અંતરિક્ષમાં દેખાશે ભારતની તાકાતઃ ISRO સ્પેસમાં મોકલશે મહિલા રોબોટ

આ મિશન અંતર્ગત સ્પેસક્રાફ્ટ અંતરિક્ષમાં મોકલવામાં આવશે. જો કે, આને ભારતના પહેલા માનવ મિશનના રિહર્સલ તરીકે મોકલવામાં આવી રહ્યું છે.

Share:

હાઈલાઇટ્સ

  • ઈસરો મહિલા રોબોટ અંતરિક્ષ યાત્રી "વ્યોમમિત્ર" ને સ્પેસમાં મોકલશે
  • આ મિશન દ્વારા ઈસરો ઉંડા સમુદ્રના સંસાધનો વિશે માહિતી મેળવશે

ચંદ્રયાન - 3 મિશનની અપાર સફળતા બાદ હવે ISRO સતત સફળતાના નવા શિખરો સર કરવાના કામમાં લાગી છે. સૌથી પહેલા ઈસરોએ સૂર્ય મિશન માટે આદિત્ય L-1 નું લોન્ચિંગ કર્યું. તો હવે ઈસરોનું ફોકસ માનવ મિશન ગગનયાન પર છે. આ મિશન અંતર્ગત સ્પેસક્રાફ્ટ અંતરિક્ષમાં મોકલવામાં આવશે. જો કે, આને ભારતના પહેલા માનવ મિશનના રિહર્સલ તરીકે મોકલવામાં આવી રહ્યું છે. ગગનયાન મિશનની તૈયારી ઈસરો લાંબા સમયથી કરી રહ્યું છે. 

આ કડીમાં એક સ્પેસક્રાફ્ટના માધ્યમથી મહિલા રોબોટ વ્યોમમિત્રને સ્પેસમાં મોકલવાની તૈયારી કરવામાં આવી રહી છે. વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી ડો. જિતેન્દ્ર સિંહે કહ્યું કે, ભારત માનવ મિશન પહેલા એક મહિલા રોબોટ અંતરિક્ષ યાત્રી વ્યોમમિત્રને અંતરિક્ષમાં મોકલશે. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે આની જાણકારી મીડિયાને આપી હતી. ઈસરો પોતાના આ મહત્વપૂર્ણ મિશન માટે તૈયાર છે. 

ઈસરો વર્ષ 2024માં આ મહિલા રોબોટ અંતરિક્ષ યાત્રી "વ્યોમમિત્ર" ને સ્પેસમાં મોકલશે. તો આ સિવાય અંતરિક્ષની સાથે-સાથે સમુદ્રમાં પણ ભારતની તાકાત વધારવા માટે ઈસરોએ ડીપ-સી મિશનની તૈયારીઓ શરૂ કરી છે. જે આવતા ત્રણથી ચાર વર્ષમાં પૂર્ણ થશે. આ મિશન દ્વારા ઈસરો ઉંડા સમુદ્રના સંસાધનો વિશે માહિતી મેળવશે. જેનાથી ન માત્ર અંતરિક્ષમાં, પરંતુ સમુદ્રના પેટાળમાં પણ ભારતની તાકાત વધશે.   

ડો. સિંહે જાહેરાત કરી કે ભારતનું અંતરિક્ષ ક્ષેત્ર તેજીથી વિકાસના પથ પર છે અને કહ્યું કે, દેશની અંતરિક્ષ અર્થવ્યવસ્થા કે જેનું મૂલ્ય અત્યારે માત્ર $8 છે તે 2040 સુધીમાં $40 સુધી પહોંચવાનું અનુમાન છે. તેમણે અંતરિક્ષ સ્ટાર્ટઅપમાં ખાનગી રોકાણને આકર્ષિત કરવા માટે કરવામાં આવેલી મહત્વપૂર્ણ પ્રગતિ પર જોર આપ્યું. 

ડો. સિંહે કહ્યું કે, ISROએ ઉપગ્રહ લોન્ચિંગ દ્વારા વિદેશી આવક મેળવવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી છે. અત્યારસુધીમાં ISRO દ્વારા 430 થી વધારે વિદેશી ઉપગ્રહ લોન્ચ કરવામાં આવ્યા છે. આનાથી મહત્વપૂર્ણ આવક થઈ છે. યૂરોપીય ઉપગ્રહોના લોન્ચિંગથી "290 મિલિયન યુરો" થી વધારે અને અમેરિકી ઉપગ્રહોના લોન્ચિંગથી "170 મિલિયન અમેરિકી ડોલર" થી પણ વધારે કહી શકાય તેટલું વિદેશી રકમ મળી છે.

મંત્રીએ ભારતમાં સ્પેસ સ્ટાર્ટઅપ્સની સંખ્યામાં મહત્વપૂર્ણ વધારા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુધારાઓને શ્રેય આપ્યો. 2014 માં માત્ર એક સ્ટાર્ટઅપથી, દેશ હવે 190 સ્પેસ સ્ટાર્ટઅપ્સ ધરાવે છે, જેમાં કેટલાક પહેલેથી જ નફાકારક સાહસોમાં વિકસિત થયા છે. અવકાશ ક્ષેત્રમાં ઉદ્યોગસાહસિક પ્રવૃત્તિમાં આ વધારો નવીનતા અને ખાનગી ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટેની સરકારની પ્રતિબદ્ધતાનો પુરાવો છે.