'કિરપાણ ફ્લાઇટમાં લઈ જવાની પરવાનગી આપો...', ઈન્ડિગોના પાઈલટે HCના દરવાજા ખટખટાવ્યા

બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યોરિટી (BCAS)એ 14 માર્ચ, 2022ના રોજ આ સંબંધમાં એક માર્ગદર્શિકા બહાર પાડી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે શીખ મુસાફરો ફ્લાઇટમાં 22.86 સેમી લાંબી કિરપાણ સાથે મુસાફરી કરી શકે છે. જોકે, એરલાઇન કે એરપોર્ટ સ્ટાફને આ છૂટ નથી.

Share:

હાઈલાઇટ્સ

  • કિરપાણ પ્લેનમાં લઈ જવા પાઈલટે હાઈકોર્ટમાં અરજી કરી
  • વકીલે કહ્યું, મુસાફોને પરવાનગી છે તો પાઈલટને કેમ નહીં?

ઈન્ડિગો એરલાઈનમાં કામ કરતા એક પાઈલટે બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને કેન્દ્ર સરકારને ફ્લાઈટમાં કિરપાણ લઈ જવાની પરવાનગી આપવાના નિર્દેશોની માંગ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ઈન્ડિગોનું સંચાલન કરતી ઈન્ટરગ્લોબ એવિએશન કંપનીના પાઈલટ અંગદ સિંહે બોમ્બે હાઈકોર્ટની નાગપુર ખંડપીઠ સમક્ષ દાખલ કરેલી અરજીમાં દલીલ કરી છે કે તે ભારતીય બંધારણ કલમ 25 હેઠળ 'ધાર્મિક સ્વતંત્રતા'ના ભાગરૂપે કિરપાણ લઈ જવાનો અધિકાર ધરાવે છે.

પાઈલટે હાઈકોર્ટમાં કરી અરજી
જો કે, નાગરિક ઉડ્ડયન મંત્રાલયની માર્ગદર્શિકા જણાવે છે કે એરપોર્ટ અથવા એરલાઇન્સમાં કામ કરતા કર્મચારીઓ (શીખ ધર્મના લોકો સહિત)ને કિરપાણ વહન કરવાની મંજૂરી નથી. અંગદ સિંહે પોતાની અરજીમાં દાવો કર્યો છે કે આ તેમના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે.

જાન્યુઆરીમાં હાથ ધરાશે આગામી સુનાવણી
આ સિવાય તેમણે પોતાની અરજીમાં કહ્યું છે કે યાત્રીઓને વિમાનમાં કિરપાણ લઈ જવાની છૂટ આપવી, પરંતુ એરલાઈનના કર્મચારીઓને સમાન અધિકાર ન આપવો એ તર્કની વિરુદ્ધ છે. અંગદ સિંહની અરજીની નોંધ લેતા જસ્ટિસ નીતિન સાંબ્રે અને જસ્ટિસ અભય મંત્રીની ડિવિઝન બેંચે કેન્દ્ર સરકાર અને ઈન્ડિગો એરલાઈનને નોટિસ પાઠવીને જવાબ માંગ્યો છે. બેન્ચે આ કેસમાં આગામી સુનાવણીની તારીખ 29 જાન્યુઆરી, 2024 નક્કી કરી છે.

મુસાફરોને મંજૂરી તો પાઈલટને કેમ નહીં?
અરજદાર અંગદ સિંહના વકીલ સાહિલ શ્યામ દેવાનીએ કહ્યું કે નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા લાદવામાં આવેલા નિયંત્રણોમાં સુધારો કરવાની જરૂર છે, કારણ કે 12 માર્ચ, 2022ના રોજ કેન્દ્ર સરકારે શીખ મુસાફરોને ચોક્કસ આકારના કિરપાણ સાથે રાખવાની મંજૂરી આપતા માર્ગદર્શિકા બહાર પાડી હતી. હવે આ કેસમાં આગળ શું થશે તે આગામી સુનાવણીમાં ખબર પડશે.