તેલંગાણા: ઇન્ડિયન એરફોર્સનું વિમાન ક્રેશ થતાં 2 પાયલોટના મોત, કેવી રીતે બની દુર્ઘટના?

હૈદરાબાદથી લગભગ 60 કિમી દૂર તેલંગાણાના મેડક જિલ્લાના તુપરાન પાસે આજે એક તાલીમાર્થી વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.

Share:

હાઈલાઇટ્સ

  • હૈદરાબાદથી ટેકઓફ થયેલું એરફોર્સનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત, 2 પાયલોટના મોત
  • ઇન્ડિયન એરફોર્સનું વિમાન ટ્રેનિંગ માટે ટેકઓફ થયું હતું, અધવચ્ચે બની દુર્ઘટના

નેશનલ ડેસ્ક: તેલંગાણાથી ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સોમવારે ઇન્ડિયન એરફોર્સનું એક ટ્રેનર વિમાન દુર્ઘટનાનો શિકાર બન્યું હતું, જેમાં બે પાયલોટના મોતના સમાચાર છે. ખુદ ઇન્ડિયન એરફોર્સે આ માહિતી આપી છે. ભારતીય વાયુસેનાના અધિકારીઓના જણાવ્યા અનુસાર પીલાટસ પ્રશિક્ષણ વિમાન તેલંગાણાના ડિંડીગુલમાં એરફોર્સ એકેડમીમાં સવારે 8.55 વાગ્યે દુર્ઘટનાનો શિકાર બન્યું હતું. 

વિમાન ક્રેશ દુર્ઘટનામાં બે પાયલોટના મોત

અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ દુર્ઘટનામાં બે પાયલોટના મોત થયા છે. જેમાંથી એક ઈન્સ્ટ્રક્ટર અને બીજો વાયુસેનાનો કેડેટ હતો. Pilatus PC7 Mk 2 એરક્રાફ્ટ સવારે વાયુસેના એકેડેમીથી નિયમિત તાલીમ માટે રવાના થયું હતું, પરંતુ રસ્તામાં તે અકસ્માતનો ભોગ બન્યું અને ક્રેશ થઈ ગયું. અધિકારીઓએ જણાવ્યું કે આ દુર્ઘટનામાં બીજી કોઈ જાનહાનિ થઈ નથી.

રક્ષા મંત્રીએ વ્યક્ત કર્યો શોક, ઈન્કવાયરીનો આદેશ

હૈદરાબાદમાં થયેલા વિમાન દુર્ઘટના પર શોક વ્યક્ત કરતા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે, "હૈદરાબાદ પાસે દુર્ઘટનાના સમાચાર જાણીને દુઃખ થયું. બે પાયલટોએ જીવ ગુમાવ્યા તે ખૂબ જ દુઃખદ છે. દુઃખની આ ઘડીમાં શોકગ્રસ્ત પરિવારો પ્રત્યો મારી સંવેદના છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ મામલે કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ આપવામાં આવ્યો છે, જેમાં દુર્ઘટનાનું કારણ શું હતું તે જાણવામાં આવશે.