પૂંછ આતંકવાદી હુમલામાં મૃત્યુ પામનારા નાગરિકોના પરિવારજનોનો ચોંકાવનારો દાવો

જમ્મુ અને કાશ્મીર પ્રશાસને પૂંછ જિલ્લામાં આતંકવાદ વિરોધી ઓપરેશનમાં મૃત મળી આવેલા ત્રણ નાગરિકોના પરિવારોને વળતર અને નોકરીની જાહેરાત કરી છે.

Share:

હાઈલાઇટ્સ

  • હુમલાની જગ્યા પાસે ત્રણ લોકોના મૃતદેહ મળી આવ્યા હતા
  • જરૂરી તપાસ બાદ સરકારે વળતર-નોકરીની જાહેરાત કરી છે

22 ડિસેમ્બર 2022ના રોજ જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લામાં સેનાના વાહનો પર આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં ત્રણ નાગરિકોના મોતની જાણ થઈ હતી. આ પછી, શનિવારે કાયદાકીય ઔપચારિકતા પૂર્ણ કર્યા પછી, આ મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તેમજ જમ્મુ-કાશ્મીર સરકારે દરેક મૃતકોના પરિવારજનોને વળતર અને નોકરી આપવાની જાહેરાત કરી છે.

જમ્મુ અને કાશ્મીરમાં રાજકીય પક્ષોએ આક્ષેપ કર્યો હતો કે શુક્રવારે રહસ્યમય સંજોગોમાં મૃત મળી આવેલા ત્રણ માણસોને સૈન્યના જવાનોએ ગુરુવારે જિલ્લામાં આતંકવાદી હુમલાના સંબંધમાં પૂછપરછ માટે ઝડપી લીધા હતા. આ આતંકી હુમલામાં પાંચ જવાનો શહીદ થયા હતા, ત્યારબાદ સેના કેટલાક લોકોને પૂછપરછ માટે પોતાની સાથે લઈ ગઈ હતી.

પરિવારના સભ્યોને વળતર અને નોકરી આપવાની જાહેરાત
કેન્દ્ર શાસિત પ્રદેશના માહિતી અને જનસંપર્ક વિભાગે X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, 'પૂંછ જિલ્લાના બાફલિયાઝમાં ત્રણ નાગરિકોના મોતના સમાચાર મળ્યા હતા. તબીબી સંબંધિત કાનૂની ઔપચારિકતાઓ પૂર્ણ કરવામાં આવી છે અને આ બાબતે યોગ્ય અધિકારી દ્વારા કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. વિભાગે કહ્યું કે, સરકારે દરેક મૃતકો માટે વળતર અને નોકરીની જાહેરાત કરી છે.

આતંકવાદી હુમલામાં પાંચ જવાન શહીદ
તમને જણાવી દઈએ કે, જમ્મુ-કાશ્મીરના પૂંછ જિલ્લામાં સુરનકોટ પોલીસ સ્ટેશન વિસ્તારના ધેરા કી ગલી અને બુફલિયાઝ વચ્ચેના ધત્યાર વળાંક પર સૈન્યના જવાનોને કોર્ડન અને સર્ચ ઓપરેશનના સ્થળે લઈ જઈ રહેલા વાહનો પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં પાંચ જવાનો શહીદ થયા હતા. આતંકી હુમલામાં બે જવાન ઘાયલ થયા છે. આ પછી, સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો અને મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

પરિવારજનોનો ચોંકાવનારો દાવો

પ્રાપ્ત માહિતી અનુસાર, આતંકી હુમલામાં મૃત્યુ પામનારા 3 નાગરિકોના મૃતદેહને શનિવારે બપોરે જમ્મુના ડિવિઝનલ કમિશનર રમેશ કુમાર જાંગિડ, પૂંછના ડેપ્યુટી મેજિસ્ટ્રેટ ચૌધરી મોહમ્મદ યાસીન, વરિષ્ઠ પોલીસ અધિક્ષક (એસએસપી) વિનય કુમાર અને અન્ય અધિકારીઓની હાજરીમાં મૂળ ગામ તોપા પીરમાં દફનાવવામાં આવ્યા હતા.

તોપા પીર ગામના પંચ, મોહમ્મદ સાદીક (45) જેમનો 22 વર્ષનો ભત્રીજો શોકેત અલી ત્રણ મૃતકોમાંનો હતો, તેમણે કહ્યું કે માર્યા ગયેલા લોકો ગરીબ લોકો હતા અને ગુરુવારના થયેલા હુમલા કે આતંકવાદ સાથે કોઈ સંબંધ ધરાવતા નથી.

તેમણે કહ્યું કે શુક્રવારે સવારે 9.30 વાગ્યાની આસપાસ સૈન્યએ ગામમાંથી નવ માણસોને ઝડપી લીધા હતા જ્યારે તેઓ તેમના ઘરમાં સવારની ચા પી રહ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે અટકાયતમાં લેવાયેલા માણસોને પહેલા માલ ચોકી પર લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમને ત્રાસ આપવામાં આવ્યો હતો અને પછી બાફલિયાઝ પોસ્ટ ખાતે શિફ્ટ કરાયા હતા.

તેમણે મીડિયાને જણાવ્યું કે, શનિવારે સવારે 8 વાગ્યે મૃતદેહો અમને સોંપવામાં આવ્યા હતા. અમે આજે તેમને દફનાવવાના છીએ, પરંતુ અમે ન્યાયની માગણી કરીએ છીએ. અમે સેનાને પણ કહીએ છીએ કે તેઓ તેમની કોઈપણ આતંકવાદી પ્રવૃત્તિમાં સામેલ હોવાના પુરાવા આપે.

તેમણે દાવો કરતા કહ્યું કે, 'મૃતકના શરીર પર ઈજાના નિશાન છે. તેમના પર એસિડ અને મરચાંનો પાવડર રેડવામાં આવ્યો હતો. તેમને પાણી ભરેલી ટાંકીમાં ઈલેક્ટ્રીક શોક આપવામાં આવ્યા હતા. તેમને થર્ડ-ડિગ્રી ટોર્ચર આપવામાં આવ્યું હતું. મેં ડેપ્યુટી મેજિસ્ટ્રેટ સાથે ત્રાસના બે વીડિયો શેર કર્યા છે કર્યા છે.'

બે વીડિયો ક્લિપ્સમાં સૈન્યના ગણવેશમાં કેટલાક માણસો અટકાયતીઓ સાથે દુર્વ્યવહાર કરતા, તેમના શરીર પર મરચાનો પાવડર રેડવા ઉપરાંત લાકડીઓ વડે માર મારતા દર્શાવવામાં આવ્યા હતા. જો કે, આ અંગે પૂંછ ડીસી ચૌધરી, એસએસપી વિનય કુમાર અને જમ્મુના ડિવિઝનલ કમિશનર રમેશ કુમારનું કોઈ નિવેદન આવ્યું નથી. સેનાના સંરક્ષણ પ્રવક્તા પાસે પણ પરિવારના દાવા અંગે કોઈ માહિતી નહોતી.