પાડાના વાંકે પખાલીને ડામ: હવે કર્ણાટકમાં મહિલાને નિર્વસ્ત્ર કરી જાહેરમાં ફેરવાઈ

કર્ણાટકના એક ગામમાં યુવકને તેના જ ગામની એક યુવતી સાથે પ્રેમ હતો. બંને લગ્ન કરવા માંગતા હતા પરંતુ તેમના પરિવારજનો તૈયાર ન હતા. અંતે બંને ઘરેથી ભાગી ગયા હતા. છોકરા-છોકરીના ભાગી જવાના સમાચાર આખા ગામમાં ફેલાઈ ગયા. છોકરીનો પરિવાર ગુસ્સે થઈ ગયો અને છોકરાની માતાને નગ્ન કરીને જાહેરમાં સરઘસ કાઢ્યું હતું.

Share:

હાઈલાઇટ્સ

  • પુત્ર તેની પ્રેમિકા સાથે ભાગી ગયો અને સજા માતાને મળી
  • છોકરીના પરિવારે તમામ હદો વટાવી, પોલીસ તપાસ શરૂ

કર્ણાટકના બેલગાવી શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં વંતમુરી ગામમાં જે બન્યું તે શરમજનક છે. જ્યાં છોકરીને લઈને ભાગી ગયેલા છોકરાની માતા સાથે છોકરીના પરિવારજનોએ શેરીઓમાં નગ્ન અવસ્થામાં સરઘસ કાઢ્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ, કપલ રવિવારે રાત્રે ભાગી ગયું હતું અને જ્યારે તેમને આ ઘટનાની જાણ થઈ, ત્યારે સોમવારે વહેલી સવારે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો.

ઘટનાની વિગતો એવી છે કે, પીડિત મહિલાના પુત્રને ગામડાની યુવતી સાથે પ્રેમ હતો, પરંતુ યુવતીના પરિવારજનોએ તેનો વિરોધ કર્યો હતો. તેઓ તેના લગ્ન અન્ય પુરુષ સાથે કરાવવાનું વિચારી રહ્યા હતા, જેથી તે રવિવારે રાત્રે છોકરા સાથે ભાગી ગઈ હતી. છોકરીના નારાજ પરિવારના સભ્યો છોકરાના ઘરમાં ઘૂસી ગયા અને તોડફોડ કરી. તેઓએ પથ્થરમારો કર્યો અને ઘરની છતની ટાઇલ્સ તોડી નાખી અને પછી છોકરાની માતાને ઘરની બહાર ખેંચી ગયા હતા.

આ ઘટનાએ વિકરાળ વળાંક ત્યારે લીધો જ્યારે છોકરાની માતાના કપડા ફાડીને તેને નિર્વસ્ત્ર કરવામાં આવી હતી. છોકરીના પરિવારજનોએ તેને સંપૂર્ણ નગ્ન અવસ્થામાં ગામમાં ફેરવી, જ્યારે આનાથી પણ આરોપીઓ સંતુષ્ટ ન થયા, ત્યારે તેઓએ મહિલાને ઇલેક્ટ્રિક પોલ સાથે બાંધી દીધી અને પછી તેને ખૂબ માર માર્યો.

આ ચોંકાવનારી ઘટના ગામમાં બનતી રહી અને લોકો તમાશો જોતા જ રહ્યા. ઘણા લોકો હાથમાં મોબાઈલ લઈને વીડિયો બનાવતા રહ્યા. આરોપીએ મહિલાને છોડ્યા બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. માહિતી મળતાં જ કર્ણાટકના ગૃહમંત્રી ડૉ. જી પરમેશ્વર પીડિતાને મળવા બેલગાવી જિલ્લા હોસ્પિટલ પહોંચ્યા અને ઘટના વિશે પૂછપરછ પણ કરી. મંત્રીએ વંતમુરી ગામમાં તેમના ઘરે પણ મુલાકાત લીધી હતી.

પરમેશ્વરે પીડિત મહિલાના પડોશીઓ સાથે પણ ઘટના અંગે વાત કરી હતી. જ્યારે પડોશીઓ જવાબ આપવામાં અચકાતા હતા, ત્યારે પરમેશ્વરાએ તેમને તપાસમાં સહકાર આપવા વિનંતી કરી હતી. ગૃહમંત્રીએ કહ્યું કે ફરાર કપલને શોધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે આવા કૃત્યોને સહન કરવામાં આવશે નહીં અને ગુના કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પીડિતા આ ઘટનાથી આઘાતમાં છે. આ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.'

નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો દ્વારા પ્રકાશિત થયેલા આંકડાઓ મુજબ, ભારતમાં 2022માં મહિલાઓ પર થતા અત્યાચારના કેસમાં 4 ટકા જેટલો વધારો થયો છે. આ ગુનાઓ પતિ, સંબંધીઓ, અપહરણ કર્તાઓ અને બળાત્કારીઓ દ્વારા થતાં હોવાનું જણાવવામાં આવ્યું છે. અહેવાલ મુજબ પતિ દ્વાર થતાં અત્યાચારના 31.4%, અપહરણના 19.2%, શારીરિક રીતે હેરાન કરવાના 18.7% જ્યારે બળાત્કારના 7.1% કેસ નોંધાયા છે. પ્રતિ લાખ મહિલાઓ સામેના કેસ 2021માં 64.5% હતા જે એક વર્ષમાં વધીને 66.4 થઈ ગયાં હોવાનું અહેવાલમાં જણાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.