારૂક અબ્દુલ્લાએ પણ દાવો કર્યો હતો કે ભારતે પુંછ અને રાજૌરી પણ ગુમાવ્યું હોત. તેમણે કહ્યું, તે સમયે પુંછ અને રાજૌરીને બચાવવા માટે સેનાને વાળવામાં આવી હતી. જો આમ ન થયું હોત તો પુંછ અને રાજૌરી પણ પાકિસ્તાન ગયા હોત... બીજો કોઈ રસ્તો ન હતો. લોર્ડ માઉન્ટબેટન અને સરદાર વલ્લભભાઈ પટેલે પણ તેને સંયુક્ત રાષ્ટ્રમાં લઈ જવાની સલાહ આપી હતી.

શાહે જણાવી નહેરુની બે ભૂલ
લોકસભામાં શાહે કાશ્મીરમાં છેલ્લા 70 વર્ષથી ચાલી રહેલી સમસ્યાઓ માટે નહેરુની બે ભૂલોને જવાબદાર ગણાવી હતી. જમ્મુ અને કાશ્મીર આરક્ષણ (સુધારા) બિલ 2023 અને જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન (સુધારા) બિલ 2023 પર ગૃહમાં ચર્ચાના જવાબમાં તેમણે કહ્યું કે નેહરુની બે ભૂલો- 1947માં આઝાદી પછી તરત જ પાકિસ્તાન સાથે યુદ્ધ સમયે સંધર્ષ વિરામ અને જમ્મુ અને કાશ્મીરનો મુદ્દો સંયુક્ત રાષ્ટ્રમાં લઈ જવાની હતી.